Trending News
સ્થાનિક સમાચાર

મણિબેનની કચ્છ યાત્રા : એક સંભારણું

28 October



તા.૩૧મી ઓક્ટોબર સરદાર સાહેબનો સ્મૃતિ દિન છેે. એ ટાંકણે એમનાં પુત્રી મણિબેનની કચ્છ યાત્રાનાં સંસ્મરણો વાગોળવાની તક ઝડપી લઉં છું.
૧૯૭૫ કચ્છમાં દુષ્કાળ વર્ષ હતું. મોરારજીભાઇ દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ સાથે સરદાર પટેલનાં પુત્રી મણિબેન પણ કચ્છના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવ્યાં હતાં. જિલ્લાનાં અર્ધભૂખ્યાં માનવો અને કંગાળ હાલતમાં પશુઓ જોઇને એમનું હ્રદય દ્રવી ઉઠ્યું હતું. સ્થળ પર જઈને તેમણે લોકોને સાંત્વના આપી હતી.મૃત પશુઓની આંખોમાં વિકરાળ કાળની થપાટો જોઇને મજબૂત મનોબળવાળા પણ હચમચી જાય એવાં દ્રશ્યો સર્જાયાં હતાં.
કચ્છ યાત્રા દરમિયાન તેઓ ‘જય કચ્છ’ કાર્યાલયમાં પણ આવ્યાં હતાં.અને ફૂલશંકરભાઈ પટ્ટણી પરિવારની મીઠી મહેમાનગતિ માણી હતી. ત્યારે મને પણ એમને મળવાનો મોકો મળ્યો હતો. એ વખતે અમે સમૂહ ફોટો પડાવ્યો હતો.આ પ્રસંગે સંસ્થા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ કુંદનલાલભાઈ ધોળકિયા તેમની સાથે રહ્યા હતા.કચ્છના પત્રકારોએ પણ મોરારજીભાઈ-બાબુભાઈની મુલાકાત લીધી હતી. મુલાકાતનું તારણ એ મળ્યું કે મણિબેન પણ પિતાજીના પગલે ’બોલો ઓછું અને કામ ઘણું કરો’ નીતિને અનુસરતાં હોય એ જાતે અનુભવ્યું હતું.
તા.૨૫મી માર્ચ,૧૯૯૦નાં રાત્રે સાડા બાર વાગ્યે મણિબેન આપણી વચ્ચેથી ચિર વિદાય લઇ ગયાં પણ એમની સુવાસ આજેય ચોમેર પ્રસરેલી અનુભવાય છે. કચ્છમાં મણિબેનની પ્રતિમા ભુજોડી (ભુજનું ઓડી આય) સ્થિત ‘વંદે માતરમ મેમોરીયલ’માં છે પણ એ પ્રતિમા અંગ્રેજ મહિલા જેવી લાગે છે. મણિબેનને હું રૂબરૂ મળ્યો છું એટલે આ હકીકત અધિકારપૂર્વક કહી શકું છું. પ્રતિમાનું અનાવરણ કરતાં પહેલાં જ્યાં સુધી અનુભવીઓ કે અભ્યાસુઓને બતાવવાની પ્રણાલી અમલી નહિ બને ત્યાં સુધી આવા વિવાદ રહેશે. 
- જગદીશચંદ્ર છાયા
----------------

Comments

COMMENT / REPLY FROM