આંતરરાજ્ય બોગસ પાસપોર્ટ કાંડમાં કચ્છ કડીનો મોટો ધડાકો?
સીમાવર્તી જિલ્લાની સુરક્ષા એજન્સીઓ ઉઘતી ઝડપાઈ ?
મધ્યપ્રદેશ પોલીસે આ સંદર્ભે હજુ સુધી કચ્છ પોલીસનો કોઈ સંપર્ક કરેલ નથી છતાં પ.કચ્છ પોલીસ આ સંદર્ભે જરૂરથી તાકીદે તપાસ કરાવશે
નાગપુરથી પકડાયેલ બાંગ્લાદેશીનું પાસપોર્ટ કચ્છના મથલ ગામના સરનામે બન્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો : મધ્યપ્રદેશથી વધુ તપાસાર્થે એક ખાસ ટીમ કચ્છ આવવા રવાના
મધ્યપ્રદેશ એસટીએફનો સપાટો : બનાવટી દસ્તાવેજોથી બાંગ્લાદેશીઓના પાસપોર્ટ બનાવવાનું નેટવર્ક ઝડપાયું : કચ્છ અને ગ્વાલિયરના સરનામાના ખેલનો પર્દાફાશ : ચકાસણીમાં સામેલ સરકારી કર્મચારીઓ અને પોલિસકર્મીઓ સામે તપાસનો ધમધમાટ
ભુજ - કચ્છઉદય : મધ્ય પ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સે બોગસ દસ્તાવેજોના આધારે બાંગ્લાદેશી નાગરિકો માટે ભારતીય પાસપોર્ટ તૈયાર કરી આપતા એક વિશાળ રેકેટનો પર્દાફાશ કર્યો છે. દેશની સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેનારા આ કૌભાંડમાં એસટીએફ દ્વારા અત્યાર સુધીમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે નાગપુરથી પકડાયેલા આરોપી જાય ચૌધરી બરૂઆનો પાસપોર્ટ ગુજરાતના સરહદી કચ્છ જિલ્લાના મથલ ગામના સરનામે બનાવવામાં આવ્યો હતો. આ વિસ્તાર પાકિસ્તાન સરહદની નજીક આવેલો હોવાથી એસટીએફ દ્વારા આ મામલે ખૂબ જ ગંભીરતાથી અને ઊંડાણપૂર્વક પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.
આ રેકેટના તાર મધ્ય પ્રદેશ ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત સુધી ફેલાયેલા હોવાનું બહાર આવ્યું છે. મહારાષ્ટ્રના ઉલ્હાસનગરથી પકડાયેલા અન્ય એક આરોપી પ્રિયાન રાયનો પાસપોર્ટ ગ્વાલિયરના ડબરા સ્થિત બૌદ્ધ વિહારના સરનામે જારી કરાયો હતો. એસટીએફના એસપી રાજેશ સિંહ ભદોરિયાના જણાવ્યા મુજબ, કચ્છ કનેક્શન સામે આવ્યા બાદ એક ખાસ ટીમ તપાસ માટે ગુજરાત મોકલવાની તૈયારી ચાલી રહી છે. આ સમગ્ર બનાવટી પ્રક્રિયામાં ચકાસણી અને દસ્તાવેજ બનાવવાની કામગીરી સાથે જોડાયેલા સરકારી વિભાગો હવે એસટીએફના રડાર પર આવી ગયા છે.
આ ગેરકાયદેસર કારસામાં સામેલ પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાં હાલ ૧૫ જેટલા નામો સામે આવ્યા છે. આ યાદીમાં ગ્વાલિયરના ડબરા પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ ઈન્સ્પેક્ટર વિનાયક શુક્લા, એચસીએમ ભૂપેન્દ્ર ગુર્જર સહિત પાસપોર્ટ સેવા કેન્દ્રના કર્મચારીઓનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી રિયાલ ચૌધરીએ જ તમામ બાંગ્લાદેશીઓના બોગસ આધાર કાર્ડ તૈયાર કરાવી આપ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં દતિયાના બૌદ્ધ મઠના સરનામે ૧૭, ભોપાલના અન્ના નગરના સરનામે ૪૦, બેતુલથી ૧૧ તેમજ છિંદવાડા અને પાંઢુર્ણામાંથી એક-એક બોગસ પાસપોર્ટ બન્યા હોવાનું સામે આવ્યું છે. એસટીએફ દ્વારા હાલ સુધીમાં ૭૦ જેટલા બોગસ પાસપોર્ટની પુષ્ટિ કરી દેવામાં આવી છે, જ્યારે ૧૦૦થી વધુ પાસપોર્ટ હાલ શંકાના ઘેરામાં છે. તપાસ અધિકારીઓને આશંકા છે કે બનાવટી દસ્તાવેજોના આધારે જારી કરાયેલા પાસપોર્ટનો આંકડો ૨૦૦ સુધી પહોંચી શકે છે, જેને પગલે આગળની કાનૂની કાર્યવાહી તેજ કરી દેવામાં આવી છે.
..........

Comments