દરિયાઈ ભાડાંના ભડકાથી મુંદરા-કંડલાના નિકાસકારો ની કમર ભાંગી : કયા ઉદ્યોગો પર પડશે સીધી અસર?
અમેરિકા માટે કન્ટેનર ભાડું ૧૦,૦૦૦ ડોલર સુધી પહોંચ્યુંઃ નિકાસકારોની મુશ્કેલી વધતાં નફા પર અસર : વૈશ્વિક સંઘર્ષો અને જહાજોની અછત વચ્ચે દરિયાઈ માલવાહક ભાડાંના દરોમાં રેકોર્ડ વધારો : ઉત્પાદન ખર્ચમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો
ગાંધીધામ : છેલ્લાં ત્રણ મહિનામાં આંતરરાષ્ટ્રીય બજારો માટે દરિયાઈ માલવાહક (ઓશન ફ્રેટ) દરોમાં ભારે ઉછાળો આવતાં ભારતીય નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. કોવિડ મહામારી
પછીના સમયગાળા બાદ પ્રથમ વખત અમેરિકા મોકલવામાં આવતાં ૪૦-ફૂટના કન્ટેનરનું ભાડું વધીને ૧૦,૦૦૦ ડોલર સુધી પહોંચી ગયું છે. વૈશ્વિક સ્તરે જહાજોની અનિયમિતતા અને અછતને કારણે માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ગલ્ફ દેશો, યુરોપ અને આફ્રિકા તરફ જતાં દરિયાઈ માર્ગો પર પણ ફ્રેટ દરોમાં તીવ્ર વધારો થયો છે. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ અને સપ્લાય ચેઈનના અવરોધોના કારણે કન્ટેનર ભાડાં (ઓશન ફ્રેટ)માં અચાનક આવેલો ઉછાળો હવે કચ્છના મુંદરા અને કંડલાથી થતી દરિયાઈ નિકાસ પર
સીધી વિપરીત અસર પહોંચાડી રહ્યો છે.
આ ભાડા વધારા પાછળ
પશ્ચિમ એશિયામાં ચાલતો સંઘર્ષ અને સપ્લાય ચેઈનના અવરોધો મુખ્ય કારણ છે. પશ્ચિમ એશિયા યુદ્ધ પહેલાં ગલ્ફ દેશો માટે જે ૪૦-ફૂટના કન્ટેનરનું ભાડું માત્ર ૩૦૦ ડોલર હતું, તે હવે વધીને ૪,૦૦૦ ડોલર થઈ ગયું છે. આ જ રીતે યુરોપ માટેનો દર ૧,૨૦૦ થી વધીને ૫,૦૦૦ ડોલર અને મોમ્બાસા માટે ૧,૨૦૦ થી વધીને ૩,૪૦૦ ડોલર સુધી પહોંચ્યો છે. આંતરરાષ્ટ્રીય માર્ગોમાં ફેરફાર થવાને કારણે જહાજના ટ્રાન્ઝિટ ટાઈમમાં વિલંબ થઈ રહ્યો છે અને માલના વીમા ખર્ચમાં પણ મોટો વધારો નોંધાયો છે.
શિપિંગ કંપનીઓએ છેલ્લાં કેટલાક મહિનાઓમાં પોતાનાં જહાજોની ફાળવણી બદલી નાખી છે, જેના કારણે સપ્લાય સિસ્ટમ પર દબાણ વધ્યું છે. ચીનથી ગલ્ફ દેશોનાં રૂટ પર વધુ જહાજો ડાયવર્ટ કરવામાં આવતાં અન્ય રૂટો પર કન્ટેનરોની ભારે અછત સર્જાઈ છે. દેશનાં આંતરિક વિસ્તારોમાં કન્ટેનર સમયસર ન મળવાને કારણે નિકાસકારો માટે બુકિંગ વિન્ડો લાંબી થઈ ગઈ છે અને વધારાનો પરિવહન ખર્ચ ભોગવવો પડી રહ્યો છે.દરિયાઈ ભાડામાં થયેલાં આ વધારાની સીધી અસર ગુજરાતનાં નિકાસકારો અને વેપારીઓ પર પડી રહી છે, ખાસ કરીને કંડલા-મુંદરા અને પ્રાદેશિક બંદરો પરથી નિકાસ કરતાં વિવિધ ઉદ્યોગોના નફાનું માર્જિન અગાઉના પ્રમાણમા સતત ઘટી રહ્યું હોવાનુ દર્શાય છે. સબંધિત વિભાગના જાણકારો આ અંગે કહી રહ્યા છે કે, વધારે પડતાં દૈનિક જહાજના ચાર્જ અને મધ્ય
પૂર્વના યુદ્ધ વિસ્તારથી બચવા શિપિંગ કંપનીઓ દ્વારા બદલવામાં આવેલા રૂતના કારણે વૈશ્વિક સ્તરે ફ્રેટ ખર્ચ વધ્યો છે. ભાડાના ઊંચા દરોને કારણે ઉદ્યોગોના
ઈનપુટ કોસ્ટ (ઉત્પાદન ખર્ચ) માં ૧૫ થી ૨૦ ટકાનો વધારો થયો છે. બજારમાં ભારે સ્પર્ધા હોવાને કારણે આ વધારાનો મોટાભાગનો બોજ નિકાસકારોએ જ સહન કરવો પડી રહ્યો છે.
