‘સૌથી અલગ’ બનવાની ઘેલછા માનસિક સ્વાસ્થ્ય પર ભારે પડી રહી છે
૯૯૦ લોકોના મનોવૈજ્ઞાનિક સર્વેમાં ચિંતાજનક તારણો : ૬૩.૪૦ ટકા લોકોએ સોશિયલ મીડિયાની અસર સ્વીકારી
ભુજ - કચ્છ ઉદય : આજના સ્પર્ધાત્મક સમયમાં દરેક વ્યક્તિ સફળતા મેળવવાની સાથે અન્ય કરતાં આગળ રહેવાની દોડમાં જોડાયેલી છે. અલગ ઓળખ ઊભી કરવાની અને મોટી સિદ્ધિ મેળવવાની સતત અપેક્ષા ઘણી વખત વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરે છે. સામાન્ય જીવન કે સામાન્ય સફળતાથી સંતોષ ન મળવો, અન્ય સાથે સરખામણી કરવી અને નિષ્ફળતાનો ભય જેવી બાબતો હવે માનસિક તણાવનું કારણ બની રહી છે. આ સ્થિતિને સમજવા માટે ‘સામાન્ય હોવું’ વિષય પર ૯૯૦ લોકોનો મનોવૈજ્ઞાનિક સર્વે કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાનના વિદ્યાર્થી ઝાલા ઋતુ તથા કચ્છ યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગના વિદ્યાર્થીઓ આણકીયા ધ્યાની, ભાટી રણજીતસિંહ અને ચૌધરી હેતલે સંયુક્ત રીતે આ અભ્યાસ હાથ ધર્યો હતો. મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. અલ્પેશ કોતરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા સંશોધનનો હેતુ લોકોમાં અન્ય કરતાં અલગ દેખાવાની ઇચ્છા, અસાધારણ સફળતાની અપેક્ષા અને તેના કારણે થતી માનસિક અસરો સમજવાનો હતો.
સર્વેમાં ૬૩.૪૦ ટકા લોકોએ સ્વીકાર્યું કે સોશિયલ મીડિયા તેમની માનસિક સ્થિતિને અસર કરે છે. સોશિયલ મીડિયા પર મળતી પસંદગીઓ, ટિપ્પણીઓ અને લોકો પોતાના વિશે શું વિચારે છે તેની ચિંતા માનસિક સ્થિતિને પ્રભાવિત કરતી હોવાનું સામે આવ્યું હતું.
બીજી તરફ, ૬૬.૫ ટકા લોકોએ સામાન્ય પરિણામોથી સંતોષ ન મળતો હોવાનું જણાવ્યું હતું. મોટી સફળતા મળ્યા પછી પણ અસંતોષ રહેતો હોવાનું આ લોકોએ સ્વીકાર્યું હતું. જ્યારે ૫૮.૮ ટકા લોકોએ જણાવ્યું કે જીવનમાં અસાધારણ સફળતા ન મળે તો જીવન વ્યર્થ અથવા અર્થહીન લાગે છે. અન્ય લોકો આગળ નીકળી જાય ત્યારે પોતે પાછળ રહી ગયા હોવાની લાગણીથી ૫૩.૬ ટકા લોકો દુઃખ અનુભવતા હોવાનું સામે આવ્યું હતું. પરિવારની ઊંચી અપેક્ષાઓના કારણે સતત માનસિક દબાણ અનુભવતા હોવાનું ૪૯.૫ ટકા લોકોએ જણાવ્યું હતું.
સર્વેમાં પૂર્ણતાવાદ અને નિષ્ફળતાના ભય અંગે પણ મહત્વપૂર્ણ તારણો મળ્યાં હતાં. ૪૫.૯ ટકા લોકો દરેક કાર્ય સંપૂર્ણ અને ભૂલરહિત કરવા માગે છે અને નાની ભૂલથી પણ પરેશાન થઈ જાય છે. જ્યારે ૪૦.૭ ટકા લોકોને નિષ્ફળતાનો ભારે ભય સતાવે છે. મનોવિજ્ઞાનીઓના મતે, જીવનમાં સતત ‘સૌથી શ્રેષ્ઠ’ બનવાની દોડ કરતાં પોતાની ક્ષમતા અને વર્તમાન પરિસ્થિતિનો સ્વીકાર કરવો વધુ જરૂરી છે. દરેક કાર્યમાં સંપૂર્ણતા મેળવવાનો આગ્રહ છોડીને સારા પ્રયાસને મહત્વ આપવું જોઈએ. સોશિયલ મીડિયા પર દેખાતી અન્ય લોકોની સફળતા સાથે પોતાના જીવનની સરખામણી કરવાનું ટાળવું જોઈએ.
પોતાની નાની સિદ્ધિઓ અને રોજિંદા જીવનના આનંદને મહત્વ આપવાથી માનસિક સંતુલન જાળવવામાં મદદ મળી શકે છે. જો તણાવ, નિરાશા, અસંતોષ અથવા નિષ્ફળતાનો ભય સતત રહેતો હોય તો મનોચિકિત્સક અથવા સલાહકારની મદદ લેવી જરૂરી છે. આ સર્વેના તારણો યુવાનોમાં વધતા માનસિક તણાવને સમજવા તથા અસાધારણ બનવાના અવાસ્તવિક દબાણ સામે જાગૃતિ ફેલાવવા માટે ઉપયોગી બની શકે છે.
----------

Comments