Trending News
ક્રાઈમ

બોગસ પાસપોર્ટ કૌભાંડમાં મોટો ખુલાસો : કચ્છના નામે પણ બનાવાયા હતા બોગસ પાસપોર્ટ

20 September




ભોપાલથી પકડાયેલા મુખ્ય આરોપી નસીમ અખ્તરનો એસઆઈટી સામે ચોંકાવનારો ખુલાસો, પાસપોર્ટ સેવા કેન્દ્રના કર્મચારીની સંડોવણી ખુલી


ભુજ - કચ્છઉદય : મધ્યપ્રદેશમાં બોગસ દસ્તાવેજોના આધારે શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોના પાસપોર્ટ બનાવવાના કૌભાંડમાં પકડાયેલા મુખ્ય આરોપી નસીમ અખ્તરે એસઆઈટીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આ આંતરરાષ્ટ્રીય રેકેટના તાર હવે મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાતના કચ્છ જિલ્લા સાથે પણ સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીની કડક પૂછપરછમાં વિગતો ખુલી છે કે ભોપાલથી જે બોગસ પાસપોર્ટ તૈયાર કરવામાં આવ્યા હતા, તેમાં કચ્છ તેમજ નાગપુરના ખોટા સરનામાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
એસટીએફ દ્વારા કોર્ટમાંથી બે દિવસના રિમાન્ડ મેળવી હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું છે કે આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર રિયાલ ચૌધરી શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પાસેથી પાસપોર્ટ દીઠ ૩૦ હજાર રૂપિયા ઉઘરાવતો હતો, જેમાંથી ૨૦ હજાર રૂપિયા ભોપાલમાં ટૂર એન્ડ ટ્રાવેલ એજન્સી ચલાવતા નસીમ અખ્તરને આપવામાં આવતા હતા. ભોપાલ પાસપોર્ટ સેવા કેન્દ્રનો એક કર્મચારી પૈસા લઈને આ બોગસ ફાઈલો અને દસ્તાવેજોને આગળ મંજૂર કરાવવામાં મદદ કરતો હતો. અત્યાર સુધીમાં બોગસ કાગળોના આધારે ૭૦ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોના પાસપોર્ટ ઈશ્યૂ કરાવાયા હોવાનું સામે આવ્યું છે. હાલ એસટીએફ અને એસઆઈટીની ટીમ દ્વારા કચ્છ અને નાગપુરના સરનામે બનેલા પાસપોર્ટ તેમજ તેમાં સંડોવાયેલા સ્થાનિક એજન્ટોની ઊંડી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Comments

COMMENT / REPLY FROM