મુખ્ય સમાચાર પર જાઓ
ટ્રેન્ડિંગ
ધરોહરોત્સવ ૨૦૨૬ અંતર્ગત ભુજમાં હેરિટેજ એન્ડ ફોટો વોકનું કરાયું આયોજન નવચેતનનો ૧૪૨ દિવસીય સેવાયજ્ઞ સંપન્ન મધરાતે માનવતાનો હાથ લંબાવી તમિલનાડુની નિરાધાર મહિલાને આશ્રય અપાયો પરંપરાગત કચ્છી ભરતકામ બન્યું આત્મનિર્ભરતાનું માધ્યમ : ગામડાની કળાને મળ્યું દેશ-વિદેશના બજારોમાં સ્થાન વિકાસના કામો સમયસર શરૂ થતાં ગામોમાં પાયાની સુવિધાઓ વધુ મજબૂત બનશે : ત્રિકમભાઈ છાંગા ભુજ-ખાવડા હાઇવે સહિત ધોરડો અને રોડ ટુ હેવન માર્ગ પર માર્ગ સલામતીનાં પૂરતાં પગલાં ભરવા સાંસદની રજૂઆત આડેસર ગામમાં ઘરના આંગણેથી લીલા ગાંજાના છોડ સાથે ૬૦ વર્ષીય શખ્સ ઝડપાયો ભચાઉમાં લૂંટ અને વિશ્વાસઘાતના ગુનાનો ભેદ ઉકેલાયોઃ ગણતરીના કલાકોમાં બે આરોપીઓ ઝડપાયા આદિપુરમાં જુગારના અડ્ડા પર પોલીસ ત્રાટકી : ૭ જુગારીઓ ઝડપાયા ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિ.નો વહીવટ રામભરોસે : દર્દીઓ ભગવાન ભરોસે : મોટો જનાક્રોશ ભભુકયો ભચાઉ નજીક કબરાઉ પાસે ૩ લાખની લૂંટનો બનાવ  ભારાપર (અંજાર) માં ખોટા શક-વહેમ પર યુવતી પર એસિડ હુમલો

ભુજમાં ૭૦થી વધુ સંતો-મહંતોનું સંમેલન યોજાયું

WhatsApp X

સામાજિક સમરસતા, સંસ્કૃતિના જતન અને સરહદી સુરક્ષા સહિતના વિષયો પર સંતોએ વ્યક્ત કર્યા વિચારો

ભુજ-કચ્છઉદયઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સામાજિક સદભાવ સમિતિ દ્વારા ભુજના લક્ષ્મીનારાયણ પાટીદાર ભવન ખાતે કચ્છના સંતો-મહંતોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કચ્છના વિવિધ વિસ્તારોમાંથી સનાતન ધર્મના અલગ-અલગ મત, પંથ અને સંપ્રદાયના ૭૦થી વધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. સમાજમાં એકતા, સમરસતા અને ધાર્મિક-સાંસ્કૃતિક મૂલ્યોનું જતન કરવા સંતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા.

સંમેલનના મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક અને મોરબીના જાણીતા સર્જન ડો. જયંતીભાઈ ભાડેસીયાએ સમાજજાગૃતિ અને હિન્દુ સમાજના ઉત્થાનમાં સંતો-મહંતોના માર્ગદર્શનને મહત્ત્વપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે દેશ સામે ઊભા થયેલા વર્તમાન પડકારો, વિદેશી શક્તિઓ સામે સાંસ્કૃતિક વારસાના રક્ષણ, યુવાનોમાં વધતા નશાના દૂષણ અને કુટુંબ વ્યવસ્થામાં આવી રહેલા પરિવર્તનો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. સરહદી સુરક્ષા, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ જતન, સ્વદેશીનો સ્વીકાર અને નાગરિક કર્તવ્ય જેવા વિષયોમાં સમાજે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ તેમ જણાવ્યું હતું. કચ્છના સરહદી વિસ્તારોમાં વિવિધ સંતો અને સંપ્રદાયો દ્વારા થઈ રહેલી સુરક્ષા તથા સેવાકીય પ્રવૃત્તિઓને પણ તેમણે બિરદાવી હતી.

