કચ્છમાં જોશ ટીમ્સનુું લોન્ચિંગ તથા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવા તેમજ યુવાનો અને વિવિધ વિભાગોની ભાગીદારીથી ટીબી નિર્મૂલનની કામગીરીને વધુ વેગ આપવા જિલ્લા પંચાયત, કચ્છ-ભુજ ખાતે જોશ ટીમ્સના લોન્ચિંગ સાથે જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રથમ તબક્કામાં ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાયેલા જોશ ટીમ્સના રાષ્ટ્રીય શુભારંભ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. જોશ ટીમ્સમાં ક્લાસ-૧ અધિકારીઓ, માય ભારતના સ્વયંસેવકો અને એનસીસી કેડેટ્સને જોડવામાં આવ્યા છે. આ ટીમો દ્વારા ટીબી મુક્ત ભારતનો સંદેશ લોકો સુધી પહોંચાડવા, ટીબી અંગે જનજાગૃતિ વધારવા, વહેલું નિદાન અને સમયસર સારવાર માટે લોકોને પ્રોત્સાહિત કરવા તેમજ ટીબીના દર્દીઓને જરૂરી સહયોગ મળી રહે તે માટે કામગીરી કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં દેશના ૧૧ રાજ્યોના ૫૫ જિલ્લાઓમાં જોશ ટીમ્સ કાર્યરત કરવામાં આવશે. આ ટીમો દ્વારા ટીબી અંગે જાગૃતિ, વહેલી ઓળખ, સારવારમાં સહયોગ અને સમુદાયની ભાગીદારી વધારવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશમ્ વર્ષ ૨૦૨૫ દરમિયાન દેશના ૬૯૭ જિલ્લાઓની ૬૭,૯૩૩ ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત પંચાયત તરીકે સન્માનિત કરવામાં આવી છે. આ સિદ્ધિથી પ્રેરણા લઈને યુવાનોની સક્રિય ભાગીદારી સાથે ટીબી મુક્ત ભારતના અભિયાનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ત્યારબાદ કચ્છ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કચ્છ-મોરબી લોકસભાના સાંસદ વિનોદ ચાવડાજી, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન રણજીતસિંહ જાડેજા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, માય ભારત કચ્છના યુથ ઓફિસર, એનસીસી અધિકારી, એડીએચઓ, ડીએમઓ, તાલુકા આરોગ્ય અધિકારીઓ, ટીબી અને એચઆઈવી કાર્યક્રમના અધિકારીઓ - કર્મચારીઓ તેમજ માય ભારત અને એનસીસીના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.
કચ્છને ટીબી મુક્ત બનાવવા માટેના અભિયાનમાં સહયોગ અને પ્રતિબદ્ધતાને બિરદાવતાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણનું સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટીબીના દર્દીઓને પોષણ સહાય પૂરી પાડવા તથા ટીબી નિર્મૂલન અભિયાનમાં સહયોગ આપવા બદલ સાંસદ વિનોદ ચાવડા અને આશાપુરા એનજીઓને નિક્ષય મિત્ર તરીકેના યોગદાન બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો, અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ટીબી અને એચઆઈવી સ્ટાફ તેમજ માય ભારત અને એનસીસીના સ્વયંસેવકો દ્વારા ટીબી મુક્ત ભારત માટે શપથ લેવામાં આવ્યો હતો. ટીબી મુક્ત કચ્છના સંકલ્પને સાકાર કરવા સરકારના પ્રયાસો સાથે સમાજની ભાગીદારી, યુવાનોની સક્રિય ભૂમિકા અને વિવિધ સંસ્થાઓના સહયોગને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
----

Comments