વાગડમાં ગેરકાયદેસર ખનીજ ભરી દોડતાં વાહનોની આગળ કાળી ગાડીઓનું ‘વોચડૉગ’ નેટવર્ક
બેફામ ખનીજ ચોરીનું સામ્રાજ્ય
મૂળ આકાઓ સુધી પહોંચવામાં તંત્રની નિષ્ફળતા અંગે સવાલો : ખાખી અને ખાદીના આશીર્વાદથી ખનીજ માફિયા બેફામ બન્યા હોવાની ચકચાર : એક જ રોયલ્ટી પાસ પર અનેક વાહનોની હેરફેરથી માંડી નંબર પ્લેટ વગર દોડતા વાહનો સુધીનું મસમોટો કૌભાંડ ; ખારોઈથી આડેસર સુધીના ગ્રામીણ પટ્ટામાં સ્થળ તપાસ થાય તો મોટા માથાઓના પગ તળે રેલો આવવાની પૂરી શક્યતા : ઊંડાણપૂર્વક તપાસ કરીને ખનીજ ચોરીના આ કૌભાંડમાં સામેલ મોટા માથાઓ અને સફેદપોશ ચહેરાઓને બેનકાબ કરાય તે ઈચ્છનીય
માં આશાપુરાના આર્શીવાદથી રોજની ૪૦૦ ગાડીઓ કોની આ ટોલનાકાઓથી નીકળે છે? : ભચાઉના આઈએએસ એસઅડીએમશ્રી કરાવે તપાસ? પકડાયેલ ગાડીઓ તો માત્ર નામપુરતી જ કહેવાય..જો આ ગાડીઓ પર કડકાઈ થાય તો અને તો જ વાગડ પટ્ટામાં વકરી ગયેલી આડેધડ ખનીજચોરી અટકે..?
ભચાઉ - કચ્છઉદય : પૂર્વ કચ્છના વાગડ પંથકમાં ખનીજ માફિયાઓનો ત્રાસ અને બેફામ પ્રવૃત્તિઓ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. તંત્ર દ્વારા હાથ ધરવામાં આવતી સમયાંતરે કાર્યવાહી વચ્ચે પણ ખનીજ ચોરીનું દૂષણ અટકવાનું નામ લેતું નથી. વાગડ વિસ્તારના ખારોઈ, કકરવા, ભરુડીયા, આધોઈ, નારાયણસરી, કટારીયા, ચંદ્રોડી, ભીમાસર, આડેસર અને ગાગોદર સહિતના સમગ્ર ગ્રામીણ પટ્ટામાં ગેરકાયદે ખનન અને પરિવહન બેરોકટોક ચાલુ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે. જો વહીવટી તંત્ર, ખાણ-ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા આ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર સઘન અને નિષ્પક્ષ સ્થળ તપાસ હાથ ધરવામાં આવે તો કરોડો રૂપિયાનું મસમોટું ખનીજ કૌભાંડ સપાટી પર આવે તેમ છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, વાગડ પંથકમાં ખનીજ ચોરી કરવા માટે અત્યંત ચતુર અને સુનિયોજિત મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી રહી છે. ભૂતકાળમાં પણ એક જ રોયલ્ટી પાસના આધારે અનેક ગાડીઓમાં ગેરકાયદેસર રીતે ખનીજનું પરિવહન કરાયું હોવાના ચોંકાવનારા કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. જો તંત્ર દ્વારા હાલમાં પણ ઈ-વે બિલ અને રોયલ્ટી પાસની બારીકાઈથી ડિજિટલ તથા સ્થળ તપાસ કરવામાં આવે, તો મોટા પ્રમાણમાં ગેરરીતિઓ પકડાઈ શકે તેમ છે. આ ઉપરાંત, ખનીજ ચોરીનું પરિવહન કરતા વાહનોને તંત્રની સરપ્રાઈઝ ચેકિંગથી બચાવવા માટે કાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના શંકાસ્પદ વાહનો દ્વારા ખાસ રેકી (પાયલોટિંગ) કરવામાં આવે છે. આ વાહનો ખનીજ ભરેલી ટ્રકોની આગળ દોડીને રસ્તાની પરિસ્થિતિની માહિતી આપતા હોય છે. આટલી મોટી સંખ્યામાં નંબર પ્લેટ વગરની ગાડીઓ ખુલ્લેઆમ રસ્તા પર દોડી રહી હોવા છતાં સ્થાનિક પોલીસ કે આરટીઓ તંત્ર દ્વારા તેમની સામે કડક તપાસ કે કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી, તે બાબત ભારે શંકા અને ચર્ચાનો વિષય બની છે.
