Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં અપૂરતા વરસાદથી માલધારીઓ, પશુપાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં : રાજેશ આહીર

09 September


મુખ્યમંત્રીને રજૂઆત કરી તાત્કાલિક ઘાસચારો, પાણી અને રાહત પેકેજની માંગ

ભુજ - કચ્છઉદય : કચ્છમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈ કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા રાજેશ આહીર દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં કચ્છના માલધારીઓ, પશુપાલકો, પાંજરાપોળો તથા ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા અને પાણી-ઘાસચારાની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, વરસાદના અભાવે કચ્છના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી તેમજ પશુપાલન પર ગંભીર અસર પડી રહી છે. ખાસ કરીને પશુધન માટે ઘાસચારા અને પાણીની અછત ઊભી થતાં માલધારીઓ અને પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બહારથી મોંઘા ભાવે ઘાસચારો ખરીદવો પડતો હોવાથી પશુપાલકો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.
કચ્છની વિવિધ પાંજરાપોળોમાં મોટી સંખ્યામાં પશુધન આશ્રિત છે. અપૂરતા વરસાદને કારણે પાંજરાપોળોમાં પણ ઘાસચારા અને પીવાના પાણીની તાત્કાલિક જરૂરિયાત ઊભી થઈ હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આથી તમામ પાંજરાપોળોને સરકારી ધોરણે પૂરતા પ્રમાણમાં ઘાસચારો પૂરો પાડવાની માંગ કરવામાં આવી છે. છ મુદ્દાની મુખ્ય માંગણીઓ રાજેશ આહીરે મુખ્યમંત્રી સમક્ષ અસરગ્રસ્ત માલધારીઓ અને પશુપાલકોને નિઃશુલ્ક ઘાસચારો ઉપલબ્ધ કરાવવા, તમામ પાંજરાપોળોને પૂરતો ઘાસચારો આપવા, પશુધન માટે પીવાના પાણીની તાત્કાલિક વ્યવસ્થા કરવા તથા ખેડૂતો માટે જરૂરી પિયત પાણી ઉપલબ્ધ કરાવવાની માંગ કરી છે.
આ ઉપરાંત અપૂરતા વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું તાત્કાલિક સર્વેક્ષણ કરી રાહત પેકેજ અને સહાય જાહેર કરવા તેમજ પાણી અને ઘાસચારાની ગંભીર અછત ધરાવતા ગામોમાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે. રાજેશ આહીરે જણાવ્યું છે કે કચ્છના ખેડૂતો, માલધારીઓ અને પશુપાલકોની વર્તમાન ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા વિલંબ કર્યા વિના યોગ્ય નિર્ણય લેવામાં આવે અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ છે.
------

Comments

COMMENT / REPLY FROM