Trending News
સ્થાનિક સમાચાર

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ભુજમાં ભવ્ય એકતા યાત્રા યોજાઈ

31 October


ચોવીસીના જ્ઞાતિજનો સહિત સમાજના અગ્રણીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા

ભુજ - કચ્છઉદય : સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા, અખંડિતતા અને સામાજિક સૌહાર્દનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ - ભુજ તથા કચ્છી લેવા પટેલ યુવક સંઘ - ભુજના સંયુક્ત ઉપક્રમે ‘એકતા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ એકતા યાત્રામાં સમાજના લોકોએ એકસાથે જોડાઈને એકતા, અખંડિતતા અને ભાઈચારાનો સુંદર સંદેશ આપ્યો હતો. યાત્રાનો પ્રારંભ સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતેથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ, જુબિલી ગ્રાઉન્ડ સહિતના માર્ગો પરથી પસાર થઈ જયનગર ત્રણ રસ્તા થઈ પુનઃ સરદાર પટેલ વિદ્યા સંકુલ ખાતે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન ઉપસ્થિતોએ સરદાર પટેલના રાષ્ટ્રનિર્માણ, રાષ્ટ્રીય એકતા અને અખંડ ભારતના સંકલ્પને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, નાનજીભાઈ પિંડોરિયા, ધનસુખભાઈ સિયાણી, કરસનભાઈ મેપાણી, મનજીભાઈ પિંડોરિયા, રામજીભાઈ સેંઘાણી, સમાજના દાતાઓ, ટ્રસ્ટીઓ, ચોવીસીના લેવા પટેલ સમાજના વડીલો, માતૃશક્તિ, યુવાનો તેમજ કન્યા રતનધામ અને કુમાર વિદ્યાધામના દીકરા-દીકરીઓની વિશાળ ઉપસ્થિતિએ સમાજની સંગઠિત શક્તિ અને એકતાભાવનાનું સુંદર દ્રશ્ય ઊભું કર્યું હતું. સમગ્ર આયોજનમાં સમાજના સૌએ સ્વયંભૂ સહભાગી બની એકતા અને સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
સરદાર વલ્લભભાઈ પટેલે દેશની એકતા અને અખંડિતતા માટે આપેલા અમૂલ્ય યોગદાનને સ્મરણ કરવાનો આ કાર્યક્રમ માત્ર એક યાત્રા પૂરતો મર્યાદિત ન રહેતાં સમાજની એકતા, સંગઠનશક્તિ અને નવી પેઢીમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાનો પ્રેરણાદાયી અવસર બની રહ્યો હતો. દર વર્ષે યોજાતી આ એકતા યાત્રા સમાજના સૌ જ્ઞાતિજનોને એક મંચ પર લાવી પરસ્પર સ્નેહ, સહકાર અને એકતાના સંબંધોને વધુ મજબૂત બનાવે છે. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પ સાથે યોજાયેલી આ યાત્રા સમાજમાં એકતાનો સંદેશ પ્રસરાવવામાં સફળ રહી હતી. 
----

Comments

COMMENT / REPLY FROM