ભુજ કોર્ટ પ્રાંગણમાં પોલીસની હાજરી વચ્ચે યુવકને છરી ઝીંકાઈ
સેશન્સ કોર્ટના પ્રાંગણમાં હત્યાના પ્રયાસથી ખળભળાટ, પેટમાં છરી વાગતા ૨૫ વર્ષીય યુવક હોસ્પિટલમાં દાખલ
ભુજ : ભુજ સેશન્સ કોર્ટના પ્રાંગણમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરી વચ્ચે જ ૨૫ વર્ષીય યુવકના પેટમાં છરી ભોંકાતાં ખળભળાટ મચી ગયો હતો. જૂની અદાવતના મામલે થયેલા હુમલામાં રામનગરીના મયુરગર મહેશગર ગુસાઈને ગંભીર ઇજા થતાં તાત્કાલિક જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો.
મળતી પ્રાથમિક માહિતી મુજબ મયુરગર કોર્ટમાં તારીખ આપવા આવ્યો હતો. તે સમયે રાહુલ કરસન મારવાડા ઉર્ફે માસાડાએ રાહુલને તેના પેટના ભાગે છરી ઝીંકી હોવાનો આક્ષેપ છે. ઘટના સમયે ડીવાયએસપી, પીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ હાજર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તાત્કાલિક ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલ ચોકીમાં મયુરગરની માતાએ રાહુલ મારવાડાએ છરી માર્યાનું જણાવ્યું હોવાનું સામે આવ્યું છે. ઘટનાના લાઈવ ફૂટેજ પણ સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ પોલીસે આરોપીને ઝડપી લીધો છે. આરોપી સામે અગાઉ હત્યા સહિતના ગુના નોંધાયેલા હોવાની પણ માહિતી મળી રહી છે. પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે કોર્ટના પ્રાંગણમાં છરી વડે હુમલો થતાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલ ઊભા થયા છે.
..............................
ભુજ કોર્ટના પાછળના ભાગે જૂની અદાવતમાં હુમલો કરનાર શખ્સોને રાઉન્ડઅપ કરાયા
૨૦૨૩ના ગુનાની હિયરિંગમાં હાજરી પુરાવ્યા બાદ કોર્ટ પાછળ ભેગા થયેલા જૂથ વચ્ચે મારામારી થઈ હતી : ડીવાયએસપી
ભુજ : શહેરની કોર્ટમાં આજે સવારે જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારી થતાં ચકચાર મચી હતી. કોર્ટના પાછળના ભાગે થયેલી બોલાચાલી દરમિયાન એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘટનાની જાણ થતાં ભુજના એસસી-એસટી સેલના ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયન તાત્કાલિક સ્થળે દોડી ગયા હતા અને સ્ટાફની મદદથી આરોપી પાસેથી છરી ઝૂંટવી હુમલો અટકાવ્યો હતો. ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયને આપેલી માહિતી મુજબ, તેઓ આજે કોર્ટમાં કામસર ગયા હતા. દરમિયાન કોર્ટના પાછળના ભાગે ઝઘડો થતો હોવાનું જાણવા મળતાં તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા. તે સમયે છરી વડે હુમલો કરવામાં આવી રહ્યો હતો. પોલીસે તાત્કાલિક હસ્તક્ષેપ કરી છરી કબજે કરી હતી અને ઘટનામાં સંડોવાયેલા લોકોને રાઉન્ડઅપ કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ લોકો સામે વર્ષ ૨૦૨૩માં ગુનો નોંધાયો હતો અને હાલ તેઓ જામીન પર બહાર હતા. આ કેસની આજે કોર્ટમાં હિયરિંગ હોવાથી આરોપીઓ હાજરી આપવા આવ્યા હતા. હિયરિંગમાં હાજરી પૂર્યા બાદ કોર્ટના પાછળના ભાગે ભેગા થયા હતા. આ દરમિયાન એકબીજાને કેસમાં ફસાવી દેવા બાબતે બોલાચાલી થતાં મામલો મારામારી અને છરીના હુમલા સુધી પહોંચ્યો હતો. આ ઘટનામાં રાહુલ કરસન મારવાડા, અરુણ રામજી મારવાડા, કિરણ ખીમજી પાયણ અને સચિન મૂળજી મેરીયા સહિતના લોકોના નામ સામે આવ્યા છે. જ્યારે કિસન મૂળજી મેરીયા હાલ જેલમાં હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.દરમિયાન અરુણ રામજી મારવાડાના મિત્ર મયુર ગુંસાઈને છરી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે ભુજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments