૧૨ આઈએએસ અધિકારીઓ વિદેશ પ્રવાસે : વહીવટી કામગીરી માટે વધારાના ચાર્જ સોંપાયા
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વતૈયારીઓ
રાજ્યના વિવિધ વિભાગોની દૈનિક કામગીરી અને સમિટની તૈયારીઓ બિનઅધિકૃત રીતે ચાલુ રહે તે માટે સામાન્ય વહીવટ વિભાગે સત્તાવાર આદેશ બહાર પાડ્યો
ગાંધીનગર - કચ્છઉદય : વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭ની પૂર્વતૈયારીઓ અને વિદેશી રોકાણકારોને આકર્ષવાના પ્રયાસોના ભાગરૂપે ગુજરાત સરકારના ૧૨ જેટલા ઉચ્ચ આઈએએસ અધિકારીઓ વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિભાગો અને સંસ્થાઓનું વહીવટી કાર્ય સુચારુ રૂપે ચાલતું રહે તે હેતુથી સામાન્ય વહીવટ વિભાગ દ્વારા અન્ય અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગેનો સત્તાવાર આદેશ જાહેર કરી દેવાયો છે, જેનાથી સામાન્ય વહીવટ, મહેસૂલ, ઉદ્યોગ, નાણાં તથા વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા મહત્ત્વના વિભાગોમાં વહીવટી પ્રક્રિયા ખોરવાય નહીં.
આ નવા વહીવટી ફેરફારો હેઠળ સામાન્ય વહીવટ વિભાગનાં અધિક મુખ્ય સચિવ અંજુ શર્માના સ્થાને નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ ટી. નટરાજનને જવાબદારી સોંપાઈ છે. મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ જયંતિ એસ. રવિની ગેરહાજરીમાં જમીન સુધારણા કમિશનર બી. એ. શાહ ચાર્જ સંભાળશે. ઉદ્યોગ અને ખાણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મમતા વર્માનો ચાર્જ આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનોને આપવામાં આવ્યો છે. શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ લોચન સેહરાની જવાબદારી વન અને પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ ડૉ. વિનોદ રામચંદ્ર રાવ સંભાળશે.
આ ઉપરાંત ચીફ કમિશનર ઑફ સ્ટેટ ટેક્સ રૂપવંત સિંહના સ્થાને જીએમડીસીના મેનેજિંગ ડિરેક્ટર અજય ભાદુ તથા ઉદ્યોગ કમિશનર અને જીઆઈડીબીના સીઈઓ સ્વરૂપ પી.ના સ્થાને શિક્ષણ વિભાગના અગ્ર સચિવ મિલિંદ શિવરામ તોરવણેને વધારાનો પ્રભાર આપવામાં આવ્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગનાં સચિવ પોનુગુમલા ભારતીનો ચાર્જ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી સંભાળશે. નાણાં વિભાગની ખર્ચ શાખાનાં સચિવ જેનુ દેવાનની ગેરહાજરીમાં આર્થિક બાબતોના સચિવ સંદીપ કુમાર તથા સામાન્ય વહીવટ વિભાગનાં સચિવ અર્દ્રા અગ્રવાલના સ્થાને રાજેશ મંજુ જવાબદારી નિભાવશે.
તદુપરાંત ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના કમિશનર ડૉ. ધવલકુમાર કિરીટકુમાર પટેલનો ચાર્જ ગૃહ વિભાગના અધિક સચિવ ડૉ. હર્ષિત પૃથ્વીરાજ ગોસાવી સંભાળશે. જીઆઈડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પ્રવીણા ડી. કે.ના સ્થાને ડૉ. કુલદીપ આર્ય અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર વિજયકુમાર લાલુભાઈ ખરાડીના સ્થાને સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટર નાગરાજન એમ.ને ચાર્જ સોંપાયો છે. રાજ્ય સરકારે આ ગોઠવણ દ્વારા વિદેશી રોકાણલક્ષી પ્રવૃત્તિઓને વેગ આપવાની સાથે સચિવાલયની રોજબરોજની કામગીરી પણ અવિરત ચાલુ રહે તે સુનિશ્ચિત કર્યું છે.
-------------

Comments