મેડિટેશન : જીવનનું અમૂલ્ય રત્ન માનસિકસ્વાસ્થ્યનીસંભાળ
ભુજ - કચ્છઉદય : આજના યુગમાં જ્યારે જીવનની ગતિ અત્યંત વેગવાન બની ગઈ છે, ત્યારે મેડિટેશન જીવનની આવશ્યકતા બની ગયું છે. શારીરિક અને માનસિક બંને સ્તરે તેનું મહત્ત્વ અનન્ય છે. શરીરને આરામ મળે છે, મન શાંત થાય છે અને આંતરિક ઊર્જા જાગૃત થાય છે. વૈજ્ઞાનિક સંશોધનો પણ સાબિત કરે છે કે નિયમિત મેડિટેશનથી બ્લડ પ્રેશર નિયંત્રિત થાય છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે અને તણાવના હોર્મોન્સમાં ઘટાડો થાય છે.
માનસિક સ્થિતિ આપણા દિવસના દરેક નિર્ણય અને કાર્ય પર સીધી અસર કરે છે. જ્યારે મન અશાંત હોય ત્યારે નાના-મોટા નિર્ણયોમાં પણ ભૂલો થાય છે, કામની કાર્યક્ષમતા ઘટે છે અને સંબંધોમાં તણાવ વધે છે. તેનાથી વિપરીત, સ્વસ્થ માનસિક સ્થિતિ સ્પષ્ટ વિચારશક્તિ, સકારાત્મક દૃષ્ટિકોણ અને સંતુલિત પ્રતિક્રિયા આપે છે. આમ માનસિક સ્વાસ્થ્ય એ જીવનની ગુણવત્તાનું મૂળ છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે આપણા માનસિક સ્વાસ્થ્યનું ખરેખર ધ્યાન રાખીએ છીએ? મોટાભાગના લોકો શારીરિક સ્વાસ્થ્ય માટે જિમ જાય છે, દવા લે છે, પરંતુ મનની સંભાળ અવગણી જાય છે. કામનું દબાણ, સોશિયલ મીડિયાનો અતિરેક અને અનિયમિત જીવનશૈલી માનસિક તણાવને વધારે છે. પરિણામે ચિંતા, હતાશા અને ઊંઘની સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે. તો તેના માટે શું કરવું જોઈએ? સૌપ્રથમ દરરોજ થોડો સમય મેડિટેશન માટે ફાળવો. શરૂઆતમાં માત્ર પાંચથી દસ મિનિટ પૂરતું છે. શાંત જગ્યાએ બેસીને શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો. ધીમે ધીમે સમય વધારો. સાથે સાથે યોગ, પ્રાણાયામ અને સકારાત્મક વિચારોનું અભ્યાસ કરો. નિયમિત ઊંઘ, સંતુલિત આહાર અને પ્રકૃતિ સાથેનો સંપર્ક પણ માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવે છે. જરૂર પડ્યે મનોવૈજ્ઞાનિકની સલાહ લેવામાં સંકોચ ન કરો.
મેેડિટેશન એ મનને સ્વસ્થ, શાંત અને સ્પષ્ટ બનાવવાની સરળ પરંતુ શક્તિશાળી પદ્ધતિ છે. જ્યારે આપણે માનસિક સ્વાસ્થ્યની સંભાળ લઈશું ત્યારે જ જીવનમાં સાચું સુખ અને સંતુલન અનુભવી શકીશું. આજથી જ શરૂઆત કરો મનની સંભાળ એ જીવનની સૌથી મોટી સેવા છે.
-----

Comments