Trending News
સ્થાનિક સમાચાર

સૂરજબારી ટોલ પ્લાઝા ટીમ દ્વારા આશરે ૮૦૦ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે કરાયા જાગૃત

07 October



ભચાઉ - કચ્છઉદય : સૂરજબારી ટોલ પ્લાઝા દ્વારા જૂના કટારિયા ખાતે આવેલી શ્રી વર્ધમાન જૈન સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે વિશેષ રોડ સેફ્ટી પાઠશાળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમો, જરૂરી સાવચેતીઓ તેમજ જવાબદાર ટ્રાફિક વ્યવહાર અંગે જાગૃત કરવાનો હતો. કાર્યક્રમમાં શાળાના આશરે ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન સૂરજબારી ટોલ પ્લાઝાની રોડ સેફ્ટી ટીમ તેમજ મેનેજમેન્ટ ટીમ ઉપસ્થિત રહી હતી અને વિદ્યાર્થીઓને માર્ગ પર સુરક્ષિત રીતે અવરજવર કરવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.
આયોજન શાળાના આચાર્ય શ્રી જાડેજા, મેનેજર અમિતસિંહ, રવિકુમારના માર્ગદર્શન અને સંકલન હેઠળ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓને રસ્તો ક્રોસ કરતી વખતે રાખવાની સાવચેતી, ટ્રાફિક સિગ્નલ અને રોડ સાઇન, હેલ્મેટ તથા સીટ બેલ્ટનું મહત્વ, વાહનની નિયંત્રિત ઝડપ, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં રોડ સેફ્ટી એક્સપર્ટ નૌલ પાઠકજી દ્વારા વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે અનેક મહત્વપૂર્ણ અને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી. તેમણે સમજાવ્યું કે માર્ગ સલામતી માત્ર વાહનચાલકોની જ જવાબદારી નથી, પરંતુ રસ્તા પર ચાલતા રાહદારીઓ અને વિદ્યાર્થીઓની પણ એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી છે. તેમણે વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ પોતે ટ્રાફિક નિયમોનું પાલન કરે તેમજ પોતાના પરિવારજનો અને આસપાસના લોકોને પણ માર્ગ સલામતી અંગે જાગૃત કરે તેવી માંગ કરી હતી. વિદ્યાર્થીઓ માટે વધુ રસપ્રદ અને જ્ઞાનવર્ધક બનાવવા માટે રોડ સેફ્ટી અંગે પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને માર્ગ સલામતી, ટ્રાફિક નિયમો, રોડ સાઇન, હેલ્મેટ, સીટ બેલ્ટ તથા સુરક્ષિત રીતે રસ્તાનો ઉપયોગ કરવા અંગે વિવિધ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આ પ્રશ્નોત્તરી સ્પર્ધામાં ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને માર્ગ સલામતી અંગેની પોતાની જાણકારીનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટીમે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકો, ખાસ કરીને બાળકો અને યુવાનોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવી તેમની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓમાંની એક છે. આ હેતુસર સમયાંતરે શાળાઓ તેમજ આસપાસના વિસ્તારોમાં રોડ સેફ્ટી જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ પોતાના પરિવાર અને સમાજના અન્ય લોકોને પણ માર્ગ સલામતી અંગે જાગૃત કરવા માટે સંદેશ આપવામાં આવ્યો હતો. સૂરજબારી ટોલ પ્લાઝાની આ પહેલ દ્વારા આશરે ૮૦૦ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે જાગૃત કરવાની સાથે તેમને સુરક્ષિત અને જવાબદાર રીતે રસ્તાનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમો નવી પેઢીમાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ, જવાબદારી અને સુરક્ષિત ટ્રાફિક વ્યવહાર વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
----------

Comments

COMMENT / REPLY FROM