Trending News
ક્રાઈમ

નખત્રાણાના મંજલ ગામની સીમમાં મજૂરની હત્યાનો ભેદ ઉકેલાયો

18 September


લૂંટારૂ કેબલ ચોર ટોળકીના બે સાગરીતો અને ચોરીનો માલ ખરીદનાર વેપારી પકડાયા : પોલીસના ટેકનિકલ સર્વેલન્સ અને કમાન્ડ કંટ્રોલ સેન્ટરની મદદથી ૧૭ જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવતા રીઢા ગુનેગારોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા

નખત્રાણા - કચ્છઉદય : પશ્ચિમ કચ્છના નખત્રાણા વિસ્તારમાં તાજેતરમાં બનેલી ચોરી અને મજૂરના કૂહાડીના ઘા મારીને કરવામાં આવેલાં ગુનાહિત મનુષ્ય વધના સન્સનીખેજ બનાવનો નખત્રાણા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. મંજલ ગામની સીમમાં આવેલી વાડીમાં ગત ૧૧ સપ્ટેમ્બરના રોજ મોડી રાત્રે ત્રણ વાગ્યાના સુમારે બે અજાણ્યા ચોરો કેબલ વાયરની ચોરી કરવા માટે ઘૂસ્યા હતા. આ સમયે વાડીમાં સુતેલા મજૂર કિરણ દિનેશ નાયક અને તેમની પત્ની રહિતાબેન જાગી જતાં ચોરોએ તેમની સાથે મારપીટ કરી હતી અને કિરણભાઈને કૂહાડીનો ઊંધો ઘા મારી દીધો હતો. હુમલા બાદ દંપતી નજીકમાં રહેતા પોતાના સગાના ઘરે મદદ માટે દોડી ગયું હતું, પરંતુ ગંભીર ઈજાના કારણે કિરણભાઈ અચાનક ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના સંદર્ભે નખત્રાણા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ ગંભીર બનાવને પગલે રેન્જ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તેમજ પશ્ચિમ કચ્છ-ભુજ પોલીસ અધિક્ષક વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. પટેલ અને તેમની ટીમ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ ટેકનિકલ સર્વેલન્સ અને નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમના સીસીટીવી ફૂટેજની મદદથી બે મુખ્ય આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાં મૂળ ખાવડાના કાઢવાંઢના અને હાલ માધાપરની સોનાપુરી ખાતે રહેતા હાસમ ઓસમાણ વાંઢા તેમજ ખાવડાના સાંધારાના વતની અને હાલ માધાપર રહેતા સાએબ આમદ વાંઢાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ ખરીદનાર ભુજના ભક્તિનગર વિસ્તારના રહેવાસી જુબેર રજાક કુંભાર નામના ૧૯ વર્ષીય યુવકની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલ મુખ્ય આરોપી હાસમ ઓસમાણ વાંઢા રીઢો ગુનેગાર છે અને તેની સામે પધ્ધર, ભુજ શહેર બી ડિવિઝન, મુન્દ્રા, કોડાય, નખત્રાણા, માંડવી મરીન, પાલનપુર, માધાપર, નિરોણા અને વાયોર સહિતના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ચોરી અને ઘરફોડ ચોરીના ૨૦ જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસની કડક પૂછપરછ દરમિયાન આરોપીઓએ નખત્રાણા સિવાય પણ અન્ય અનેક સ્થળોએ કેબલ વાયર ચોરી કર્યાની કબૂલાત આપી છે, જેમાં રૂદ્રાણી ડેમ, કોડકી - ફોટડી વચ્ચે, કારીમોરી, જતાવીરા - ભારાપર રોડ, ગઢશીશા - માંડવી રોડ, મેઘપર તેમજ સામત્રા ટોલ પ્લાજા આસપાસની વાડીઓમાંથી બોરના કેબલ વાયર કાપ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. આ સફળ કામગીરી નખત્રાણા પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમે પાર પાડી છે.

...................

 

Comments

COMMENT / REPLY FROM