અનંતસિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે રાજ સંઘવીને આશીર્વચન પાઠવ્યાં : વિવિધ સમાજના અગ્રણીઓએ મેળવ્યા આશીર્વાદ
મુંદરા-કચ્છઉદય : દેવદિવાળીના પવિત્ર પર્વે મુન્દ્રા તપગચ્છ જૈન સંઘમાં ચાતુર્માસ માટે બિરાજમાન પૂજ્ય અનંતસિદ્ધિ વિજયજી મહારાજ સાહેબે ભાટિયા ચકલા નજીક આવેલી સેવાભાવી જનસેવાની કચેરીએ પધરામણી કરી હતી. આ પ્રસંગે જનસેવાના રાજ સંઘવીને આશીર્વચન પાઠવી મહારાજ સાહેબે ધર્મ, દાન અને સેવાભાવનું મહત્ત્વ સમજાવ્યું હતું.
મહારાજ સાહેબ સૌપ્રથમ મદનમોહનરાયજીની હવેલી ખાતે પધાર્યા હતા. ત્યારબાદ ત્યાંથી ઢોલ-નગારાના નાદ સાથે વાજતે-ગાજતે જનસેવાની કચેરીએ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કચેરી ખાતે નવકાર મંત્ર અને ચતારી મંગલમ્નું પઠન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહારાજ સાહેબે રાજ સંઘવીને આશીર્વાદ આપ્યા હતા. આશીર્વચન આપતાં મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, દાન એ ઉત્તમ સેવા છે. માનવજીવનમાં ધર્મનું વિશેષ મહત્ત્વ છે. સમય અને જીવનની વચ્ચે ધર્મનું સ્થાન સમજીને દરેક વ્યક્તિએ ધર્મનું આચરણ કરવું જોઈએ. ધર્મના માર્ગે ચાલવાથી જીવનનું કલ્યાણ થાય છે અને માનવજીવન સાર્થક બને છે.
આ પ્રસંગે જૈન સમાજના હિરેન સાવલા, ઋષભ સંઘવી, એડવોકેટ પ્રવીણ ગણાત્રા, બ્રહ્મ સમાજના ગૌરાંગ ત્રિવેદી, પત્રકાર રાહુલ દાવડા, ભાટિયા સમાજના જીતુભાઈ રામૈયા, દરજી સમાજના અલ્પેશ સોલંકી, ખારવા સમાજના દિનેશ માલમ, ભરત ચાવડા તથા રૂપેશ ઝાલા (જય ભોલે) સહિત વિવિધ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.