તહેવારોમાં રેલવેની આવકે વટાવ્યો રૂા.૧૦૮ કરોડનો આંકડો
દિવાળી અને છઠના ૧૫ દિવસમાં ૨૧ લાખથી વધુ મુસાફરોની અવરજવર : ૭૯ વિશેષ ટ્રેન ફેરા દોડાવાયા; સુરક્ષા અને સુવિધા માટે ચુસ્ત આયોજન
અમદાવાદ - કચ્છઉદય : દિવાળી અને છઠ મહાપર્વના તહેવારોમાં વતન જવા અને પરત ફરતા મુસાફરોની ભારે ભીડ વચ્ચે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ૧થી ૧૫ નવેમ્બર દરમિયાન માત્ર ૧૫ દિવસમાં ૨૧ લાખથી વધુ મુસાફરોએ રેલવે મુસાફરીનો લાભ લીધો હતો, જેના પરિણામે મંડળને રૂા.૧૦૮ કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. વધારાના મુસાફરોને સમાવવા માટે ૭૯ વિશેષ ટ્રેન ફેરાનું સંચાલન કરવામાં આવ્યું હતું તેમજ નિયમિત ટ્રેનોમાં વધારાના કોચ જોડવામાં આવ્યા હતા. મંડળ રેલવે પ્રબંધક વેદ પ્રકાશના માર્ગદર્શન હેઠળ વાણિજ્ય, પરિચાલન, સુરક્ષા અને યાંત્રિક સહિતના વિભાગોએ સંકલન કરીને મુસાફરોની અવરજવર સરળ બનાવવા આયોજન કર્યું હતું. આ સમયગાળામાં અમદાવાદ રેલવે સ્ટેશન પરથી ૮.૧૩ લાખથી વધુ, સાબરમતીથી ૩.૪૨ લાખ અને અસારવાથી ૧.૩૭ લાખથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. ભુજ, ગાંધીધામ સહિત અન્ય સ્ટેશનો પરથી પણ મોટી સંખ્યામાં મુસાફરો વિવિધ રાજ્યોમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યા હતા.
ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતા મુસાફરોની સંખ્યામાં વધારો થતાં અમદાવાદ, સાબરમતી, અસારવા, ભુજ અને ગાંધીધામથી વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી હતી. લખનૌ, કાનપુર, આગ્રા, મુંબઈ, પ્રયાગરાજ, મુઝફ્ફરપુર, દરભંગા, બરૌની, રાજગીર, જયપુર, હરિદ્વાર અને ભાગલપુર સહિતનાં શહેરો માટે વધારાની સેવાઓ અપાઈ હતી. સ્વર્ણ જયંતિ રાજધાની, તેજસ અને કર્ણાવતી એક્સપ્રેસમાં પણ વધારાના કોચ જોડવામાં આવ્યા હતા.
ભીડના વ્યવસ્થાપન માટે અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર વિશેષ પ્રતીક્ષા વિસ્તાર ઊભા કરાયા હતા. મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા, પીવાનું પાણી, પંખા અને પૂરતી લાઇટિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ હતી. સામાન્ય વર્ગના મુસાફરોને ખાદ્ય પેકેટ, પાણીની બોટલો અને બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્લેટફોર્મ પર ભીડ ન થાય, પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગો સુવ્યવસ્થિત રહે તથા મુસાફરો સુરક્ષિત રીતે ટ્રેનમાં ચઢી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરાઈ હતી. સ્ટેશનોની સ્વચ્છતા અને પીવાના પાણીની સુવિધા પર પણ સતત દેખરેખ રાખવામાં આવી હતી. સુરક્ષા માટે અમદાવાદ સ્ટેશન પર ૧૧૯ અને સાબરમતી સ્ટેશન પર ૧૨૧ સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી. અમદાવાદ સ્ટેશન પર વધુ ૬૦ કેમેરા લગાવવાની યોજના છે. આ ઉપરાંત અમદાવાદમાં ૫૫, સાબરમતીમાં ૪૦ અને અસારવામાં ૧૫ રેલવે સુરક્ષા દળના જવાનો તૈનાત કરાયા હતા. સરકારી રેલવે પોલીસ, ટિકિટ તપાસ કર્મચારીઓ અને અન્ય રેલવે સ્ટાફ પણ ચોવીસ કલાક ફરજ પર રહ્યો હતો. સ્ટેશનના પ્રવેશદ્વાર, બહાર નીકળવાના માર્ગો, પગપાળા પુલ અને પ્લેટફોર્મ પર ખાસ નજર રાખવામાં આવી હતી.
મુસાફરોને ટ્રેનના સમયપત્રક, પ્લેટફોર્મ અને વિશેષ સેવાઓની માહિતી સમયસર મળી રહે તે માટે ઇલેક્ટ્રોનિક માહિતી દર્શક પાટિયાં, જાહેર ઉદ્ઘોષણા વ્યવસ્થા અને સામાજિક માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ટ્રેનોના સંચાલન અને સમયપાલનનું પણ નિયમિત નિરીક્ષણ કરાયું હતું. વિવિધ વિભાગોના સંકલનથી તહેવારોની ભારે ભીડ વચ્ચે મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા પ્રયાસ કરાયા હતા. ૧૫ દિવસમાં ૨૧ લાખથી વધુ મુસાફરોની અવરજવર અને રૂા.૧૦૮ કરોડથી વધુની આવક અમદાવાદ મંડળ માટે નોંધપાત્ર રહી હતી.
----------------

Comments