Trending News
સ્થાનિક સમાચાર

કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાના ૧૭૭ શિક્ષકોનું સન્માન

09 September


શિક્ષકદિન નિમિત્તે ‘જ્ઞાનદીપના જ્યોતિર્ધર પર્વ’માં



ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ, ભુજ દ્વારા શિક્ષકદિન નિમિત્તે સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે ‘જ્ઞાનદીપના જ્યોતિર્ધર પર્વ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં જ્ઞાનનો પ્રકાશ પાથરનાર અને ભાવિ પેઢીના ઘડતરમાં અતિ મહત્વપૂર્ણ યોગદાન આપનાર શિક્ષકોના સમર્પણ તથા શૈક્ષણિક સેવાઓને બિરદાવવાના હેતુથી યોજાયેલા આ સન્માન સમારોહમાં ટ્રસ્ટ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના ૧૭૭ શિક્ષકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલ, કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ રામજી પિંડોરિયા, રવજીભાઈ ગોરસિયા, પ્રેમજીભાઈ હાલાઇ, લક્ષ્મણભાઈ રાઘવાણી, અરજણભાઈ પિંડોરિયા, ધનસુખભાઈ સિયાણી, મનજીભાઈ પિંડોરિયા, કરસનભાઈ મેપાણી, શિવજીભાઇ છભાડીયા, કેસરાભાઈ પિંડોરિયા, વિનોદભાઈ પિંડોરિયા તથા ત્રણેય પાંખના સૌ ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ શિક્ષકોના રાષ્ટ્ર નિર્માણ અને સમાજ ઘડતરના અમૂલ્ય યોગદાનને બિરદાવતાં જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર શિક્ષણ આપનાર નથી પરંતુ સાચી દિશા આપનાર માર્ગદર્શક અને સંસ્કારદાતા છે. 
કાર્યક્રમ દરમ્યાન કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહનભાઈ પટેલના હસ્તે શાળાઓના આચાર્યો હેતલબેન ભુડિયા, કોમલબેન ઠક્કર, હેનીબેન પરમાર, અનીતાબેન પિંડોરિયા, પુનીતભાઈ જૈન તથા વ્યવસ્થાપક ભરતભાઈ જોશી અને ગૃહમાતા ખુશ્બુબેન શિયાળવાલા તથા જયંતભાઈ પાઠકને વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. કુલપતિએ પોતાના વક્તવ્યમાં ચાણક્ય વિષ્ણુગુપ્ત, ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પ્રસંગો ટાંકીને વર્તમાન સમયમાં શિક્ષકોની જવાબદારી વિશે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની કનિષ્કા સિંઘ, કુમાર વિદ્યાલયના રક્ષીલકેરાઈ તથા કન્યા વિદ્યામંદિરની ભક્તિ કેરાઇએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ માવજી ગોરસીયાએ કર્મનિષ્ઠ શિક્ષકોની કામગીરી બદલ શુભેચ્છા પાઠવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કાન્તાબેન વેકરીયા અને પુષ્પાબેન મેપાણીએ કર્યું હતું. સંસ્થા પરિવાર, આમંત્રિત મહાનુભાવો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી વચ્ચે આ કાર્યક્રમ કૃતજ્ઞતા અને ગૌરવની લાગણી સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
---------

Comments

COMMENT / REPLY FROM