ગુજરાત નાગર પરિષદ મહામંડળ દ્વારા નિષ્ઠાવાન સભ્યોનું સન્માન કરાયું
કોર કમિટી દ્વારા સમર્પિત કાર્યકરોના અથાક પરિશ્રમને બિરદાવી નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરાઈ : અંજારના પિનાકીન વૈષ્ણવનો ટીમમાં સમાવેશ થતાં કચ્છમાં ખુશી
ગાંધીનગર - કચ્છઉદય : સમગ્ર નાગર સમાજની ગૌરવવંતી અને અગ્રણી માતૃસંસ્થા ‘સમગ્ર ગુજરાત નાગર પરિષદ મહામંડળ’ ની સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ સક્રિય, સુદ્રઢ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાના શુભ આશય સાથે સંસ્થાની ‘કોર કમિટી’ દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે. સંસ્થાના ઉત્કર્ષ માટે અથાક પરિશ્રમ, ખંત, નિષ્ઠા અને ઉચ્ચ સમર્પણ ભાવથી સેવાઓ આપતા ઉત્સાહી કાર્યકરોની અજોડ પ્રતિભા તથા શ્રેષ્ઠ કામગીરીને સન્માનિત કરી, તેઓને વધુ જવાબદારી સાથે નવનિયુક્ત મહત્વના હોદ્દાઓ સુપ્રત કરવામાં આવ્યા છે.
સંસ્થાના ઉચ્ચ આદર્શો અને સમાજઉપયોગી ઉદ્દેશ્યોને જન-જન સુધી પહોંચાડવા તથા નાગર સમાજના એકતાના તાંતણાને સમગ્ર ગુજરાતમાં વધુ વ્યાપક અને સંગઠિત બનાવવા માટે કોર કમિટી દ્વારા સર્વાનુમતે નીચે દર્શાવેલ નિષ્ઠાવાન સભ્યોની નવી જવાબદારીઓ સાથે વરણી કરવામાં આવી છે, જેમાં ઉપપ્રમુખ તરીકે તરંગ હાથી, ખજાનચી પ્રીતેશ ભટ્ટ, મુકેશભાઈ વૈદ્ય, નિશીથ ધોળકિયા, જોઇન્ટ સેક્રેટરી જોઇન્ટ સેક્રેટરી તરીકે નિમિત બક્ષી, વત્સલ વોરા, સંગઠનમંત્રી તરીકે ડો. કેતન ધોળકિયા, અને અંજારના પિનાકીન વૈષ્ણવની વરણી કરવામાં આવી છે.
ગૌરવવંતા પ્રસંગે પરિષદના વરિષ્ઠ માર્ગદર્શકો અને કોર કમિટીના સર્વે સભ્યોએ તમામ નવનિયુક્ત હોદ્દેદારોને હૃદયપૂર્વક અભિનંદન, શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા. કમિટી દ્વારા દ્રઢ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, આ તમામ અનુભવી અને નિષ્ઠાવાન સભ્યો પોતાની નવી જવાબદારીઓને પૂરતી કર્તવ્યનિષ્ઠાથી નિભાવશે. તેઓ સંસ્થાના નાણાકીય, વહીવટી અને સંગઠનાત્મક માળખાને વધુ સુદ્રઢ બનાવશે અને સમગ્ર ગુજરાતમાં પરિષદના કાર્યક્ષેત્રને સફળતાના નૂતન શિખરો પર પહોંચાડશે.
--

Comments