Trending News
ક્રાઈમ

નર્મદા કેનાલમાંથી મળેલા નવજાતના મૃતદેહનો મામલોઃ રાપર પોલીસે ૩ આરોપીઓને ઝડપી પાડ્યા

17 October


ગાંધીધામ : કચ્છના રાપર તાલુકામાં નવજાત શિશુના મૃતદેહને ત્યજી દેવાના ગંભીર કેસમાં રાપર પોલીસે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ખેંગારપર ગામની સીમમાં આવેલી નર્મદા કેનાલમાંથી તાજા જન્મેલા નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યા બાદ આ મામલે પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર, તા. ૧૫ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ રાપર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૯૪, ૯૧ અને ૫૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા બોર્ડર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા દ્વારા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જેના અનુસંધાને રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાએ આરોપીઓને શોધી કાઢવા માટે એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. પોલીસ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી, જેમાં ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.પોલીસે આ ગુનામાં રાપર તાલુકાના નારણપર ગામના રામજીભાઈ રમણભાઈ કોલી (ઉંમર ૨૯ વર્ષ), મનજીભાઈ રમણભાઈ કોલી (ઉંમર ૨૮ વર્ષ) અને કાંતાબેન હોથીભાઈ રાઠોડને પકડી પાડ્યા છે. આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં 
આવી છે.આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણા, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર બી.એસ. ચૌધરી અને રાપર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM