- તો મુંદરા-અબડાસાના પ્રાંત અધિકારીઓ કેમ હજુય મૂંગામંતર..! ભૂખી નદીના પટ માં બેફામ રેતીચોરી-અબડાસામાં ખનીજમાફિયા બેફામ!
શાબાશ છે નખત્રાણા-ભચાઉના યુવા પ્રાંત અધિકારીઓની નીડરતાને !
લખપત-મુરચબાણ, મોરગર-ભડલી-નખત્રાણા સહિતના પટ્ટામાં પ્રાંત અધિકારીએ ધડાધડ બોલાવેલી તવાઈથી ખનીજચોરોમાં ફેલાયો છે ફફડાટ તો નખત્રાણા બાદ ભચાઉના આઈએએસ પ્રાંત અધિકારીએ પણ ધોકો બોલાવી ખનીજચોરોમાં પાડી દીધો છે સોપો, આ કામગીરીમાંથી હવે મુંદરા-અબડાસા-ભુજ સહિતના પ્રાંત અધિકારીઓ પણ શબક મેળવશે ખરા? જાણકારોમાથી ઉઠતા સવાલો
શું આ બે જ પ્રાંત અધિકારી સરકારી પગાર લે છે.., બીજા પ્રાંત અધિકારીઓને પગાર નથી મળતો..? : હાલના સમયે ખનીજચોરો ફાટીને ફુલેકે ચડી ગયા છે, અધિકારીઓ પર હુમલા કરતા પણ અચકાતા નથી, એટલે સીધા કરવા જ જોઈએ...!
નખત્રાણા-ભચાઉમાં પ્રાતના દરોડાનો સમગ્ર ઘટનાક્રમ એક કડવો સવાલ પણ ઊભો કરે છે : શું આખી લડાઈ માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા જ અધિકારીઓના ભરોસે લડાશે?
ગાંધીધામ : કચ્છ જિલ્લામાં બેફામ બનેલા ખનીજચોરો સામે નખત્રાણા અને ભચાઉના યુવા પ્રાંત અધિકારીઓએ આદરેલી કડક ઝુંબેશ અને નીડર કામગીરીની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે. નખત્રાણાના પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલે છેલ્લા પખવાડિયાથી લખપત અને અબડાસા સહિતના વિસ્તારોમાં ખનીજચોરોને નાથવા વ્યાપક ઝુંબેશ
ઉપાડી છે. પ્રાંત અધિકારી ઉજ્જવલ પર પથ્થરમારો થયો અને ખનીજચોરોએ હુમલો કર્યો હોવા છતાં, સહેજ પણ ડર્યા વિના તેમણે ગેરકાયદે ખનીજચોરી ડામવાની
પોતાની ઝુંબેશ યથાવત રાખી છે. તેમની આ હિંમતભરી કાર્યવાહીમાંથી પ્રેરણા લઈને હવે ભચાઉના આઈએએસ પ્રાંત અધિકારી તાલેએ પણ કરોડો રૂપિયાની ખનીજચોરી અને સાધનો પર તવાઈ બોલાવતા આ વિસ્તારના ખનીજચોરોમાં આંશિક ફફડાટ વ્યાપી ગયો છે.કચ્છની કુદરતી સંપત્તિ પર લાંબા સમયથી ખનીજમાફિયાઓની નજર રહી છે. નદીના પટો, સરકારી પડતર જમીનો અને ડુંગરાળ વિસ્તારોમાંથી બેફામ રીતે થતું ગેરકાયદે ખનન હવે માત્ર આર્થિક ગુનો નથી રહ્યો, પરંતુ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સીધો પડકાર બની ચૂક્યો છે. આવી સ્થિતિ વચ્ચે નખત્રાણા અને ભચાઉના યુવા આઈએએસ અને પ્રાંત અધિકારીઓએ જે નીડરતા દાખવીને ખનીજચોરો સામે મોરચો માંડ્યો છે, તે નિઃસંદેહ આવકારદાયક અને વહીવટી તંત્રમાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરનારો છે. પ્રાંત અધિકારીઓ પર હુમલા થાય, તેમના વાહનો