સ્થાનિક જનતામાં ઉઠેલા ગણગણાટ મુજબ, ખાખી (પોલીસ) અને ખાદી (રાજકીય વગ ધરાવતા નેતાઓ)ની કથિત રહેમદ્રષ્ટિ અને આશીર્વાદ વગર આટલા મોટા પાયે સમગ્ર વાગડ વિસ્તારમાં ખનીજ ચોરીનું સામ્રાજ્ય ખીલી શકે નહીં. આર્થિક લાભ મેળવીને પડદા પાછળ રહીને ખનીજ ચોરીનો કારોબાર ચલાવતા અસલી આકાઓ અને વાઈટ કોલર ગુનેગારોને કાયદાનો કોઈ ભય રહ્યો નથી. તંત્ર માત્ર ડ્રાઈવરો કે નાના કર્મચારીઓ પર દંડાત્મક કાર્યવાહી કરીને કે પછી દંડ વસૂલીને સંતોષ માની લે છે, પરંતુ જો ખરેખર મુળ સુધી ઊંડાણપૂર્વક તપાસ થાય તો અનેક વગદાર અને મોટા માથાઓના પગ નીચે રેલો આવે તેમ છે. વાગડ પંથકની કુદરતી સંપત્તિની થઈ રહેલી લૂંટને અટકાવવા માટે હવે વહીવટી તંત્ર કોઈ પણ શેહતારમ વગર આક્રમક મોડમાં આવીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરે તે અત્યંત અનિવાર્ય અને સમયની માંગ બની રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છ જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે હાથ ધરવામાં આવતી દંડાત્મક કાર્યવાહી વચ્ચે શુક્રવારે ભચાઉ અને રાપર વિસ્તારમાં મોટી સંયુક્ત ઝુંબેશ ચલાવવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરની સીધી સૂચનાથી મદદનીશ કલેક્ટર, ભચાઉ અને રાપરના મામલતદારો તેમજ ખાણ-ખનીજ વિભાગ અને આરટીઓ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલા આ સઘન ચેકિંગમાં કરોડો રૂપિયાનું ગેરકાયદે ખનન અને પરિવહન પકડાઈ ગયું હતું. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આકરી કાર્યવાહી ખનીજ ચોરીમાં સંકળાયેલા તત્વો માટે ચોક્કસપણે મોટો ફટકો સાબિત થઈ છે, પરંતુ સ્થાનિક સ્તરે અનેક ગંભીર સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે. કચ્છમાં દર વખતે આવી દરોડાપાડ કામગીરી દરમિયાન લાખો-કરોડો રૂપિયાના સાધનો સાથે માત્ર ડ્રાઈવરો કે નાના કર્મચારીઓ જ પકડાય છે, જ્યારે આ સમગ્ર કૌભાંડ આચરનારા અને પડદા પાછળ રહીને મોટો આર્થિક લાભ મેળવનારા મુખ્ય સુત્રધારો સામે કોઈ નક્કર કાર્યવાહી થતી નથી. તાજેતરમાં નારણસરી સીમમાં ગેરકાયદેસર ચાલતા રેતી વોશિંગ પ્લાન્ટ પર તંત્રના
દરોડા બાદ પણ પ્લાન્ટના અસલી માલિકનું નામ જાહેર ન થવું એ બાબતની સાબિતી આપે છે કે તંત્ર દ્વારા કરવામાં આવતી તપાસ મૂળ સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડે છે. સામાન્ય ડ્રાઈવરો કે કામદારો માટે આટલા મોટા પાયે મશીનરી રોકીને ખનીજ ચોરી કરવી શક્ય નથી, ત્યારે માત્ર નાણાકીય દંડ વસૂલીને મૂળ આકાઓને છાવરવાની નીતિ સામે હવે લોકોમાં અને વિશ્લેષકોમાં ભારે ગણગણાટ જોવા મળી રહ્યો છે. તંત્ર માત્ર કામગીરીની જાહેરાત કરીને સંતોષ માનવાને બદલે ઊંડાણપૂર્વક તપાસ કરીને ખનીજ ચોરીના આ કૌભાંડમાં સામેલ મોટા માથાઓ અને સફેદપોશ ચહેરાઓને બેનકાબ કરે તે અત્યંત જરૂરી બન્યું છે.
...............
