એમ.ડી. કોલેજ હરિપર ખાતે ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ યોજાયો
ભુજ - કચ્છઉદય : ગોરસીયા એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ.ડી. કોલેજ ઓફ એજ્યુકેશન, હરીપર ખાતે ઇન્સ્ટિટ્યુટ ઓફ યૂથ ડેવલોપમેન્ટના ઉપક્રમે ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે કોલેજના આચાર્ય ડૉ. હિમાંશુ પટેલે ઇન્સ્ટિટ્યુટ દ્વારા થતી વિવિધ પ્રવૃત્તિઓ, ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ થકી યુવાઓના સર્વાંગીણ વિકાસ માટે વાંચનનું મહત્વ સમજાવતાં વાંચન દ્વારા વિચાર અને વિચાર દ્વારા યુવા વ્યક્તિત્વ ઘડતરના ઉદ્દેશો સ્પષ્ટ કર્યા હતા.
પ્રથમ વર્ષના તાલીમાર્થીઓ ગઢવી અલ્પાએ રતજા રૂંગા, ગોર રિશીએ હૂંફાળા અવસર, શાહ મનીષાએ પાવર ઓફ પોઝિટિવ થિંકીંગ, ગોર હર્ષે તક, રોશિયા મોહિતે દેવ અને દાનવ, કુંવટ પ્રેમિલાએ રેત કી મછલી, હિંગોરા ઉબેદે થ્રી મિસ્ટેક ઓફ માય લાઈફ, સોલંકી નંદિનીએ લાઈફ ઓફ પાઇ, ઉપાધ્યાય માનસીએ કલેક્ટર સાહેબા અને વેકરીયા જેતલે નિર્મલા ગ્રંથ પર પોતાના વિચારોને સમીક્ષાત્મક રીતે રજૂ કર્યા હતા, જેમાં માનસી ઉપાધ્યાયે ઉત્તમ રજૂઆત કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેઓ હવે પછી ભુજ ખાતે યોજાનાર ભાવક મૂલ્યાંકન સેમિનારમાં કોલેજનું પ્રતિનિધિત્વ કરશે. કાર્યક્રમમાં કોલેજના પ્રા. અફજલ સોઢા, પ્રા. રાધિકા પંડ્યા અને પ્રા. ધર્મેન ઠક્કરે નિર્ણાયક તરીકે સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંયોજન કોલેજના પ્રા. મિત્રવિંદા અધ્વર્યુએ કર્યું હતું.
મૂળ કચ્છના અને કે.પી. શાહ લૉ કોલેજ, જામનગરના ગ્રંથપાલ સ્વ. પ્રદીપ મધુકાન્ત છાયાની સ્મૃતિમાં છેલ્લાં ૧૫ વર્ષથી આ પ્રકલ્પનું આયોજન થાય છે. સ્વ. પ્રદીપ છાયાનાં ધર્મપત્ની જ્હાનવીબેન છાયાના આર્થિક સહયોગથી કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક યુવાનને પુસ્તક ભેટ આપવામાં આવ્યાં હતાં. ઇન્સ્ટિટ્યુટના પ્રમુખ રસનીધિ અંતાણી અને જાણીતા લેખક હરેશભાઈ ધોળકિયાએ ભાવક મૂલ્યાંકન કાર્યક્રમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
-------

Comments