Trending News
સ્થાનિક સમાચાર

પ્રવાસીઓની કચ્છની મુલાકાત વધુ યાદગાર બને એ જ પ્રાથમિકતા : અનિલ રાણાવસિયા

18 November




જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રણોત્સવ કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ : કચ્છના પ્રવાસનને વેગ આપવા માટે આયોજનબદ્ધ રીતે કામગીરી કરીને પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માર્ગદર્શન પુરું પાડતા કલેક્ટર

ભુજ - કચ્છઉદય : કચ્છ રણોત્સવ ૨૦૨૬-૨૭ના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા રણોત્સવ કોર કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. રણોત્સવ દરમિયાન દેશ વિદેશથી કચ્છ આવતા પ્રવાસીઓનો અનુભવ સુખદ બને તે માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. કચ્છની મુલાકાત દરમિયાન પ્રવાસીઓને કોઈ જ મુશ્કેલી ન પડે તે રીતે આયોજન સાથે કામગીરી કરવા માટે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને સૂચન કરીને માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
આ બેઠકમાં કચ્છ કલેક્ટરે જણાવ્યું હતું કે, પ્રવાસીઓની કચ્છની મુલાકાત યાદગાર રહે સાથે સાથે જ કચ્છના પ્રવાસન સ્થળો ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે. કચ્છ કલેક્ટરે કચરાના વ્યવસ્થાપન માટેની ટીમોની કામગીરીની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત, વિવિધ જાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી નિયત જગ્યાએ જ કચરો ફેંકાઈ તે અંગે પ્રવાસીઓને માહિતગાર કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં પ્રવાસન સ્થળોની આસપાસના ગેરકાયદેસર દબાણોને દૂર કરવા કચ્છ કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
આ ઉપરાંત બેઠકમાં રોડ ટુ હેવન ખાતે વન વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત ચેક પોસ્ટ, પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા, ટ્રાફિક નિયમન દ્વારા મુસાફરોની સુરક્ષા,  પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાના હેતુથી ‘રણોત્સવ પોર્ટલ’નું નિર્માણ, ટ્રાફિક અને પાર્કિંગની સુચારું વ્યવસ્થાઓ, ધોરડો ખાતેના વોચ ટાવર પાસે ‘નો-પાર્કિંગ’ ઝોનનો કડક અમલ, પ્રવાસીઓની સંખ્યાને અનુરૂપ પાર્કિંગથી વોચ ટાવર સુધી વધારાની બસોની ફાળવણી, મુસાફરોની પરમિટની નિયમોનુસાર ચકાસણી, મુસાફરો માટે હેલ્પ ડેસ્કની સુવિધા, અવિરત વીજળી વ્યવસ્થા, ધોરડો ખાતેના વિવિધ રસ્તાઓની સમયાંતરે મરામત સહિતની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને પ્રવાસીઓ માટે પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા અને યોગ્ય સેનિટેશન વ્યવસ્થા અંગે કલેક્ટરે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપીને વધુ સુદ્‌ઢ આયોજન કરવા જણાવ્યું હતું. કલેક્ટરશ્રીએ ’નો-પ્લાસ્ટિક ઝોન’ના નિયમો અને જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરાવવા ગ્રામ પંચાયત અને સંબંધિત વિભાગને સૂચના આપી હતી. તેઓએ રણોત્સવ દરમિયાન એકત્ર થતા કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા અને સફેદ રણની સુંદરતા જાળવવા સફાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સ્થાનિક તંત્ર અને સ્વચ્છતા સમિતિને માર્ગદર્શન પુરું પાડ્યું હતું. સફેદ રણ સહિત ધોરડો, રોડ ટુ હેવન અને ધોળાવીરામાં ગંદકી ફેલાવનારા સામે દંડનીય કાર્યવાહી કરવા કલેક્ટરે અધિકારીઓ અને ગ્રામ પંચાયતોને જણાવ્યું હતું. આ ઉપરાંત સબરસ બસ સ્ટેન્ડ ખાતે પ્રવાસીઓ બસમાં બેસીને વોચ ટાવર સુધી પહોંચી શકે તે માટે યોગ્ય બેરીકેડીંગ કરાવવા અને રણોત્સવ સંદર્ભે બહાર પાડવામાં આવેલા જાહેરનામાઓની અસરકારક અમલવારી સુનિશ્ચિત કરવા સંબંધિત વિભાગોને કલેક્ટરે માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા.
કલેક્ટર દ્વારા રણોત્સવ દરમિયાન વિવિધ વિભાગના અધિકારીઓને જવાબદારી સોંપીને પ્રવાસીઓને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અસરકારક આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેન્ટસિટી અને ગેટ વે રણ રિસોર્ટ સંકલન ટીમ, રોડ ટુ હેવન અને ધોળાવીરા ટીમ, એડવેન્ચર એક્ટિવિટી ટીમ, ફાયર સેફ્ટી ટીમ, દબાણ દેખરેખ અને ટ્રાફિક દેખરેખ ટીમ, સાંસ્કૃતિક ટીમ, હેલ્પ ડેસ્ક ટીમ, ઈલેક્ટ્રીક સપ્લાય ટીમ, વોટર સપ્લાય ટીમ, ટીકિટિંગ અને પાર્કિંગ ટીમ, સ્વચ્છતાની દેખરેખ માટે મોબાઈલ મુવિંગ ટીમ, સ્ટોલ ફાળવણી અને હોકર ઝોન મેનેજમેન્ટ ટીમ, ઉંટગાડી અને ઘોડાગાડી નિયમન ટીમ, સ્વચ્છતા જાગૃતિ અભિયાન ટીમ, મેડીકલ ટીમ અને રોડ સેફ્ટી ટીમની રચના કરવામાં આવી છે. નિયત સમયગાળા દરમિયાન તમામ ટીમની કામગીરીની સમીક્ષા કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવી રહી છે. પ્રવાસલક્ષી સુવિધાઓ વિકસાવવા, સ્વચ્છતા જાળવવા સહિતના મુદ્દાઓ પર ભાર મૂકીને કચ્છ કલેક્ટરે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા, ભુજ આરટીઓ અધિકારી અનિલ ગોસ્વામી, ભચાઉ મદદનીશ કલેકટર અભિષેક પ્રમોદ તલે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આસ્થા ડાંગર અને માધુરી પટેલ, ભુજ પ્રાંત અધિકારી એમ.જે.નાકિયા, નાયબ પોલીસ અધિક્ષક ડૉ.વિશ્વા શાહ, માર્ગ અને મકાન અધિક્ષક ઈજનેર કે.પી.નાઈ, જિલ્લા આયોજન અધિકારી જિતેન્દ્ર રાવલ સહિત સમગ્ર વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના ઉચ્ચ અધિકારીઓ, તમામ કમિટીના હેડ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.
----------

Comments

COMMENT / REPLY FROM