ગેરકાયદે ખનન કોઈપણ સંજોગોમાં સાંખી લેવાશે નહીં : ભચાઉ પ્રાંતની મોટી લાલઆંખ
ગાંધીધામ : કચ્છ કલેક્ટરશ્રીની સૂચનાથી ભચાઉના મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (ભચાઉ પ્રાંત) ના
નેતૃત્વમાં ગેરકાયદેસર ખનન અને પરિવહન પર આકરો પ્રહાર કરવામાં આવ્યો છે. ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ ભચાઉ અને રાપરના મામલતદાર તથા ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા બંને તાલુકાઓમાં હાથ ધરાયેલા મેગા
ઓપરેશનમાં કુલ ૮ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.લોદ્રાણી (રાપર) આશરે ૨ એકરમાં ચાલતા ગેરકાયદે ખનન સ્થળેથી ૨ હિટાચી અને ૩ ટ્રક જપ્ત. ખાણ-ખનીજ વિભાગને અહીં આગળની કાર્યવાહી માટે કડક સૂચના અપાઈ.
આ મેગા ડ્રાઇવમાં પકડાયેલા તમામ વાહનો વિરુદ્ધ ‘ગુજરાત મિનરલ્સ પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, ૨૦૧૭’ મુજબ ગુનો નોંધી દંડાત્મક કાર્યવાહી માટે વાહનોનો કબજો લગત પોલીસ સ્ટેશનોને સોંપી દેવામાં આવ્યો છે. ભચાઉ પ્રાંતની આ સીધી કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
......................
ખનીજચોરોને માફિયા ન બનવા દોઃ ‘પાસા’ અને ‘ગુજસીટોક’ જ કરો
ટોલપ્લાઝાના કર્મચારીઓ પર હુમલો અતિ ચિંતાજનકઃ ગુનેગારોને આટલી હિંમત આપે છે કોણ? વાગડમાં અગાઉ ખનીજકર્મીઓ કે ખાત્રી માત્ર નહી પણ પૂર્વ આઈએએસ અધિકારી પર પણ ખનીજચોરો કરી ચૂકયા છે હુમલા
ગાંધીધામઃ વાગડ પટ્ટામાં ખનીજચોરોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેઓ હવે કાયદાનો કોઈ ડર રાખતા નથી. તાજેતરમાં ટોલપ્લાઝાના કર્મચારીઓ પર કરવામાં આવેલો હુમલો અતિ ચિંતાજનક અને ગંભીર બાબત છે. ભૂતકાળમાં વાગડ વિસ્તારમાં સરકારી કર્મચારીઓ અને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ તો ઠીક, એક પૂર્વ આઈએએસ અધિકારી પર પણ ખનીજચોરો હુમલો કરી ચૂક્યા છે! સરકારી અને ખાનગી કર્મચારીઓને નિશાન બનાવતા આ ખનીજ માફિયાઓ આટલી હિંમત ક્યાંથી લાવે છે તે મોટો સવાલ છે.તંત્ર દ્વારા જ્યાં સુધી સરકારી કે ખાનગી કર્મચારીઓ પર હુમલો કરનારા ખનીજચોરો સામે ‘પાસા’,હદપાર કે, ‘ગુજસીટોક’ જેવા સખત ગુના દાખલ કરીને જેલભેગા કરવામાં નહીં આવે, ત્યાં સુધી આ ખનીજચોરોનો આતંક અને ગુંડાટોળીઓ અટકવાની નથી.
.....................
સૂરજબારી ટોલ પ્લાઝા પર ઓવરલોડ વાહનચાલકની દબંગાઈ!
