Trending News
સ્થાનિક સમાચાર

બાળકોની સર્જનાત્મકતા અને પર્યાવરણ જાગૃતિનો સંગમ બન્યો યુઈઈ પર્યાવરણ શિક્ષણ મેળો

26 September


ભુજ - કચ્છઉદય : બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના વિકસે તે હેતુથી હોમ્સ ઇન ધ સીટી, ભુજ દ્વારા અર્બન એન્વાયરોમેન્ટ એજ્યુકેશન અંતર્ગત યુઈઈ પર્યાવરણ શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ આધારિત સર્જનાત્મક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતો અને પ્રસ્તુતિઓ દ્વારા પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત જળ આહુતિ અને ઉદ્દઘાટન વિધિથી કરવામાં આવી હતી. ઈન્દ્રાબાઈ કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. મેળાના ઉદ્દઘાટન પ્રસંગે એગ્રોસેલ ઇન્ડસ્ટ્રીઝના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર ચૈતન્યભાઈ શ્રોફ તથા રામકૃષ્ણ ટ્રસ્ટ, કુકમાના મનોજભાઈ સોલંકીના આર્થિક સહયોગ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. મેળાનો મુખ્ય હેતુ બાળકોને તેમના સ્થાનિક પર્યાવરણ સાથે જોડવાનો અને પાણી, કચરો, માટી, વૃક્ષો તથા શહેરના પર્યાવરણ જેવા વિષયો અંગે સમજ વિકસાવવાનો હતો. એચઆઈસીના ડાયરેક્ટર અસીમ મિશ્રએ જણાવ્યું હતું કે, એચઆઈસી દ્વારા વિવિધ ભાગીદાર સંસ્થાઓ સાથે મળીને ભુજ શહેરને વધુ સમાવેશક, ન્યાયી અને પર્યાવરણીય રીતે સ્થિતિસ્થાપક બનાવવાના પ્રયાસોના ભાગરૂપે યુઈઈ પહેલ હાથ ધરવામાં આવી રહી છે. મેળામાં ક્રિએટિવ સ્ટોલ્સ, પાણી અને પર્યાવરણ આધારિત પ્રવૃત્તિઓ, નાટકો, નૃત્યો, એકપાત્રીય અભિનય, રમતો તથા બાળકોની વિવિધ સર્જનાત્મક રજૂઆતો યોજાઈ હતી. ક્રિએટિવ સ્ટોલ્સમાં યુઈઈ ટીમના પ્રયાસો, અનુભવો અને બાળકોની કલ્પનાશક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણના વિવિધ મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને અનેક સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવી હતી. ભીમરાવ પ્રાથમિક શાળા નં. ૧૫ દ્વારા ‘રંગલો રંગલી’ ડ્રામા, પોલીસ લાઈન પ્રાથમિક શાળા નં. ૭ દ્વારા એકપાત્રીય અભિનય અને હાથીસ્થાન કુમાર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ‘જંગલ ઝુમ્બા ઝુમ્બા’ ડાન્સ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળા નં. ૧૭ દ્વારા ‘સ્વચ્છતા કી જ્યોત’, પાટવાડી પ્રાથમિક શાળા નં. ૧ દ્વારા ‘પાણીની પુકાર’, ચંદ્રજ્યોતિ પ્રાથમિક શાળા દ્વારા ‘પર્યાવરણ રક્ષક’ અને શિવનગર શાળા નં. ૨૪ દ્વારા પ્લાસ્ટિક થીમ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ રજૂઆતો દ્વારા સ્વચ્છતા, પાણી બચત, પર્યાવરણ સંરક્ષણ અને પ્લાસ્ટિક ઘટાડવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
બપોરના સત્રમાં પણ વિદ્યાર્થીઓની વિવિધ પર્યાવરણલક્ષી રજૂઆતો ચાલુ રહી હતી. ઉમેદનગર પ્રાથમિક શાળા નં. ૧૦ દ્વારા ‘પાણી જ પૃથ્વી પરનું અમૃત’, દરબારગઢ પ્રાથમિક શાળા દ્વારા ‘પ્લાસ્ટિક હટાવો, પર્યાવરણ બચાવો’ ડાન્સ, ઈન્દ્રાબાઈ કન્યા શાળા દ્વારા ‘ટીક ટીક ટીક’ સોંગ અને હાથીસ્થાન કન્યા શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા માઈમ ડ્રામા રજૂ કરવામાં આવ્યા હતા. મુસ્લિમ એજ્યુકેશન સ્કુલના એનસીસી વિભાગના અયાઝ સર સાથે વિદ્યાર્થીઓ સહયોગી બન્યા હતા. મેળા દરમિયાન બાળકો માટે મનોરંજક રમતો અને વિવિધ પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભાગ લેનાર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહેમાનોએ ક્રિએટિવ સ્ટોલ્સની મુલાકાત લઈને બાળકોના કામ અને પર્યાવરણ અંગેના તેમના વિચારોને નિહાળ્યા હતા. સખી સંગીની, એકટ અને સેતુ અભિયાન દ્વારા સંસ્થાકીય સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
સમાપન પ્રસંગે યુઈઈનાં મેન્ટર અલ્કાબન જાની દ્વારા એ વાત પર ભાર મૂકાયો કે પર્યાવરણ શિક્ષણ માત્ર એક દિવસના કાર્યક્રમ પૂરતું મર્યાદિત ન રહે, પરંતુ બાળકો અને સમાજના રોજિંદા જીવનનો ભાગ બને. પાણી બચાવવું, કચરાનું યોગ્ય વિભાજન કરવું, પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો અને વૃક્ષો તથા કુદરતની સંભાળ રાખવા જેવા સંકલ્પોને જીવનમાં ઉતારવાથી જ આવા મેળાની સાચી સાર્થકતા સિદ્ધ થશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર મહાનુભાવો, શિક્ષકો, વિવિધ શાળાઓ, વિદ્યાર્થીઓ, વોલન્ટિયર્સ, યુઈઈ ટીમ,એચઆઈસીના સહયોગી મિત્રો તથા તમામ ભાગીદારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતમાં સૌએ ગરબાની મોજ માણી હતી. યુઈઈ ટીમના દિપાલી પંચોલી, નયના ચારણીયા, કરિશ્મા ફજવાણી,  એચઆઈસીનાં રીજીન એટી, પૂર્વી ભટ્ટ વગેરેએ વ્યવસ્થા સંભાળી હતી. સંચાલન જય અંજારિયાએ કર્યું હતું.
----

Comments

COMMENT / REPLY FROM