પર પથ્થરમારો કરવામાં આવે છતાં તેઓ પોતાની ઓળખ છુપાવીને અડધી રાત્રે બાઈક પર નીકળીને રેઈડ પાડે છે - આ દ્રશ્ય એક તરફ સાહસિક લાગે છે, પરંતુ બીજી તરફ સમગ્ર સિસ્ટમની નાકામી છતી કરે છે. જે મુખ્ય કામગીરી ખાણખનિજ વિભાગ, સ્થાનિક ફ્લાઈંગ સ્ક્વોર્ડ, મામલતદાર, તલાટી, સર્કલ ઓફિસર અને પોલીસ તંત્રની છે, તે તમામ જવાબદારો કેમ કુંભકર્ણી નિંદ્રામાં પોઢી રહ્યા છે? શું નીચલા સ્તરના તંત્રની છૂપી સંમતિ વિના આટલા મોટા પાયે ખનીજચોરી શક્ય છે? વધુ ચિંતાજનક બાબત એ છે કે મુંદરાની ભૂખી નદી જેવા વિસ્તારોમાં જાહેર ચોક વચ્ચે રેતીચોરી થતી હોવા છતાં સ્થાનિક તંત્ર કેમ મૌન સેવીને બેઠું છે? વળી, જીવના જોખમે દરોડા પાડીને પકડાયેલા આરોપીઓ સામે કડક કાનૂની સકંજો કસાવાને બદલે તેમને ગણતરીના દિવસોમાં જામીન મળી જાય છે, જેનાથી માફિયાઓનો હોંસલો વધુ બુલંદ બને છે. બીજીતરફ જાણકારવર્ગમાં સવાલ થવા પામી રહ્યો છે કે, નખત્રાણા અને ભચાઉના આઈએએસ પ્રાંત અધિકારીઓ હિંમત દાખવીને ખનીજચોરોને કાયદાનું ભાન કરાવી રહ્યા છે, ત્યારે મુંદરા અને અબડાસાના પ્રાંત અધિકારીઓ કેમ હજુ સુધી મૂંગામંતર બેઠા છે? મુંદરાની સૌથી મોટી ભૂખી નદીના પટમાં થોડા સમય પહેલા જ ખાણખનિજ વિભાગ અને પોલીસ તંત્રે લાખો રૂપિયાની રેતી-માટી ચોરી સત્તાવાર રીતે ઝડપી પાડી હતી. નદીને પુનઃજીવિત કરવાના આંચળા હેઠળ કરોડો રૂપિયાની રેતી બેફામ રીતે ઉપાડવામાં આવી રહી છે. આમ છતાં, મુંદરામાં તાજેતરમાં જ મૂકાયેલા પ્રાંત અધિકારી કેમ આ બાબતે મામલતદાર, વન વિભાગ સહિતના જવાબદારોના કાન આમળીને બિનધાસ્ત રીતે થતી રેતીચોરીને ડામવાની દિશામાં આગળ નથી આવતા? અબડાસા અને મુંદરાના તંત્ર દ્વારા નખત્રાણા-ભચાઉના પ્રાંત અધિકારીઓ પાસેથી કેમ બોધપાઠ લેવામાં આવતો નથી? તેવા તીખા સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. અબડાસા પટ્ટામાં પણ કેટલાકબેલ્ટમાં ચોકકસ અને આયોજનબદ્ધ ષડયંત્રના ભાગરૂપે જ મોટા પ્રમાણમાં ખનીજચોરી આચરવામા આવી રહી હોવાની ઘટનાઓ તાજા ભુતકાળમાં બનવા પામી ચુકી છે. તો પછી અબડાસા પ્રાંત અધિકારી પણ આ અંગે ખુદ કેમ આગળ નથી આવતા? અથવા તો જે રીતે લખપત અને નખત્રાણા તથા વાગડ વિસ્તારમા ખનીજચોરીના ધમધમમતા અડ્ડાઓ પર સ્થાનિક મહેસુલ વિભાગ કે ખાણખનિજ તંત્રએ કામગીરી ન કરી હોય તે અનુસારની ચાડી ખાતી ઘટનાઓ પ્રાંત અધિકારીઓએ દરોડોા પાડીને દેખાડી જ દીધુ છે આવુ જ કઈક અબડાસા તથા મુંદરા પટ્ટામાં નહી થતુ હોય તેની શું ખાત્રી?
.......................
સંકલન બેઠક માં કડક ઉધડો શા માટે નહી?
