અદાણી પોર્ટ્સ યુરોપમાં વિસ્તારશે સામ્રાજ્ય
નેધરલેન્ડ્સની ઈવોસ કંપનીમાં ૧૦૦ ટકા હિસ્સેદારી ખરીદશે : રૂ. ૨.૫૬ અબજ યુરોના એન્ટરપ્રાઇઝ મૂલ્ય સાથે થશે સોદો : વૈશ્વિક લિક્વિડ સ્ટોરેજ અને ઊર્જા ક્ષેત્રે અદાણી પોર્ટ્સનું પ્રભુત્વ વધશે
નવી દિલ્હી : દેશની સૌથી મોટી પોર્ટ ઓપરેટર કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (એપીએસઈઝેડ) દ્વારા યુરોપના બજારમાં એક મોટો ધમાકો કરવામાં આવ્યો છે. કંપનીએ નેધરલેન્ડ્સ સ્થિત અને યુરોપની બીજી સૌથી મોટી સ્વતંત્ર લિક્વિડ સ્ટોરેજ ઓપરેટર કંપની ઈવોસ બી.વી.માં ૧૦૦ ટકા હિસ્સેદારી ખરીદવાની જાહેરાત કરી છે. અદાણી પોર્ટ્સ દ્વારા આ અધિગ્રહણ ઇગ્નિઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાર્ટનર્સ પાસેથી ૨.૫૬ અબજ યુરોના વિશાળ એન્ટરપ્રાઇઝ મૂલ્ય પર કરવામાં આવશે.
આ પ્રસ્તાવિત સોદો સંપૂર્ણપણે રોકડ વ્યવહાર પર આધારિત છે અને તે ઈવોસ કંપનીને ૧.૧૮ અબજ યુરોનું ઇક્વિટી મૂલ્ય આપે છે. કૅલેન્ડર વર્ષ ૨૦૨૫ દરમિયાન ઈવોસ કંપનીએ ૩૯૨ મિલિયન યુરોની આવક અને ૨૧૯ મિલિયન યુરોનું ઇબીઆઇટીડીએ (ઈબીઆઈટીડીએ) નોંધાવ્યું હતું, જે ૫૬ ટકા જેટલું ઊંચું પ્રોફિટ માર્જિન દર્શાવે છે. સમગ્ર વ્યવહારનું ભંડોળ ડેટ એટલે કે દેવા દ્વારા પૂરું પાડવામાં આવશે અને તેને જરૂરી રેગ્યુલેટરી મંજૂરીઓ તેમજ વર્ક્સ કાઉન્સિલની સલાહ-મસલત બાદ આખરી ઓપ આપવામાં આવશે.
આ મહત્વકાંક્ષી અધિગ્રહણ અંગે ખુશી વ્યક્ત કરતા અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું હતું કે, ઈવોસને અમારા પોર્ટફોલિયોમાં આવકારતા અમને ખૂબ આનંદ થાય છે. આ સોદાથી આપણને વિશ્વના અગ્રણી લિક્વિડ સ્ટોરેજ અને ઊર્જા કેન્દ્રો પર મજબૂત અને નોંધપાત્ર હાજરી મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કંપની યુરોપ સાથે ભાગીદારી કરીને તેના સસ્ટેનેબલ એનર્જી ટ્રાન્ઝિશનને ટેકો આપવા અને નાણાકીય શિસ્ત જાળવીને દીર્ઘકાલીન મૂલ્યનું સર્જન કરવા માટે આતુર છે.
---------

Comments