સદીના અંત સુધી સમુદ્ર સપાટી વધવાનો ખતરો
ઃ કંડલા સહિત અનેક દરિયાકાંઠાનાં શહેરો પર સંકટ
ગાંધીધામ - કચ્છઉદય : વૈશ્વિક તાપમાનમાં વધારો અને સમુદ્રની સપાટી ઊંચી થવાના કારણે આગામી દાયકાઓમાં વિશ્વનાં અનેક દરિયાકાંઠાનાં શહેરો માટે ગંભીર પડકાર ઊભો થઈ શકે છે. હવામાન નિષ્ણાતોના અભ્યાસ મુજબ કંડલા, મુંબઈ, કોલકાતા, ઢાકા, ન્યૂયોર્ક, લંડન, વેનિસ અને શાંઘાઈ સહિતનાં શહેરોમાં દરિયાઈ પાણીથી પૂરનું જોખમ વધી શકે છે.
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ હિમનદીઓ અને ધ્રુવીય બરફ પીગળવાથી સમુદ્રની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતમાં મુંબઈ અને કોલકાતા ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો પણ આ જોખમથી મુક્ત નથી. દરિયાકાંઠાના ધોવાણ અને વધતી જળસપાટીને કારણે દહેજ અને કંડલા જેવા વિસ્તારોમાં લાંબા ગાળે મુશ્કેલી વધી શકે છે. સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં પણ ધોવાણ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
અભ્યાસોમાં દર્શાવવામાં આવ્યું છે કે દરિયાકાંઠાના શહેરોમાં વધતું બાંધકામ, જમીનમાં પાણીના ઉતાર માટે ઘટતી જગ્યા અને હવામાનમાં થતા આત્યંતિક ફેરફારો પૂરનું જોખમ વધારી શકે છે.
નિષ્ણાતોનું કહેવું છે કે વધતી ગરમી અને સમુદ્રની સપાટીની અસરોને મર્યાદિત કરવા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો, દરિયાકાંઠાનું સંરક્ષણ અને જોખમ ધરાવતા વિસ્તારો માટે આગોતરું આયોજન જરૂરી છે.
.......

Comments