ગાંધીધામ : પ્રાંત અધિકારી જયારે ખનીજચોરી પકડવા ખુદ મેદાનમાં ઠેર ઠેર ઉતરી રહ્યા છે તો જેની પ્રાથમિક જવાબદારી છે તેવા ખાણખનિજ વિભાગ, પોલીસતંત્ર સહિતનાઓનો કેમ ઉઘડો નથી લેવાતો? જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં આવા ગંભીર મુદ્દે કડક ઘડો કેમ લેવામાં આવતો નથી?
....................
જવાબદારો મૌન કેમ?
સ્થાનિક તંત્રની છૂપી સહમતિ? : રેવેન્યુ, તલાટી કે
પોલીસના નાક નીચે આટલું મોટું ખનન ચાલતું હોય તો પણ તેમને કેમ દેખાતું નથી? ખનીજચોરી કરોડોની કરવી એ કોઈ બે-પાંચ મિનિટનુ કામ નથી તેના માટે મોટા પ્રમાણમાં વાહનો, મશીનોનો અને લોકોનો કાફલો જોઈતો હોય છે, આટલો મોટો ધમધમાટ હોય અન સ્થાનિકના કોઈ જ જવાબદારને ગંધ શુદ્ધા પણ આવે તેવુ બને ખરૂ?
.................
માત્ર પ્રાંત અધિકારીઓ જ કેમ?
ગાંધીધામ : જે કામગીરી ખાણખનિજ વિભાગ અને ફ્લાઈંગ સ્ક્વોર્ડે કરવાની હોય તે કામ પ્રાંત અધિકારીઓએ જીવના જોખમે કેમ કરવું પડે છે? હકીકતમાં આ બાબતે ઘનિષ્ઠ તપાસ થવી જરૂરી છે.
....................
ખાટલે મોટી ખોટઃ સ્થાનિક તંત્ર કુંભકર્ણી નિંદ્રામાં, હુમલાખોરોને ત્વરિત જામીન મળતાં ચિંતા
ગાંધીધામ : ભચાઉ-નખત્રાણા-લખપતમાં સફળ કામગીરી વચ્ચે પણ સૌથી મોટી ખાટલે ખોટ એ જોવા મળી રહી છે કે ખાણખનિજ વિભાગ, પોલીસ તંત્ર અને સંબંધિત વિસ્તારોનું સ્થાનિક મહેસૂલી (રેવેન્યુ) તંત્ર તદ્દન કુંભકર્ણી નિંદ્રામાં પોઢી રહ્યું છે. જો સ્થાનિક તંત્ર સક્રિય હોત તો પ્રાંત અધિકારી કક્ષાના ઉચ્ચ અધિકારીઓને અડધી રાત્રે પોતાની ઓળખ છુપાવીને બાઇક પર રેઇડ કરવા જવું પડત નહીં. આ પરિસ્થિતિ જ સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા અને મિલીભગત તરફ આંગળી ચિંધે છે. બીજી તરફ, સૌથી ચિંતાજનક બાબત એ છે કે પ્રાંત અધિકારીઓ જેવા સિનિયર અધિકારીઓ પર જીવલેણ હુમલા કરનારા ખનીજમાફિયાઓને ગણતરીના દિવસોમાં જ જામીન મળી જાય છે. આવા ગંભીર ગુનાઓમાં આરોપીઓ આબાદ છૂટી જતાં તેઓ નિર્ભય બનીને ફરીથી ખનીજચોરીમાં જ મંડી નહીં પડે તેની શું ખાતરી?
...............
હવે સમય આવી ગયો છે કે,.રાજય સરકાર..!
ગાંધીધામ : કચ્છ કલેક્ટરશ્રી અને રાજ્ય સરકાર આ બાબતને ગંભીરતાથી લે. માત્ર પ્રાંત અધિકારીઓની નીડરતા પર નિર્ભર રહેવાને બદલે, નિષ્ક્રિય બનેલા સ્થાનિક મહેસૂલી અને ખાણખનિજ વિભાગના અધિકારીઓની જવાબદારી નક્કી થવી જોઈએ. જિલ્લા સંકલન સમિતિની બેઠકોમાં માત્ર કાગળ પર ચર્ચા કરવાને બદલે જવાબદારો સામે કડક વહીવટી પગલાં લેવાશે, ત્યારે જ કચ્છની ધરાને લૂંટતા ખનીજમાફિયાઓ પર આકરો નાથ મૂકી શકાશે.

Comments