Trending News
સ્થાનિક સમાચાર

અબડાસા-નખત્રાણાથી વાગડ સુધીમાં પ્રાંતની ટીમના  ખનીજચોરો પર દરોડા : ખનીજવિભાગ કેમ સુસ્ત?

25 September

કચ્છ કલેકટરશ્રી કેમ ન લે ઉઘડો..! સંકલનમાં મુદો કેમ ન ઉઠે.!


 સ્થાનિક રેવેન્યુ, તલાટી, મામલતદાર, સર્કલ ઓફિસર, ખાણખનિજ અને પોલીસ તંત્રના મૌન સામે ઉઠતા સવાલો; જીવના જોખમે માત્ર પ્રાંત અધિકારીઓની જ ધડાધડ કાર્યવાહી



ગાંધીધામ - કચ્છઉદય : સમગ્ર કચ્છ જિલ્લામાં ખનીજમાફિયાઓ અને ખનીજચોરોએ માજા મૂકી છે. અબડાસા, નખત્રાણા, લખપતથી લઈને વાગડ સુધીના વિસ્તારોમાં વકરેલી ગેરકાયદે ખનીજચોરી હવે જગજાહેર બની ચૂકી છે. ખનીજચોરો એટલા બેફામ અને માફિયા બની ચૂક્યા છે કે તેઓ તપાસ અર્થે પહોંચતા અધિકારીઓ પર હુમલો કરતા પણ અચકાતા નથી. આવી વિષમ અને જોખમી સ્થિતિ વચ્ચે પણ પોતાની ફરજ નિભાવીને પ્રાંત અધિકારીઓ અને તેમની ટીમો છેલ્લા પખવાડિયાથી જીવના જોખમે ખનીજચોરો સામે ધડાધડ દરોડા પાડી કાયદેસરની આકરી કાર્યવાહી કરી રહી છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જે વિભાગોની મુખ્ય જવાબદારી છે તેવા સ્થાનિક રેવેન્યુ વિભાગ, તલાટી, સરપંચ, મામલતદાર, સર્કલ ઓફિસર, ખાણખનિજ વિભાગ અને પોલીસ તંત્ર તદ્દન મૌન સેવીને મોઢે ડુચ્ચા ભરીને બેઠા હોય તેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે.કચ્છ કલેકટર આ બાબતે ખરેખર ગંભીરતાથી નોધ લેવાની જરૂર છે. કચ્છ કલેકટરશ્રીએ આ અંગે સ્થાનિક મહેસુલ વિભાગ તથા ખાણખનિજ વિભાગ અને પોલીસતંત્ર સહિતનાઓના કડક ઉધડા લેવા જોઈએ. જો સ્થાનિક તેઓ જાગતા રહે અને સરકારી હિતમાં કામગીરી કરતા હોય તો પ્રાંત અધિકારીને આવા દરોડા પાડવા કયા દોડી જવાની જરૂર પડશે?બીજી તરફ, ખાણખનિજ વિભાગ (પૂર્વ કે પશ્ચિમ) અથવા તો આ માટે ખાસ બનાવાયેલી ફ્લાઈંગ સ્ક્વોર્ડ દ્વારા આવી મોટા પાયે ચાલતી ચોરીઓને ડામવામાં આવી હોય કે કોઈ મોટા દરોડા પાડવામાં આવ્યા હોય તેવો એક પણ દાખલો સામે આવ્યો નથી. આ પરિસ્થિતિને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
કચ્છના કુદરતી ખનીજ સંપત્તિના થઈ રહેલા નુકસાનને રોકવા માટે હવે કલેક્ટરશ્રી રૂબરૂ હસ્તક્ષેપ કરે, સંકલનમાં આ મુદ્દો ગાજે અને નિષ્ક્રિય બનેલા ખાણખનિજ વિભાગ તેમજ સ્થાનિક મહેસૂલી તંત્ર સામે કડકમાં કડક તપાસના આદેશો છૂટે તેવી લોકમાંગ બુલંદ બની છે.