..........
મુંદરા-કંડલા પોર્ટ ના નિકાસકારો પર કેવા પ્રકારની અસરો થઈ રહી છે?
*નફાના માર્જિનમાં મોટું ધોવાણ : ભાડાના દરોમાં ૩ થી ૧૦ ગણા સુધીનો વધારો થવાથી ઈનપુટ કોસ્ટ (ઉત્પાદન અને પરિવહન ખર્ચ) ૧૫ થી ૨૦ ટકા વધી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા ટકાવી રાખવા માટે વધારાનો આર્થિક બોજ નિકાસકારોએ જ સહન કરવો પડી રહ્યો છે. *કન્ટેનરોની ભારે અછત અને શિપિંગમાં વિલંબ : શિપિંગ કંપનીઓ દ્વારા રૂટ બદલવા અને જહાજો ચીન તરફ ડાયવર્ટ કરાતાં મુંદરા અને કંડલા
પોર્ટ પર સમયસર કન્ટેનર મળવાના બંધ થયા છે, જેનાથી બુકિંગ વિન્ડો લાંબી થઈ ગઈ છે અને ડિલિવરીમાં અઠવાડિયાઓનો વિલંબ થઈ રહ્યો છે.
*ઓર્ડર રદ થવાનો અને પેનલ્ટીનો ભય :ટ્રાન્ઝિટ ટાઈમ વધવાના કારણે સમયસર માલ ન પહોંચતાં વિદેશી ખરીદદારો ઓર્ડર રદ કરી રહ્યા છે અથવા સમયમર્યાદા ચૂકવા બદલ પેનલ્ટી લગાવી રહ્યા છે.
........
મુંદરા અને કંડલા થી નિકાસ થતા કયા કયા સેક્ટર સૌથી વધુ પ્રભાવિત થશે?
૧. સિરામિક અને ટાઇલ્સ ઉદ્યોગ (મોરબી-કચ્છ બેલ્ટ)ઃ મુંદરા પોર્ટ પરથી સૌથી વધુ નિકાસ થતા સિરામિક સેક્ટરને સૌથી મોટો ફટકો પડ્યો છે. સિરામિક પ્રોડક્ટ્સ ઓછી કિંમતની પરંતુ વધુ વજન ધરાવતી હોવાથી, કન્ટેનર ભાડાં વધતાં તેની લેન્ડિંગ કોસ્ટ ખૂબ વધી ગઈ છે, જેથી યુરોપ અને ગલ્ફ દેશોના ઓર્ડરો અટકી ગયા છે. ૨. કૃષિ પેદાશો અને અનાજ :કંડલા અને મુંદરા પોર્ટ પરથી નિકાસ થતા ચોખા, તલ, જીરું, એરંડા અને મસાલા જેવા એગ્રી-ઉદ્યોગને સીધી અસર થઈ રહી છે. કૃષિ ઉત્પાદનોની શેલ્ફ લાઈફ (બગડી જવાની મર્યાદા) ચોક્કસ હોય છે; ટ્રાન્ઝિટ ટાઈમ વધતાં માલ ખરાબ થવાનું અને ક્વોલિટી બગડવાનું જોખમ વધી ગયું છે. ૩. કેમિકલ્સ, સોડા એશ અને સોલ્ટ : કચ્છ અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાંથી મુંદરા/કંડલા મારફતે મોટા પ્રમાણમાંસોલ્ટ અને બેઝિક કેમિકલ્સ નિકાસ થાય છે. આ બલ્ક કાર્ગો ક્ષેત્રે ફ્રેટ ચાર્જ વધતાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતીય કેમિકલ્સ અને મીઠું મોંઘા થઈ ગયા છે.
૪. ટેક્સટાઈલ્સ અને ગારમેન્ટ્સઃ યુરોપ અને અમેરિકાના બજારોમાં મુંદરા પોર્ટથી જતાં કાપડ અને રેડીમેડ કપડાંના શિપમેન્ટ અટવાયાં છે. ખરીદદારો આટલું મોંઘું ભાડું ચૂકવવા તૈયાર ન હોવાથી નવા ઓર્ડર મળવાનું બંધ થઈ ગયું છે. ૫. એન્જિનિયરિંગ અને બ્રાસ પાટ્ર્સઃ રાજકોટ અને જામનગરથી મુંદરા મારફતે નિકાસ થતાં એન્જિનિયરિંગ ગુડ્સ, મશીનરી અને બ્રાસ
પાટ્ર્સના માલવાહક ખર્ચમાં ભારે વધારો થતાં સ્થાનિક એમએસએમઈ એકમો માટે નિકાસ કરવી આર્થિક રીતે અશક્ય બની રહી છે.
...........

Comments