સાત મંડપમાં ૧૪ યુગલોએ કરાવ્યા તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના પવિત્ર લગ્ન : બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન ક્લબનો બે દિવસીય ધાર્મિક મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન : ૧૪ યજમાન યુગલોનું ચાંદીની ગાય અર્પણ કરી સન્માન : પાંચ મહિલા રત્નોને પણ બિરદાવાયા
ભુજ - કચ્છઉદય : બ્રહ્મ સમાજના વડીલોના માર્ગદર્શન હેઠળ ભુજ ખાતે બ્રહ્મ સમાજ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા રાજગોર સમાજવાડી, આરટીઓ રીલોકેશન ખાતે ભવ્ય તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૪ યજમાન યુગલો એટલે કે કુલ ૨૮ યજમાનો, સાત મંડપ અને ૧૦ બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી માતા અને ભગવાન શાલિગ્રામના પવિત્ર વિવાહની વિધિ ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી.
એડવોકેટ એચ.એલ. અજાણીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ મહોત્સવમાં મુખ્ય યજમાન અને સમારંભના અધ્યક્ષ તરીકે પ્રવીણભાઈ તથા ભાવનાબેન જોષી (ગૌરીશંકર ભવાનજી જોષી પરિવાર) રહ્યા હતા. પ્રથમ દિવસે લગ્નગીતો, ગરબા અને રાસલીલાના કાર્યક્રમો યોજાયા હતા. બીજા દિવસે સવારે ૮થી સાંજે ૬ વાગ્યા સુધી સિદ્ધિવિનાયક મંદિર, માધાપરના હિતેશ મહારાજ તથા ૧૦ બ્રાહ્મણોની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી તુલસી વિવાહ સંપન્ન કરાવાયા હતા. સાંજે નાગેશ્વર મંદિરેથી ભગવાનનો ભવ્ય વરઘોડો અને સામૈયું યોજાયું હતું. ભગવાનને ધામધૂમપૂર્વક સમાજવાડી સંકુલમાં લાવવામાં આવ્યા હતા અને સાત મંડપમાં ૧૪ યુગલોએ વિવાહ ઉત્સવની વિધિ પૂર્ણ કરી હતી.
સમારોહમાં ડે. ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ, ડીવાયએસપી આશિષ પંડ્યા, યુનિવર્સિટી રજિસ્ટ્રાર અનિલભાઈ ગોર, ભુજ બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય યજમાન પરિવારનું પાઘડી અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું. માતા રેણુકા ટ્રસ્ટ વતી મંજુલાબેન ઉપાધ્યાય, કમળાબેન વ્યાસ અને તેમની ટીમ દ્વારા ૧૪ યજમાન યુગલોને ચાંદીની ગાય અર્પણ કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે મંજુલાબેન ઉપાધ્યાય, કમળાબેન વ્યાસ, ભાવિનીબેન પંડ્યા, જીયાબેન ત્રિપાઠી અને સેજલબેન મોતા સહિત પાંચ મહિલા રત્નોને તેમની પ્રતિભા, સંઘર્ષ અને સિદ્ધિઓ બદલ બિરદાવવામાં આવ્યાં હતાં.
પ્રાસંગિક પ્રવચનમાં એચ.એલ. અજાણીએ સિનિયર સિટીઝન ક્લબ દ્વારા યોજાયેલા ૧૪ કાર્યક્રમોની વિગતો આપી હતી. મુખ્ય યજમાન પ્રવીણચંદ્ર જોષીએ સામાજિક સેવા, રાષ્ટ્રવિકાસ અને બ્રાહ્મણ સમાજની ફરજો અંગે વિચારો રજૂ કર્યા હતા. મહાનુભાવોએ પણ સમાજની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગવાન બનાવવા સહયોગની ખાતરી આપી હતી. ભુજ બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ ત્રવાડીએ વડીલોની સેવા એ પ્રભુસેવા સમાન હોવાનું જણાવી ક્લબની કામગીરીને બિરદાવી હતી. રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર, મહામંત્રી ભરતભાઈ ગોર, પરશુરામ મંદિર સમિતિના કન્વીનર રાજેશભાઈ ગોર સહિતના આગેવાનોએ સહયોગ આપ્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ગીતાબેન જોષી અને તેમની મહિલા ટીમ તેમજ સમગ્ર કાર્યકર્તા ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન ગીતાબેન જોષીએ કર્યું હતું અને અંતે પ્રમુખ રવિકાંત ત્રવાડીએ આભારવિધિ કરી હતી. ધાર્મિક આસ્થા સાથે વડીલોનું સન્માન, મહિલા શક્તિનું ગૌરવગાન અને સામાજિક એકતાનો સુંદર સંદેશ આપતો આ તુલસી વિવાહ મહોત્સવ ભુજ બ્રહ્મ સમાજ માટે યાદગાર બની રહ્યો હતો.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.