....................

વાગડથી નખત્રાણા સુધી પ્રાંત અધિકારીઓની લાલઆંખ

ગાંધીધામ : નખત્રાણાના પ્રાંત અધિકારી દ્વારા અબડાસા અને નખત્રાણા પંથકમાં ખનીજચોરી સામે લાલઆંખ કરી ધડાધડ દરોડા પાડવામાં આવ્યા બાદ હવે વાગડ વિસ્તારમાં પણ આઈએએસ પ્રાંત અધિકારીએ કડક કાર્યવાહી કરીને ખનીજમાફિયાઓ પર ધોકો પછાડી દીધો છે. પ્રાંત કચેરીની ટીમ દ્વારા સતત સરપ્રાઈઝ ચેકિંગ કરીને કરોડોના વાહનો અને ગેરકાયદે ખનન ઝડપી પાડવામાં આવી રહ્યું છે.

.....................

કોણ આપશે આ સવાલોના જવાબ?

• શું સ્થાનિક તંત્રની છૂપી સંમતિ છે? રેવેન્યુ અને ખાણખનિજ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓની નાક નીચે આટલું મોટું ગેરકાયદે ખનન ચાલતું હોય તો પણ તેમને કેમ દેખાતું નથી?
• કલેક્ટરશ્રીની કડક સૂચનાનો અનાદર? જિલ્લાના વડા તરીકે કચ્છ કલેક્ટરશ્રી આ મુદ્દે સંકલન સમિતિની બેઠકમાં જવાબદાર અધિકારીઓનો ઉઘડો કેમ નથી લેતા? •  માત્ર પ્રાંત જ કેમ? જે કામગીરી ખાણખનિજ વિભાગ અને પોલીસ તંત્રે કરવાની હોય તે કામગીરી માત્ર પ્રાંત અધિકારીઓએ જ જીવના જોખમે કેમ કરવી પડી રહી છે?

..................

ભચાઉ-રાપરમાં ગેરકાયદે ખનન પર સંયુક્ત ટીમનો સપાટો

૮ ટ્રક, એક હિટાચી અને એક કેમ્પર જપ્ત; અંદાજે રૂ. ૪ કરોડનો મુદ્દામાલ કબજે


ભચાઉ - કચ્છ ઉદય : જિલ્લા કલેક્ટરના નિર્દેશ મુજબ ભચાઉ અને રાપર તાલુકામાં ગેરકાયદેસર રેતી તથા અન્ય ખનીજના ખનન અને પરિવહન સામે સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી હતી. મદદનીશ કલેક્ટર અને ઉપવિભાગીય મેજિસ્ટ્રેટ ભચાઉ, મામલતદાર ભચાઉ તેવિભાગની ટીમે ૨૩ સપ્ટેમ્બરના રોજ દિવસ અને રાત્રિ દરમિયાન વિવિધ વિસ્તારોમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન ભચાઉ તાલુકાના લોધેશ્વરથી ખારોઈ જવાના માર્ગ પર, ભરત હોટેલ નજીક ઘરણા પાટિયા વિસ્તારમાં, શિકારપુર તેમજ રાપર તાલુકાના ગાગોદર ગામ પાસે ગેરકાયદેસર રીતે સફેદ માટી અને રેતીનું પરિવહન થતું ઝડપાયું હતું. રોયલ્ટી પાસ કે જરૂરી દસ્તાવેજો વગર ખનીજ લઈ જતા કુલ ૮ ટ્રકોને સીઝ કરવામાં આવ્યા હતા. ગાગોદર વિસ્તારમાં ગેરકાયદેસર ખનન ચાલી રહ્યું હોવાનું સામે આવતા સ્થળ 
પરથી એક હિટાચી મશીન અને એક કેમ્પર વાહન પણ કબજે લેવામાં આવ્યું હતું.  ખનન સ્થળ અંગે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે ખાણ-ખનીજ વિભાગને સૂચનાઓ આપવામાં આવી છે. કાર્યવાહીમાં અંદાજે રૂ. ૪ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. જપ્ત કરાયેલા વાહનો અને મશીનો સામે ગુજરાત ખનીજ ગેરકાયદે ખનન, પરિવહન અને સંગ્રહ નિવારણ નિયમો-૨૦૧૭ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દંડની કાર્યવાહી માટે સંબંધિત પોલીસ મથકોને વાહનોનો કબજો સોંપવામાં આવ્યો હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.


