Trending News
સ્થાનિક સમાચાર

ગુજરાતી સાહિત્યના સમર્થ નારીવાદી સર્જક ઇલા આરબ મહેતાનું ૮૮ વર્ષની વયે નિધન

07 October



મુંબઈ - કચ્છઉદય : ગુજરાતી સાહિત્યમાં નારીવાદી વિચારધારા, સ્ત્રી સંવેદના અને સામાજિક વિષમતાઓને નિર્ભીક વાચા આપનારાં પ્રખ્યાત નવલકથાકાર અને વાર્તાકાર ઇલા આરબ મહેતાનું ૮૮ વર્ષની વયે મુંબઈ ખાતે અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી સમગ્ર ગુજરાતી સાહિત્યજગતમાં ઊંડા શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ જાણીતા ઐતિહાસિક નવલકથાકાર સ્વ. ગુણવંતરાય આચાર્યના પુત્રી અને સુપ્રસિદ્ધ લેખિકા વર્ષા અડાલજાના મોટા બહેન હતા.  
૧૬ જૂન ૧૯૩૮ના રોજ જન્મેલા અને મૂળ જામનગરના વતની ઇલાબહેને મુંબઈની રામનારાયણ રૂઇયા કોલેજમાંથી ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મુંબઈની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગુજરાતી વિભાગમાં પ્રાધ્યાપક તરીકે દીર્ઘકાળ સુધી સેવા આપી હતી. તેમને સાહિત્યિક વારસો પરિવારમાંથી જ પ્રાપ્ત થયો હતો. તેમણે પોતાની સર્જનયાત્રા દરમિયાન ગુજરાતી ભાષાને ૨૦થી વધુ નવલકથાઓ, અસંખ્ય વાર્તાસંગ્રહો અને સંપાદિત પુસ્તકોની અમૂલ્ય ભેટ આપી છે. તેમની મુખ્ય નવલકથાઓમાં ‘બત્રીસ પૂતળીની વેદના’, ‘ત્રિકોણની ત્રણ રેખાઓ’, ‘થીજેલો આકાર’, ‘રાધા’, ‘આવતી કાલનો સૂરજ’, ‘પાંચ પગલાં પૃથ્વી પર’ અને ‘વાડ’ (જેનો અંગ્રેજીમાં ‘ફેન્સ’ નામે અનુવાદ થયો છે) સાહિત્યક્ષેત્રે સીમાચિહ્નરૂપ સાબિત થઈ છે. આ ઉપરાંત ‘એક સિગારેટ એક ધૂપસળી’, ‘વિયેના-વૂડ્‌સ’, ‘ભાગ્યરેખા’ અને ‘ઇલા આરબ મહેતાનો વાર્તા વૈભવ’ જેવા તેમના વાર્તાસંગ્રહો વિવેચકો અને વાચકો દ્વારા બહોળા પ્રમાણમાં આવકારાયા હતા. ‘બત્રીસ પૂતળીની વેદના’ નવલકથામાં નાયિકા અનુરાધાના સંઘર્ષ દ્વારા તેમણે પિતૃસત્તાક સમાજમાં સ્ત્રીના આત્મસન્માન અને ઓળખની લડાઈને ધારદાર રીતે પ્રસ્તુત કરી નવો ચીલો ચાતર્યો હતો. સાહિત્યિક પ્રદાન બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી, મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ ગૌરવવંતા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં જાણીતા તબીબ પુત્ર ડૉ. સલિલ, પુત્રી સોનાલી તથા પૌત્ર-પૌત્રીઓનો સમાવેશ થાય છે. તેમના અવસાનથી ગુજરાતી ભાષાએ સંવેદનશીલ અને ક્રાંતિકારી કલમ ધરાવતા અગ્રણી સાહિત્યકાર ગુમાવ્યા છે.
............

Comments

COMMENT / REPLY FROM