અંજારના વીર બાળ સ્મારક ખાતે પૂર્વ સૈનિકો અને વીર નારીઓ માટે ‘સૈનિક સંમેલન’ યોજાયું
પેન્શન, મેડિકલ અને કાનૂની સહાય અંગે જિલ્લા સૈનિક કલ્યાણ કચેરી અને વહીવટીતંત્ર દ્વારા માર્ગદર્શન અપાયું
અંજાર - કચ્છઉદય : અંજારના વીર બાળ સ્મારક ખાતે પૂર્વ સૈનિક સંમેલનનું આયોજન જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી કચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો, દિવંગત સૈનિકોના ધર્મપત્નીઓ (વીર નારીઓ) તેમજ શહીદ સૈનિકોના ધર્મપત્નીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંજારના મામલતદાર ભગવતીબેન વી. ચાવડા અને અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના સૈનિક કલ્યાણ નિયામક અશોકસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે જિલ્લા તથા તાલુકાના અન્ય વહીવટી અધિકારીઓએ પણ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી.
સંમેલનનો પ્રારંભ ઉપસ્થિત પૂર્વ સૈનિકો અને વીર નારીઓના આગમન તથા તેમની નોંધણીની પ્રક્રિયા સાથે કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત પૂર્વ સૈનિકો, વીર નારીઓ અને તેમના આશ્રિતોના કલ્યાણ અર્થે તાલુકા આરોગ્ય કચેરી દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તદુપરાંત આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા ‘સ્પર્શ પેન્શન’ અંગે અને જિલ્લા કાનૂની સત્તા મંડળ દ્વારા ‘વીર પરિવાર સહાય યોજના ૨૦૨૫’ અંતર્ગત વિશેષ કેમ્પ યોજીને ઉપસ્થિત તમામને વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષોના આગમન બાદ દીપ પ્રાગટ્ય થકી સંમેલનનો વિધિવત શુભારંભ કરવામાં આવ્યો હતો. દેશની અખંડિતતા, સુરક્ષા અને ગૌરવ માટે માભોમ કાજે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર સેનાના વીર જવાનો અને અમર શહીદોની આત્માની શાંતિ અર્થે બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોતાનો કીમતી સમય ફાળવીને ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાન મામલતદાર બી. વી. ચાવડાનું કચ્છ (ભુજ)ના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. કચ્છના જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી હિરેન એન. લિમ્બાચિયાએ પૂર્વ સૈનિકો તથા દિવંગત સૈનિકોના ધર્મપતનીઓને સરકાર તરફથી મળતી વિવિધ સવલતો અને યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડિનેટર પૂજાબેન લાલવાણી દ્વારા યોગ કરાવીને તેના ફાયદાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેંક અને કાનૂની સત્તા મંડળના મહાનુભાવો દ્વારા પણ વિવિધ પ્રકારની માહિતીઓનું આદાનપ્રદાન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ સેનાઓમાં ફરજ બજાવતા સૈનિકોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી હતી અને રાષ્ટ્ર સેવામાં પોતાનો સમય આપી નિવૃત્ત થયેલા પૂર્વ સૈનિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
----------

Comments