Trending News
સ્થાનિક સમાચાર

શ્રુજન - એલએલડીસી ખાતે “પેટર્ન્સ ઓફ ફેશન - ગ્લોબલ સિમ્પયોઝિયમ’નું આયોજન

09 September


યુરોપના ૪૦૦ વર્ષ જૂના ઐતિહાસિક પોશાકના અભ્યાસને કચ્છની સમૃદ્ધ પરંપરા હસ્તકલા સાથે જોડવા પ્રયાસ

ભુજ - કચ્છઉદય : શ્રુજન-લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર, અજરખપુર ખાતે આગામી ૩ અને ૪ ઓક્ટોબરના રોજ લંડન સ્થિત ધ સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ડ્રેસ દ્વારા “પેટર્ન્સ ઓફ ફેશન - ગ્લોબલ સિમ્પયોઝિયમ’ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બે દિવસીય વૈશ્વિક સિમ્પોઝિયમ ૧૭મી સદીના યુરોપિયન પુરુષોના પોશાક, દરજીકામ અને કારીગરી પર કેન્દ્રિત રહેશે. આ કાર્યક્રમમાં વિશ્વપ્રસિદ્ધ ‘પેટર્ન્સ ઓફ ફેશન ૭’ પુસ્તકનું વિમોચન કરવામાં આવશે.
આ સિમ્પોઝિયમનો મુખ્ય ઉદ્દેશ યુરોપના આશરે ૪૦૦ વર્ષ જૂના ઐતિહાસિક પોશાકના અભ્યાસને ભારત અને ખાસ કરીને કચ્છની સમૃદ્ધ પરંપરા હસ્તકલા સાથે જોડવાનો છે. કાર્યક્રમ દરમિયાન ઐતિહાસિક પોશાકના આકાર, કાપ, રચના અને સંદર્ભ જેવા વિવિધ પાસાઓ દ્વારા પોશાકના અભ્યાસ અને દસ્તાવેજીકરણની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવશે. સાથે જ ‘પેટર્ન્સ ઓફ ફેશન’ ગ્રંથમાળાની સફર અને તેના નવા પુસ્તક ‘પેટર્ન્સ ઓફ ફેશન ૭’ અંગે પણ વિશેષ રજૂઆત કરવામાં આવશે.
સિમ્પોઝિયમમાં લંડનની ધ સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ડ્રેસના પ્રોફેસર જેની તિરામાની, હેટી બાર્સ્બી, ક્લેર થોરન્ટન અને પાવેલ ટોમાઝેવ્સ્કી સહિતના નિષ્ણાતો ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રાફ્ટ એન્ડ ડિઝાઇન જયપુરના ડિરેક્ટર ડૉ. તુલિકા ગુપ્તા, એલએલડીસીના મેનેજિંગ ડાયરેક્ટર અમી શ્રોફ, સંશોધન અને વિકાસ સલાહકાર જુહી પાંડે, સંશોધક અને સહાયક ક્યુરેટર અવની દેવધર, શ્રુજન ડિઝાઇનર અને ડિઝાઇન સ્ટુડિયો હેડ નીરજ પાર્કર તથા સંશોધક બંસરી સોની સહિતના નિષ્ણાતો વિવિધ વિષયો પર રજૂઆતો કરશે.
આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં ધ સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ડ્રેસના નિષ્ણાતો મોડેલ પર ૧૭મી સદીના પશ્ચિમી પોશાકને તબક્કાવાર તૈયાર કરી તેની જટિલ રચના, દરજીકામ અને અંદરની રચનાને પ્રત્યક્ષ રીતે રજૂ કરશે અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને કચ્છના સ્થાનિક ભરતકામ કારીગરો તથા માસ્ટર કારીગરો વચ્ચે પ્રાયોગિક તાલીમ સાથે કૌશલ્ય આદાન-પ્રદાનના સત્રો સાથે દરજીકામની રચના અને જ્યોમેટ્રી, ભરતકામ તથા સુશોભનની વિવિધ તકનીકો અને ઐતિહાસિક પોશાકની રચના જેવા વિષયો પર પ્રાયોગિક માસ્ટરક્લાસ યોજાશે.
આ ઉપરાંત ‘ધ ગ્રેટ આર્ટિઝન એક્સચેન્જ - ટૂલ સ્વેપ’ કાર્યક્રમ અંતર્ગત લંડનના નિષ્ણાતો અને કચ્છના કારીગરો વચ્ચે સાધનો, હુક્સ, ફ્રેમ્સ અને વિવિધ સામગ્રીનું પરસ્પર નિરીક્ષણ અને જ્ઞાનનું આદાન-પ્રદાન કરવામાં આવશે. આ સંવાદ દ્વારા બંને પરંપરાઓની કારીગરી પદ્ધતિઓ અને કાર્યપદ્ધતિઓને એકબીજા સાથે સમજવાની તક મળશે. ‘પેટર્ન્સ ઓફ ફેશન - ગ્લોબલ સિમ્પોઝિયમ’ કચ્છની જીવંત હસ્તકલા પરંપરા અને વિશ્વસ્તરીય એતિહાસિક પોશાક સંશોધન વચ્ચે સંવાદનું અનોખું મંચ પૂરું પાડશે. આ કાર્યક્રમ દ્વારા કલા, કારીગરી, સંશોધન, દસ્તાવેજીકરણ અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન લિન્કઃ https://forms. gle/ awR6eGpMVCvjTrf76  છે.
--------

Comments

COMMENT / REPLY FROM