કચ્છમાં જીએમડીસી નીતિ-નિયમોમાં સુધારા કરી સ્થાનિક ટ્રાન્સપોર્ટરોને રાહત આપે
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં પ્રવર્તમાન દુષ્કાળ જેવી પરિસ્થિતિ અને વ્યવહારુ મુશ્કેલીઓને કારણે સ્થાનિક ટ્રાન્સપોર્ટ ધારકો, ઉદ્યોગકારો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, ત્યારે જિલ્લા પંચાયતના વિપક્ષ નેતા અને નખત્રાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ રાજેશ મમુભાઈ આહીરે ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી જીએમડીસીના નીતિ-નિયમોમાં જરૂરી સુધારા કરવાની માંગ કરી છે.
કચ્છમાં લીગ્નાઈટના પરિવહન સાથે હજારો ડ્રાઈવર, ક્લીનર, મજૂર અને વાહન માલિકોની રોજીરોટી જોડાયેલી હોવાથી આ વ્યવસાયને પ્રોત્સાહન આપવું અનિવાર્ય છે. રજૂઆતમાં લીગ્નાઈટનો કોટો નિયમિત ફાળવવા, નાના-મોટા ઉદ્યોગકારોના માલના ભાવ એકસમાન કરવા, બિનઉપયોગી જથ્થો અન્ય કંપનીઓને ફાળવવાની વ્યવસ્થા ગોઠવવા તથા ટ્રેડરોને અગાઉ મળતી છૂટછાટો ફરી શરૂ કરવા જેવી માંગણીઓ કરાઈ છે. આ ઉપરાંત, લીગ્નાઈટની ગુણવત્તા સુધારવા, આયાતી કોલસાની સરખામણીએ તેના ભાવ વાજબી રાખવા, પુનરાજપૂર ખાતે નવી માઈન્સ શરૂ કરવા અને કોટા ફાળવણીની પ્રક્રિયા પારદર્શક બનાવી દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિમાં વિશેષ રાહત આપવા ભાર મૂકવામાં આવ્યો છે. જો આ અંગે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો હજારો પરિવારોની આજીવિકા સામે ગંભીર સંકટ સર્જાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.
------

Comments