વિચારવિમર્શ દરમિયાન પૂ. પ્રદીપ્તાનંદ સરસ્વતી (આર્ષ અધ્યયન કેન્દ્ર, ભુજ)એ ભગવદ્‌ ગીતાને સમગ્ર હિન્દુ સમાજમાં સ્વીકૃત ગ્રંથ ગણાવી ગીતા જયંતીના માધ્યમથી સમાજને એકત્રિત કરવાના પોતાના પ્રયાસોની વાત કરી હતી. મહંત શ્રી ગિરીજાગીરી માતાજી (સન્યાસ આશ્રમ, સાંગનારા)એ ’બટેંગે તો કટેંગે’ના સંદેશ સાથે તમામ વર્ણો અને જ્ઞાતિઓ વચ્ચે એકતા તથા વૈદિક પરંપરાના મૂલ્યો જાળવવાની આવશ્યકતા દર્શાવી હતી.

પૂ. પ્રકાશઆનંદ મહારાજ (પંચમુખી હનુમાન મંદિર, અંજાર)એ ભેડિયાબેટ ખાતે હનુમાનજીનાં દર્શન અને સરહદ પર ફરજ બજાવતા સીમા સુરક્ષા દળના જવાનો સાથેના અનુભવ વર્ણવ્યા હતા. સરહદ પર જવાનોની કામગીરીને બિરદાવવાની સાથે સરહદી હિન્દુ પરિવારોને આર્થિક, સામાજિક અને ધાર્મિક રીતે સક્ષમ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. પૂ. સર્યુદાસજી મહારાજ (મહંત રવિભાણ આશ્રમ, મોટી વિરાણી)એ સનાતન ધર્મ અને હિન્દુ સમાજના હિતમાં સમયનું યોગદાન આપવું એ આજની સૌથી મોટી જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.

માતંગ ધરમસિંહ જગદેવ લાલણ (માતંગ સંપ્રદાય)એ કચ્છની સામાજિક સમરસતાની ઐતિહાસિક પરંપરાનો ઉલ્લેખ કર્યો હતો. કચ્છના ક્ષત્રિય મહારાવના રાજતિલકની વિધિ અનુસૂચિત જાતિના માતંગ સંપ્રદાયના ગુરુ દ્વારા કરવાની ૧૨૦૦ વર્ષ જૂની પરંપરાને તેમણે એકતાનું ઉત્તમ ઉદાહરણ ગણાવી જૂની રૂઢિઓથી ઉપર ઊઠીને પરસ્પર વિશ્વાસ અને ભાઈચારો મજબૂત કરવા અપીલ કરી હતી.

સાધુ કપિલમુનિદાસ (સ્વામિનારાયણ મંદિર, ભુજ)એ મંદિર દ્વારા ચાલતી બાળ અને યુવા પ્રવૃત્તિઓ, ગર્ભસંસ્કાર, સરહદી ગામોના વિકાસ તથા દર દિવાળીએ યોજાતી ત્રણ હજાર યુવા કાર્યકરોની શિબિર અંગે માહિતી આપી હતી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનું દૂષણ વધતું હોવાની સાથે યુવાનોમાં મોબાઈલના વધતા વપરાશ અને વ્યસન અંગે ચિંતા વ્યક્ત કરી હતી. પૂ. મુકુલદાસજી મહારાજ (રવિભાણ આશ્રમ, બિબર)એ માત્ર સરહદી વિસ્તારો જ નહીં, પરંતુ કચ્છનાં શહેરોની સામાજિક સ્થિતિ પર પણ ધ્યાન આપવા જણાવ્યું હતું. શહેરોમાં વ્યવસાય કરતી હિન્દુ બહેન-દીકરીઓની સુરક્ષા અને તેમની સમસ્યાઓ પ્રત્યે પણ સમાજે સંવેદનશીલ બનવું જોઈએ તેવું સૂચન કર્યું હતું.

સંમેલનમાં કચ્છની બદલાતી સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર હિન્દુ સમાજને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે સંતોની સંયુક્ત સમિતિ રચવાના વિચાર પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત આગામી સમયમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ આવા સંત સંમેલનો યોજવા અંગે સહમતી દર્શાવવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સંઘના વિભાગ કાર્યવાહ રવજીભાઈ ખેતાણીએ કરી હતી. અંતે ગૌઆધારિત ભોજનપ્રસાદ ગ્રહણ કર્યા બાદ સંતો વિદાય થયા હતા. 

આ સમાચાર મિત્રોને મોકલો

WhatsApp X

ટિપ્પણીઓ

હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.

તમારું નામ ટિપ્પણી સાથે દેખાશે

0 / 255

મોકલતી વખતે લોગિન પૂછાશે. તમારું લખાણ સચવાઈ રહેશે.