Trending News
સ્થાનિક સમાચાર

નર્મદા કેનાલમાં અચાનક પાણી બંધ થતાં ૬ ગામના ખેડૂતોમાં રોષ

07 September



૨૫થી ૩૦ મોટરો બળી જતાં ખેડૂતોને આર્થિક ફટકો : ગેટ ઓપરેટરને જાણ કર્યા વગર પાણી બંધ કરાતા પિયાવા સહિતના ગામોના ૪૦૦ જેટલા ખેડૂતો કેનાલ ગેટ પર એકઠા થઈ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો

માંડવી - કચ્છઉદય : માંડવી તાલુકામાં નર્મદા કેનાલમાંથી અનિયમિત રીતે થતા પાણીના વિતરણને કારણે સ્થાનીય ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. પિયાવા, કોડાય, મસ્કા, બાગ, નાગલપુર અને પીપરી સહિતના છ ગામોના આશરે ૪૦૦ જેટલા ખેડૂતો ૩૨૦ કેનાલ ગેટ પર એકત્રિત થયા હતા અને નિગમ તથા તંત્ર સમક્ષ પોતાની ગંભીર રજૂઆતો કરી હતી. ખેડૂતોના જણાવ્યા અનુસાર, ગત ૩ સપ્ટેમ્બરની રાત્રે ગેટ ઓપરેટરને પૂર્વ જાણ કર્યા વગર જ ઉપરથી અચાનક પાણીનો પુરવઠો બંધ કરી દેવામાં આવ્યો હતો, જેના કારણે સિંચાઈ કરી રહેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
પાણી અચાનક બંધ થઈ જવાના કારણે કેનાલ પર આધારિત ૨૫થી ૩૦ જેટલી મોટરો બળી ગઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે. મોટરો બળી જવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેને લઈને વિસ્તારના કૃષિકારોમાં  આક્રોશ જોવા મળી રહ્યો છે. અગાઉથી જ ખેતીમાં વિવિધ પડકારોનો સામનો કરી રહેલા ખેડૂતો માટે કેનાલ તંત્રની આવી બેદરકારી વધારાનું સંકટ બનીને આવી છે. ખેડૂતોએ માંગ કરી છે કે કેનાલમાં નિયમિત અને વ્યવસ્થિત રીતે પાણી છોડવામાં આવે. દરેક ગેટ-પેકેજ પ્રમાણે એકથી દોઢ મીટર પાણીની યોગ્ય ભરતી કર્યા બાદ જ આગળના ગેટ તરફ પાણી રવાના કરવામાં આવે, જેથી પુરવઠો સુચારુ રહે અને મોટરો બળી જવા જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. કેનાલ નિગમ, સંબંધિત અધિકારીઓ અને રાજકીય આગેવાનો આ બાબતને ગંભીરતાથી લઈને ત્વરિત ઉકેલ લાવે તેમજ થયેલા નુકસાન અંગે યોગ્ય કાર્યવાહી કરે તેવી અપીલ કરવામાં આવી છે.  હવે તંત્ર આ મામલે કેવો નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Comments

COMMENT / REPLY FROM