ખાખરેચીમાં ૩૫ વર્ષના કરારથી આધુનિક કાર્ગો ટર્મિનલ બનશે
૮૦,૪૧૩ ચોરસ મીટર રેલવે જમીન પર ખાનગી મૂડીરોકાણથી સુવિધા ઊભી કરાશે : અમદાવાદ મંડળને વાર્ષિક રૂા.૧૫ લાખથી વધુની જમીન ભાડાની આવક થશે
અમદાવાદ-કચ્છઉદય : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા માલ પરિવહન ક્ષેત્રે સુવિધાઓના વિસ્તરણ માટે ખાખરેચી ખાતે નવું ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ વિકસાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રકલ્પના વિકાસ અને સંચાલન માટે મેસર્સ એમિરેટ્સ લોજિસ્ટિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને ૩૫ વર્ષનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. રેલવે બોર્ડની જીસીટી નીતિ-૨૦૨૬ના શિડ્યૂલ-૨ હેઠળ અમદાવાદ મંડળમાં હાથ ધરાયેલો આ પ્રથમ પ્રકલ્પ છે.
આ યોજના માટે રેલવે દ્વારા ૮૦,૪૧૩ ચોરસ મીટર જમીન ફાળવવામાં આવી છે. ખાનગી કંપનીના મૂડીરોકાણથી આ સ્થળે માલસામાનના ચડાણ અને ઉતારાણ માટે આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. જમીનના ઉપયોગ બદલ રેલવેને દર વર્ષે રૂ.૧૫ લાખથી વધુની લાયસન્સ ફી મળશે. આમ, રેલવેની જમીનનો ઉપયોગ કરીને ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી નવી પરિવહન સુવિધા વિકસાવવાનો માર્ગ મોકળો થયો છે.
અમદાવાદ મંડળમાં હાલ આઠ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ કાર્યરત છે. આ ટર્મિનલો મારફતે મીઠું, બેન્ટોનાઇટ, સિમેન્ટ, ખાતર, ખાંડ, કઠોળ અને કન્ટેનર સહિતની વિવિધ ચીજવસ્તુઓની હેરફેર કરવામાં આવે છે. ચાલુ વર્ષના એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન આઠ ટર્મિનલ પરથી ૧,૭૦૦થી વધુ માલગાડીઓના રેકનું લોડિંગ થયું હતું. જેમાં ૬૫ હજારથી વધુ વેગન મારફતે ૨૩ લાખ ટનથી વધુ માલનું પરિવહન કરાયું હતું. આ કામગીરીના પરિણામે રેલવેને રૂ.૩૩૦ કરોડથી વધુની આવક થઈ છે.
મંડળ રેલવે પ્રબંધક વેદ પ્રકાશે જણાવ્યું હતું કે ખાખરેચી ખાતે કાર્ગો ટર્મિનલ વિકસિત થવાથી આ વિસ્તારના ઉદ્યોગો અને વેપારી એકમોને માલની હેરફેર માટે વધુ સક્ષમ માળખું મળશે. માલ ચડાવવા અને ઉતારવાની આધુનિક વ્યવસ્થાથી સમયની બચત થશે અને રેલવે મારફતે પરિવહન કરવું વધુ અનુકૂળ બનશે.
આ પ્રકલ્પથી રેલવેને જમીન ભાડા ઉપરાંત આવકમાં ભાગીદારીના માધ્યમથી પણ લાભ થવાની અપેક્ષા છે. ખાસ કરીને રેલવે દ્વારા મોટું મૂડીરોકાણ કર્યા વિના ખાનગી ક્ષેત્રની ભાગીદારીથી માળખાકીય સુવિધાઓ વિકસાવી શકાશે. બીજી તરફ, રેલવે મારફતે માલ પરિવહન વધવાથી માર્ગો પર ભારે વાહનોનો બોજ ઘટાડવામાં અને પર્યાવરણને અનુકૂળ પરિવહન વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે. વડાપ્રધાનની ગતિ શક્તિ રાષ્ટ્રીય મહાયોજનાના હેતુઓને અનુરૂપ આ પહેલથી અમદાવાદ મંડળની માલ વહન ક્ષમતા અને આવકમાં વધારો થવાની આશા છે.
-----------------

Comments