....................

ભડલીમાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો

તંત્રના દરોડામાં ટ્રક-જેસીબી સહિત રૂ. ૭૬.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત


નખત્રાણા - કચ્છઉદય : તાલુકાના ભડલી ગામની સીમમાં ગેરકાયદેસર રીતે મેટલ - મોરમનું ખનન અને પરિવહન થતું હોવાની મળેલી બાતમીના આધારે વહીવટી તંત્રએ કાર્યવાહી હાથ ધરી હતી. મદદનીશ કલેકટર ઉત્કર્ષ ઉજ્જવલના માર્ગદર્શન હેઠળ તપાસ દરમિયાન ૨૯ ટન ભરેલો ટ્રક અને ખનન માટે ઉપયોગમાં લેવાતી જેસીબી ઝડપાઈ આવતાં બંને વાહનો સહિત કુલ રૂ. ૭૬.૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.  નખત્રાણાના યુવા બાહોશ પ્રાંત અધિકારીએ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી અન્ય અધિકારીઓ માટે પ્રેરક દ્રષ્ટાંત પુરૂં પાડ્યું છે. પશ્ચિમ કચ્છ વિસ્તારમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓ પર કોઈ પણ ભય વિના જે પ્રકારે કામગીરી યુવા અધિકારી દ્વારા કરવામાં આવી છે તે બાદ પૂર્વ કચ્છના અધિકારીઓ પણ સતર્કતા દાખવી રહ્યા છે. એક યુવા અધિકારીએ પોતાની ફરજને નિષ્ઠાથી બજાવી અન્ય અધિકારીઓેને પ્રેરણા પુરી પાડે છે. ત્યારે જાગૃત કચ્છવાસીઓ નખત્રાણાના યુવા પ્રાંત અધિકારીની બાહોશી અને દિલેરીની સરાહના કરી રહ્યા છે.  મળતી માહિતી મુજબ ૨૩મી સપ્ટેમ્બરના બપોરે મદદનીશ કલેક્ટર ઉત્કર્ષ ઉજ્જવલના માર્ગદર્શન હેઠળ ભડલી ગામની સીમમાં તપાસ કરવામાં આવી હતી. સ્થળ પર રોયલ્ટી તથા જરૂરી પરવાનગી વગર ખનિજનું ખનન અને પરિવહન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. તપાસ દરમિયાન ૨૯ ટન મેટલ-મોરમ ભરેલો ટ્રક તેમજ એક જેસીબી મશીન મળી આવતાં બંનેને કબજે લેવામાં આવ્યા હતા. કાર્યવાહી દરમિયાન ટ્રક ચાલક રામજીભાઈ રાજાભાઈ આયર, ટ્રક માલિક ગોપાલભાઈ ભચાભાઈ આયર, જેસીબી ચાલક અભાસ જુસબ પાડા તથા જેસીબી માલિક ગુલામ ફકીરમામદ મકવાણાના નામ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. કામગીરી દરમિયાન સર્કલ ઓફિસર શિવરામ ચૌધરી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તંત્ર દ્વારા ટ્રક, જેસીબી અને મેટલ-મોરમ સહિત કુલ રૂ. ૭૬ લાખ ૪૫ હજારના મુદ્દામાલની જપ્તી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગેરકાયદેસર ખનન સામે થયેલી આ કાર્યવાહી બાદ ખનિજ ચોરી અને બિનઅધિકૃત ખનન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વોમાં ચિંતા ફેલાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

 

Comments

COMMENT / REPLY FROM