ભુજ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આત્મહત્યા નિવારણ શિબિર યોજાઈ
ભુજ - કચ્છઉદય : જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજ તથા ૐ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ભુજ ખાતે આત્મહત્યા નિવારણ અને માનસિક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રમુખ અભિલાષ મહેતાએ ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું હતું. ૐ ફાઉન્ડેશનના પ્રમુખ ડૉ. પંડિત દેવજ્યોતિ શર્માએ માનસિક તણાવ, ચિંતા, હતાશા તથા નકારાત્મક વિચારોમાંથી બહાર આવવા માટેના વિવિધ ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ આત્મહત્યાના વિચારો ધરાવતી વ્યક્તિને સમયસર ઓળખી તેને યોગ્ય સહાય અને સામાન્ય જીવનપ્રવાહ સાથે જોડવાના મહત્વ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. શિબિરમાં ‘ગેટકીપર’ની ભૂમિકા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૐ ફાઉન્ડેશનના સેક્રેટરી સુરેશભાઈ પટેલે વિવિધ ઉદાહરણો દ્વારા વિષયને સરળ અને અસરકારક રીતે સમજાવ્યો હતો. કાર્યક્રમમા મંત્રી બિપીનભાઈ ઠક્કર, ખજાનચી હરિલાલ યાદવ,વિનોદભાઈ સલાટ, વિનોદભાઈ ગોર, મહેશભાઈ ચાવડા, પ્રદીપકુમાર જોષી સહિત મોટી સંખ્યામાં ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. હેમંતભાઈ ઠક્કર દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
-------

Comments