Trending News
સ્થાનિક સમાચાર

ખનીજ ચીભડચોરોને માફિયા ન બનાવો નખત્રાણા પ્રાંત અધિકારી પર હુમલાની ઘટનાને હળવાશથી ન લેવાય દોષિતો પર ‘પાસા’ હેઠળ કેસ કરો

10 September

વાગડથી લખપત સુધી ખનીજમાફિયાઓનો વકરતો આતંક



આવા કિસ્સામાં કચ્છ કલેક્ટર શ્રી રાણાવસિયાએ દોષિતો સામે કડકમાં કડક રાહે કાર્યવાહી કરી દાખલો બેસાડવો જરૂરી બન્યો :  મુરચબાણમાં ખનીજચોરોએ દાખવેલી દાદાગીરી સમગ્ર વહીવટીતંત્ર માટે લાલબત્તી સમાનઃ પ્રાંત અધિકારી પર હુમલો કરવાની હિંમત આવા અસામાજિક તત્વો પાસે આવે છે ક્યાંથી?



ગાંધીધામ : કચ્છ જિલ્લામાં વાગડથી લઈને લખપત સુધીના સમગ્ર વિસ્તારમાં ખનીજમાફિયાઓનો આતંક ચિંતાજનક હદે વકર્યો છે. તાજેતરમાં મુરચબાણ (લખપત) ખાતે ખનીજચોરોએ દાખવેલી દાદાગીરી અને નખત્રાણાના યુવા તેમજ જાંબાઝ પ્રાંત અધિકારી (SDM) ઉત્કર્ષ ઉજ્જવલ પર કરેલો હુમલો સમગ્ર સરકારી વહીટીતંત્ર માટે લાલબત્તી સમાન છે. પ્રાંત અધિકારી જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા જવાબદાર અધિકારી પર હુમલો કરવાની હિંમત આવા અસામાજિક તત્વોમાં ક્યાંથી આવે છે, તે એક મોટો સવાલ છે.આવા કિસ્સામાં કચ્છ કલેક્ટર શ્રી રાણાવસિયા દ્વારા પ્રાંત અધિકારીની હિંમતભરી કાર્યવાહીને બિરદાવવામાં આવે તે ખૂબ આવશ્યક છે. સાથે જ, તેમનો જોમ-જુસ્સો અને સરકારી હિતમાં કામ કરવાની નૈતિકતા જળવાઈ રહે તે માટે દોષિતો સામે કડકમાં કડક રાહે કાર્યવાહી કરી દાખલો બેસાડવો જરૂરી બન્યો છે. આવા ખનીજ ચીભડચોરોને માફિયા બનતા અટકાવવા માટે તેમના પર ‘પાસા’ (PASA) હેઠળ ગુનો નોંધી જેલધકેલી દેવા જોઈએ.


...............

કચ્છમાં અગાઉ પણ SDM પર થયા છે હુમલા


ભચાઉના તત્કાલીન SDM અનિલ ધામેલિયાવાળો કિસ્સો યાદ કરો!



ગાંધીધામ : કચ્છમાં સરકારી અધિકારી પર ખનીજમાફિયાઓ દ્વારા હુમલો થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. ભૂતકાળમાં ભચાઉના તત્કાલીન SDM (IAS ) અનિલ ધામેલિયાનો કિસ્સો પણ જાણીતો છે. તે સમયે અનિલ ધામેચાએ ભચાઉ વિસ્તારમાં ખનીજચોરો સામે સપાટાભેર સઘન કાર્યવાહી કરીને ટ્રેક્ટર સહિતનો કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તે કાર્યવાહીના વૈમનસ્યમાં ખનીજચોરોએ IAS અધિકારી અનિલ ધામેલિયા પર હુમલો કર્યો હતો, જે અંગે 
પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ હતી.ભચાઉના તત્કાલીન SDM અનિલ ધામેચા બાદ હવે નખત્રાણાના યુવા SDM  ઉત્કર્ષ ઉજ્જવલે ખનીજચોરો પર ત્રાટકીને ભારે હિંમત દર્શાવી છે. જ્યારે કોઈ પ્રામાણિક અધિકારીઓ સરકારના હિતમાં અને જનહિતમાં આવી કાર્યવાહી કરે અને તેમના પર હુમલો થાય, તે અત્યંત ગંભીર અને ચિંતાજનક બાબત છે.


..................

