કુંદરોડીમાં પ્રથમ વખત તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને ટ્રોફી એનાયત કરાઈ : કુંદરોડી જીરાવાલા સર્વોદય ટ્રસ્ટના સહયોગથી કાર્યક્રમ સફળ બન્યો
મુંદરા - કચ્છ ઉદય : મુંદરા તાલુકાનો વર્ષ ૨૦૨૬નો વિજ્ઞાન મેળો તા. ૧૬ ઓક્ટોબર, શુક્રવારના રોજ કુંદરોડી ગામની શાળામાં યોજાયો હતો. તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનની ઉત્કૃષ્ટ કૃતિઓ રજૂ કરી પોતાની સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમનો પરિચય આપ્યો હતો. કુંદરોડી ગામમાં પ્રથમ વખત યોજાયેલા આ મેળાને લઈને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાલ મુંબઈ ખાતે સ્થિત કુંદરોડી જીરાવાલા સર્વોદય ટ્રસ્ટ દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટના દાતાશ્રીઓ દ્વારા મેળામાં ભાગ લેનારા આશરે ૧૫૦ વિદ્યાર્થીઓને ટ્રોફી તેમજ ઉપસ્થિત મહેમાનોને સ્મૃતિચિહ્નો અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ સહયોગ બદલ બી.આર.સી. ભવન, મુંદરા અને કુંદરોડી પ્રાથમિક શાળા દ્વારા ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
મેળામાં તાલુકા કારોબારીના ચેરમેન ગાંગાભાઈ ચાવડા, કુંદરોડી ગામના સરપંચ, ઉપસરપંચ, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ, ગ્રામજનો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી રવિભાઈ સોલંકી, તાલુકા બી.આર.સી. જેસીનભાઈ ઝાલા અને તેમની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મનહરસિંહ ઝાલા, મહામંત્રી સહદેવસિંહ જાડેજા, જતીનભાઈ, તાલુકાની વિવિધ શાળાઓના જૂથાચાર્યો, આચાર્યો, શિક્ષકો તથા વિજ્ઞાનની કૃતિઓ સાથે આવેલા વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો.
કાર્યક્રમના આયોજનમાં બી.આર.સી.ની સમગ્ર ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. કુંદરોડી પ્રાથમિક શાળાના આચાર્ય ધવલભાઈ અને શાળાના શિક્ષકોએ તેમજ મેળાનું આયોજન જે માધ્યમિક શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું હતું, તે શાળાના શિક્ષકોએ પણ શ્રમદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કુંદરોડી ગામમાં પ્રથમ વખત તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન શક્ય બનતાં ગામમાં આનંદની લાગણી પ્રસરી હતી. આ આયોજનને સાકાર કરવામાં કુંદરોડી જીરાવાલા સર્વોદય ટ્રસ્ટના સહયોગને વિશેષ શ્રેય આપવામાં આવ્યો હતો.
-------

Comments