ડ્યુટી પરના કર્મચારી સાથે મારપીટ, સંચાલકો દ્વારા સમાખિયાલી પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધાઈ
ગાંધીધામ : : સૂરજબારી ટોલ પ્લાઝા પર શુક્રવારે બપોરે આશરે ૧ઃ૦૦ વાગ્યે ઓવરલોડ વાહનના માલિક દ્વારા ટોલ પ્લાઝાના કર્મચારી સાથે કથિત રીતે મારપીટ કરવાનો ગંભીર આવ્યો છે. આ ઘટના બાદ ટોલ
વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઓવરલોડ વાહનો તેમજ ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા વાહનો સામે કાર્યવાહી કરવાનો અને ઓવરલોડિંગ ફી તથા લાગુ પડતા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો પર અંકુશ લાવવાનો હતો. આર.ટી.ઓ. વિભાગઃ કુલ ૧૫ કેસ નોંધવામાં આવ્યા અને ૧૫ ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યાં, જેમાં કુલ ૨,૦૭,૦૦૦ (૨.૦૭ લાખ)નો દંડ ફટકારવામાં આવ્યો. ભૂ-ખનિજ વિભાગઃ કુલ ૫ કેસ નોંધવામાં આવ્યા અને ૮,૦૩,૦૦૦ (૮.૦૩ લાખ)ના ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યાં. વાહનો ડિટેઇન કરાયાંઃ ૭ મલ્ટી-એક્સલ ટ્રક અને ૧ સ્કોર્પિયો કારને અટકાયતમાં લેવામાં આવ્યાં છે. બંને વિભાગો દ્વારા કુલ ૨૦ કેસ નોંધવામાં આવ્યા છે અને ૧૦,૧૦,૦૦૦ (૧૦.૧૦ લાખ)ના ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે. હાલમાં સ્થળ પર સંયુક્ત તપાસ અને કાર્યવાહી ચાલુ છે. આ સંયુક્ત કામગીરી દ્વારા ગેરકાયદેસર ખનન પર નિયંત્રણ, ઓવરલોડિંગ સામે કડક અમલ, માર્ગ માળખાને નુકસાનથી બચાવવા તથા માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.સંબંધિત વિભાગો દ્વારા લાગુ પડતા કાયદા અને નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
..........................................
સુરજબારી ટોલ પ્લાઝા ખાતે ઓચિંતી તપાસ
ઓવરલોડ વાહનો અને ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી : મેગા ડ્રાઇવમાં ખનીજ માફિયાઓનો ૮ કરોડનો મુદ્દામાલ જપ્ત
ગાંધીધામ : વહેલી સવારે ૬ઃ૦૦ વાગ્યે સુરજબારી ટોલ પ્લાઝા ખાતે એસ.ડી.એમ. કચેરી, ભચાઉની ટીમ, આર.ટી.ઓ. વિભાગ, ભૂ-ખનિજ વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઓવરલોડ વાહનો તેમજ ગેરકાયદેસર ખનન સાથે સંકળાયેલા વાહનો સામે કાર્યવાહી કરવાનો અને ઓવરલોડિંગ ફી તથા લાગુ પડતા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનો પર અંકુશ લાવવાનો હતો. આર.ટી.ઓ. વિભાગઃ કુલ ૧૫ કેસ નોંધવામાં આવ્યા અને ૧૫ ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યાં, જેમાં કુલ ૨,૦૭,૦૦૦ (૨.૦૭ લાખ)નો દંડ ફટકારવામાં આવ્યો. ભૂ-ખનિજ વિભાગઃ કુલ ૫ કેસ નોંધવામાં આવ્યા અને ૮,૦૩,૦૦૦ (૮.૦૩ લાખ)ના ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યાં. વાહનો ડિટેઇન કરાયાંઃ ૭ મલ્ટી-એક્સલ ટ્રક અને ૧ સ્કોર્પિયો કારને અટકાયતમાં લેવામાં આવ્યાં છે. બંને વિભાગો દ્વારા કુલ ૨૦ કેસ નોંધવામાં આવ્યા છે અને ૧૦,૧૦,૦૦૦ (૧૦.૧૦ લાખ)ના ચલણ ઇશ્યૂ કરવામાં આવ્યાં છે. હાલમાં સ્થળ પર સંયુક્ત તપાસ અને કાર્યવાહી ચાલુ છે. આ સંયુક્ત કામગીરી દ્વારા ગેરકાયદેસર ખનન પર નિયંત્રણ, ઓવરલોડિંગ સામે કડક અમલ, માર્ગ માળખાને નુકસાનથી બચાવવા તથા માર્ગ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સંબંધિત વિભાગોની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.સંબંધિત વિભાગો દ્વારા લાગુ પડતા કાયદા અને નિયમો અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
............................
કચ્છઉદયના અહેવાલની તત્કાળ અસર
ભચાઉ-રાપર પટ્ટામાં ખનીજ-રેતીચોરો બેફામનો વિગતવાર અહેવાલ તા.૧૩-૧૦-૨૦૨૬ના. રોજ.પાના ન.૮ પર આ પ્લેટફોર્મ પરથી ઉજાગર થયો હતો. જે બાદ સંયુકત રીતે બોલાવાયેલી તવાઈથી કચ્છઉદયના વધુ એક અહેવાલ વધુ એકવાર સચોટ પુરવાર થયો છે.

Comments