મુરચબાણમાં મધરાત્રે ખનિજ ચોરી પકડવા ગયેલા પ્રાંત અધિકારી પર હુમલો


ભુજ - કચ્છઉદય : લખપત તાલુકાના મુરચબાણ વિસ્તારમાં મોટા પાયે બેન્ટોનાઈટ ખનિજની ચોરી થતી હોવાની ફરિયાદો અવારનવાર સામે આવે છે ત્યારે પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલ દ્વારા બાતમીના આધારે સપાટો બોલાવાયો હતો. તેઓ માત્ર પોતાના ડ્રાઈવર સાથે સાતમના મધરાત્રે સ્થળ પર પહોંચી ગયા હતા અને ખનિજ ચોરી પકડી હતી. પ્રાંતને જોઈને ચાર ડમ્પર ચાલકો ભાગી ગયા હતા, જયારે ૧.૬૦ કરોડના બે હીટાચી કબજે કરવામાં આવ્યા હતા. તે સમયે સ્થળ પર હાજર રાજુ રબારી, લાખુભા જાડેજા અને અજાણ્યા ઈસમ પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. ગેરકાયદે ખનિજ ચોરી કરતા હોવાથી અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરાતા ફરજમાં રૂકાવટ માટે આરોપીઓ દ્વારા છુટા પથ્થરના ઘા કરવામાં આવ્યા હતા. જો કે પ્રાંત અધિકારી અને ડ્રાઈવર બચી ગયા હતા. જે બાદ દયાપર મામલતદાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી અને વાહનો કબજે કરવામાં આવ્યા હતા. નખત્રાણાના પ્રાંત અધિકારી દ્વારા ખનિજ ચોરો પર કડક કાર્યવાહીનો સંકેત આપવામાં આવ્યો છે. તેના ભાગરૂપે આ કિસ્સામાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. દયાપરના મામલતદાર નવીનચંદ્ર મારૂએ રાજુ રબારી, લાખુભા જાડેજા અને અજાણ્યા ઈસમ સામે ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.


.............


સ્થાનિક મહેસૂલતંત્રની જવાબદારી નક્કી કરો

તલાટી અને સરપંચ સામે લાલઆંખ નહીં થાય ત્યાં સુધી ચોરી નહીં અટકે : કરોડોની ખનીજચોરી થતી હોય, પ્રાંત અધિકારી દોડી આવતા હોય અને સ્થાનિક તલાટી-સરપંચ અજાણ હોય તે કેમ બની શકે?



ગાંધીધામ : ખનીજચોરી ડામવી હોય તો માત્ર દરોડા પૂરતા નથી, પરંતુ સ્થાનિક મહેસૂલતંત્રની જવાબદારી પણ ફીટ કરવી પડશે. જ્યાં સુધી સ્થાનિક તલાટી અને સરપંચ સામે લાલઆંખ કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ ચોરી અટકવાની નથી. આ ઉપરાંત, ખનીજચોરી પાછળ સંકળાયેલા ‘ઝભ્ભા-લેંઘાધારી’ રાજકીય આકાઓના ચહેરા પણ બેનકાબ થવા જરૂરી છે. આવા રાજકારણીઓ ખનીજચોરીમાં મોટી ઓથ (છત્રછાયા) ધરાવતા હોય છે. તેમની ઓથ વગર આ ખનીજમાફિયાઓ આટલી હદે ફાટીને ફુલેકે ચડે તે શક્ય જ નથી.



........................

ખનીજચોરો પર ખાખીની રહેમનજર?


ભ્રષ્ટ ખાખીધારીઓ મલાઈ ખાય અને પ્રામાણિક અધિકારીઓ માર ખાય!



ગાધીધામ : આ સમગ્ર ખનીજચોરીના ખેલમાં ‘ખાખી’ (પોલીસ તંત્ર)ની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. મુરચબાણ હોય, લખપત હોય, વાગડ પટ્ટો હોય કે કચ્છનો અન્ય કોઈ પણ વિસ્તાર હોય—હાલમાં ખાખી વર્ધીધારીઓને માત્ર માટી, રેતી અને ખનીજચોરીના પ્રકરણોમાં જ વિશેષ રસ દેખાઈ રહ્યો છે.બેનામી આવક સમાન કરોડો રૂપિયાની આ માટી-રેતીની ચોરીમાંથી ભ્રષ્ટ ખાખીધારીઓ મોટી મલાઈ ખાઈ રહ્યા છે. ખાખીની સીધી મદદગારી અને છૂપા આશીર્વાદ વગર ખનીજચોરો આવી માફિયાગીરી અને દાદાગીરી પર ઉતરી જ ન શકે. સ્થિતિ એ નિર્માણ પામી છે કે ભ્રષ્ટ તત્વો કમાણી કરે છે અને પ્રામાણિક અધિકારીઓને માર ખાવાનો વારો આવે છે.

..............

જે તે સમયે સ્થળ પરથી ર૧ર૦ મેટ્રીક ટન બેન્ટોનાઈટ કબજે કરાયું હતું



ભુજ : રેડ દરમ્યાન સ્થળ પર મોટા પાયે ગેરકાયદે ખનનના બે વિશાળ ખાડા મળી આવ્યા હતા. ઉપરાંત ચાર સ્થળોએ ડમ્પ કરેલો ખનીજનો જથ્થો મળી આવ્યો હતો. ર૧ર૦ મેટ્રીક ટન બેન્ટોનાઈટ કબજે કરવામાં આવ્યું હતું. 

...............

ખાણ ખનિજ વિભાગ, ફલાઈંગ સ્કવોડ નિષ્ક્રિય


ભુજ : મુરચબાણમાં ગઈકાલે ખનીજ ચોરી શરૂ થઈ અને આજે પ્રાંત અધિકારીએ પકડી એવું નથી. અહીં લાંબા સમયથી સરકારી યોજનાઓના નામે ખનીજ ચોરી કરવામાં આવી રહી છે. પરંતુ જવાબદાર એવા ભુજ ખાણ ખનીજ વિભાગ, ફલાઈંગ સ્કવોડ અને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સરકારી સંપતિમાં લૂંટફાટ થતી હોવાથી જાગૃત નાગરીકો દ્વારા આઈએએસ અધિકારીનું ધ્યાન દોરવામાં આવતા તેઓ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. 


 

Comments

COMMENT / REPLY FROM