ગોબરધન યોજના નાની નાગલપરના નિલેશભાઈ માટે બની આશીર્વાદરૂપ
ગોબર ગેસની સુવિધાથી લાકડાના ચૂલામાંથી મળી મુક્તિ : ઈંધણની બચત સાથે પર્યાવરણ સંરક્ષણ તરફ સફળ પગલું
ભુજ - કચ્છઉદય : કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન (ગોબરધન )યોજના ગ્રામ્ય પરિવારો માટે ઉપયોગી અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. પશુપાલન સાથે સંકળાયેલા પરિવારોને પશુઓના છાણનો અસરકારક ઉપયોગ કરીને સ્વચ્છ ઊર્જા મેળવવાની તક પૂરી પાડતી આ યોજના પરંપરાગત ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાની સાથે સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પણ પ્રોત્સાહન આપે છે. આ યોજનાનો લાભ અંજાર તાલુકાના નાની નાગલપર ગામના નિલેશભાઈહડિયાને મળ્યો છે.
નિલેશભાઈ ખેતીવાડીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. અગાઉ તેમના ઘરે રાંધણગેસની સુવિધા ન હોવાથી રસોઈ બનાવવા માટે લાકડાના ચૂલાનો ઉપયોગ કરવો પડતો હતો. ચૂલામાંથી નીકળતો ધુમાડો સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હતો, તો બીજી તરફ, પશુઓના છાણનો ઉપયોગ તેઓ સીધો ખેતરમાં ખાતર તરીકે કરતા હતા. સ્વચ્છ ભારત મિશન (ગોબરધન) યોજના હેઠળ ગોબર ગેસની સુવિધા મળતાં તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. હવે તેઓ પશુઓના છાણને એકત્રિત કરીને ગોબર ગેસ પ્લાન્ટમાં ઉપયોગમાં લે છે, જેના પરિણામે ગેસનું ઉત્પાદન થાય છે અને તેનો ઉપયોગ ઘરની રસોઈ બનાવવા માટે કરવામાં આવે છે. આ સુવિધાને કારણે તેમને લાકડાના ચૂલામાં રસોઈ બનાવવાની પરંપરાગત પદ્ધતિમાંથી મુક્તિ મળી છે.
નિલેશભાઈ જણાવે છે કે, અગાઉ અમારા ઘરે ગેસની સુવિધા ન હોવાથી રસોઈ બનાવવા માટે લાકડાના ચૂલાનો ઉપયોગ કરવો પડતો હતો. અમે ખેતીવાડીની સાથે પશુપાલન પણ કરીએ છીએ. પહેલાં પશુઓના છાણનો ઉપયોગ સીધો ખેતરમાં ખાતર તરીકે કરતા હતા. પરંતુ સ્વચ્છ ભારત મિશન (ગોબરધન) યોજના હેઠળ ગોબર ગેસની સુવિધા મળતાં હવે અમે પશુઓનું છાણ એકત્રિત કરીને ગોબર ગેસ પ્લાન્ટમાં ઉપયોગ કરીએ છીએ. તેમાંથી ઉત્પન્ન થતા ગેસથી અમારા ઘરની રસોઈ બને છે. આ સુવિધા અમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. લાકડાં પરની નિર્ભરતા ઘટી છે અને રસોઈ બનાવવાનું કામ પણ સરળ બન્યું છે. ખરેખર આ યોજના અમારા પરિવાર માટે આશીર્વાદરૂપ છે. આવી ઉપયોગી યોજના અમલમાં મૂકવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
-----

Comments