Trending News
સ્થાનિક સમાચાર

મા આશાપુરાના ચરણોમાં પશ્ચિમ કચ્છ પોલીસનો ભક્તિભાવ :  SP  વિકાસ સુંડાએ માતાના મઢ શિખરે નૂતન ધજા ચઢાવી

12 October



જિલ્લામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે આસો નવરાત્રિના બીજા દિવસે પોલીસ પરિવાર દ્વારા વિશેષ આસ્થા પ્રગટ કરાઈ : માતાનામઢ જાગી ટ્રસ્ટ દ્વારા પોલીસ અને વહિવટી અધિકારીઓનું સ્વાગત કરાયું 

આસો નવરાત્રિના બીજા નોરતે કચ્છમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે પોલીસ પરિવારે મા આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવ્યું : જાગીર ટ્રસ્ટ દ્વારા અધિકારીઓનું સન્માન કરાયું.

નખત્રાણા પ્રાંત અધિકારી શ્રી ઉત્કર્ષ ઉજજવલ, ડીવાયએસપી વિશ્વા શાહ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ; સમગ્ર જિલ્લાની સુરક્ષા અને પ્રજાની સુખાકારી માટે વિશેષ પૂજા-અર્ચના.


માતાનામઢ - કચ્છઉદય : શક્તિ અને આરાધનાના પાવન પર્વ એવા આસો નવરાત્રિના બીજા દિવસે કચ્છના આરાધ્યા અને સમગ્ર કચ્છી જનોની કુળદેવી મા આશાપુરાના પવિત્ર સ્થાનક માતાના મઢ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા અને નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ તેમજ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પરંપરાગત રીતે ભક્તિભાવપૂર્વક ધજા ચઢાવવામાં આવી હતી.વર્ષોથી ચાલતી આવતી આ પરંપરાને જાળવી રાખીને નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર અને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવામાં આવે છે. આ વર્ષે પણ આસો નવરાત્રિના બીજા નોરતે એસપી વિકાસ સુંડા સહપરિવાર માતાજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. જેમની આગેવાની હેઠળ પોલીસ વિભાગના અધિકારીઓ માતાના મઢ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. મંડપ અને મંદિરમાં વિધિવત પૂજા-અર્ચના કર્યા બાદ માતાજીના શિખર પર નૂતન ધજા આરોહિત કરવામાં આવી હતી. આ અવસરે પશ્ચિમ કચ્છ પોલીસ બેડાના અનેક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ પણ વિશેષ રૂપથી ઉપસ્થિત રહીને મા આશાપુરાના દર્શનનો લહાવો લીધો હતો. ધજા ચઢાવ્યા બાદ પશ્ચિમ કચ્છ પોલીસ પરિવાર અને વહિવટીતંત્ર દ્વારા સમસ્ત કચ્છ જિલ્લાની જનતાની સુખાકારી, સુરક્ષા, શાંતિ અને સર્વાંગી સમૃદ્ધિ માટે મા આશાપુરા સમક્ષ પ્રાર્થના કરવામાં આવી હતી. કચ્છ પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નહીં, પરંતુ પ્રજાના કલ્યાણ અને અખંડ આસ્થાના પ્રતિક સમાન ધાર્મિક પરંપરાઓને જીવંત રાખવામાં પણ હંમેશા આગળ રહે છે. પોલીસ વડા વિકાસ સુડા દ્વારા કરાયેલી આ વિશેષ પૂજા અને પ્રાર્થનાથી સમગ્ર પંથકમાં આસ્થા અને સુરક્ષાનો એક સુંદર સમન્વય જોવા મળ્યો હતો, જેને સ્થાનિક કચ્છીજનો અને શ્રદ્ધાળુઓ દ્વારા પણ આવકારવામાં આવ્યો હતો. માતાનામઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઈન્ચાર્જ ડીવાયએસપી શ્રી દેસાઈ, એએસપી ગૌતમ વિવેકાનંદ, દયાપર પીઆઈ શ્રી પટેલ, એલસીબી પીએસઆઈ શ્રી જાદવ સહિત પોલીસ અધિકારીઓ અને વહિવટીતંત્રના અધિકારીઓ સહ પરિવાર સાથે જોડાયા હતા.

 

Comments

COMMENT / REPLY FROM