Trending News
ક્રાઈમ

વરસામેડીમાં લખ્ખુભાઈની ઘાતકી હત્યાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલાયો પત્નીના પ્રેમીએ જ હત્યા કરી હોવાનો ખુલાસો!

07 September



અંજારઃ વરસામેડી ગામેથી ગુમ થયેલા ૪૩ વર્ષીય લખ્ખુભાઈ રૂડાભાઈ હુંબલની ઘાતકી હત્યાનો ભેદ અંજાર પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં મૃતકની પત્ની સાથે પ્રેમસંબંધ ધરાવતા દિનેશ રાયધણભાઈ ઠાકોરે હત્યા કરી હોવાની કબૂલાત આપતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસના જણાવ્યા મુજબ, ૩૧ ઓગસ્ટની રાત્રે લખ્ખુભાઈને તેમનો પુત્ર ગણેશ મંદિર પાસે આવેલા ખેતરે ચોકી કરવા માટે મૂકીને આવ્યો હતો. ત્યારબાદ લખ્ખુભાઈ પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી અને ૧ સપ્ટેમ્બરના રોજ અંજાર પોલીસ મથકે ગુમ નોંધ કરાવવામાં આવી હતી.
દરમિયાન ૫ સપ્ટેમ્બરના રોજ બપોરના સમયે વરસામેડી ગામના તળાવના કિનારે બે કોથળા મળી આવ્યા હતા. કોથળામાં માનવ મૃતદેહના અલગ-અલગ ભાગ મળી આવતા પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહની ઓળખ કરતાં તે ગુમ થયેલા લખ્ખુભાઈ હુંબલનો હોવાનું સામે આવ્યું હતું. મૃતકના માથાના ભાગે હથિયારના ઘા સહિતની ઇજાઓ જણાતા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 
પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની સૂચનાથી અંજાર પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વરસામેડી ગામ તથા આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હ્યુમન સોર્સ મારફતે પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતકની પત્ની સાથે નજીકમાં રહેતા દિનેશ રાયધણભાઈ ઠાકોરનો છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હતો. આ માહિતીના આધારે દિનેશને પોલીસ મથકે બોલાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવતા તેણે સમગ્ર હત્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસ સમક્ષની કબૂલાત મુજબ, દિનેશને શંકા હતી કે લખ્ખુભાઈને તેના અને મૃતકની પત્ની વચ્ચેના સંબંધની જાણ થઈ ગઈ છે અને તે તેને મારી નાખશે. જેથી દિનેશે લખ્ખુભાઈને ૩૧ ઓગસ્ટની મોડી રાત્રે પોતાના ઘરે બોલાવ્યો હતો. વાતચીત દરમિયાન તેના માથાના 
પાછળના ભાગે લોખંડના રોડ વડે બે-ત્રણ ઘા મારી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મૃતદેહને તળાવમાં નાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મૃતદેહ ઉપાડી ન શકતા દિનેશ ગભરાઈ ગયો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે મૃતકનો મોબાઈલ ફોન વરસામેડી હાઈવે નજીક કાચા રસ્તા પર ફેંકી દીધો હતો. ત્યારબાદ પોતાના ઘરે પડેલા હેકસો બ્લેડના ટુકડા તથા બ્લેડની મદદથી મૃતદેહના બે ટુકડા કર્યા અને અલગ-અલગ પ્લાસ્ટિકના કોથળામાં ભરી ગામના તળાવમાં ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.આ સમગ્ર મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં મ્દ્ગજી કલમ ૧૦૩(૧), ૨૩૮(છ) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. 
પોલીસે આરોપી દિનેશ ઠાકોરની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



.............


 પ્રેમસંબંધ બન્યો હત્યાનું કારણ!

મૃતકની પત્ની સાથે છેલ્લા દોઢેક વર્ષથી પ્રેમસંબંધ હોવાની પોલીસ સમક્ષ દિનેશે કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. લખ્ખુભાઈને આ સંબંધની જાણ થઈ હોવાની શંકાથી પોતે પકડાઈ જશે અથવા લખ્ખુભાઈ તેને મારી નાખશે તેવા ભયમાં હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.


...........

હત્યાથી લાશના બે ટુકડા સુધીનો ખૌફનાક ખેલ

લોખંડના રોડથી હત્યા કર્યા બાદ મૃતદેહને તળાવમાં નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ મૃતદેહ ઉપાડી ન શકતા આરોપીએ હેકસો બ્લેડના ટુકડા તથા બ્લેડની મદદથી લાશના બે ટુકડા કર્યા. બંને ભાગને અલગ-અલગ કોથળામાં ભરી વરસામેડીના તળાવમાં ફેંકી દીધા અને પોલીસને ગેરમાર્ગે દોરવા મૃતકનો મોબાઈલ હાઈવે નજીક ફેંકી દીધો હોવાનું પોલીસનું કહેવું છે.

Comments

COMMENT / REPLY FROM