ભુજ ચેમ્બર દ્વારા ઈ-કોમર્સ નિકાસ સમિત અને નિકાસ જાગૃતિ અંગે કાર્યક્રમનું આયોજન
ભુજ - કચ્છઉદય : કચ્છના ઉદ્યોગકારો, વેપારીઓ, એમએસએમઈ એકમો તથા નિકાસકારોને ઇ-કોમર્સના માધ્યમથી વૈશ્વિક બજાર સાથે જોડવાની દિશામાં ૧૧ સપ્ટેમ્બરના ભુજ ખાતે ભુજ ચેમ્બર દ્વારા ઇ-કોમર્સ નિકાસ સમિટ અને નિકાસ પર જાગૃતિ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે.
ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલ ગોરના જણાવ્યા અનુસાર કચ્છમાં ઉત્પાદિત વિવિધ પ્રકારના ઉત્પાદનોને દેશના બજાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પહોંચાડવાની વિશાળ સંભાવનાઓ રહેલી છે. ખાસ કરીને ઇ-કોમર્સના વધતા વ્યાપને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગકારો માટે મોટા રોકાણ વિના વૈશ્વિક ગ્રાહકો સુધી પહોંચવાની નવી તકો ઊભી થઈ છે. આ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કચ્છના ઉધોગકારો અને નિકાસકારોને ઇ-કોમર્સ નિકાસની સમગ્ર પ્રક્રિયા અંગે વ્યવહારુ માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લો આજે માત્ર ગુજરાતનું નહીં પણ ભારતનું એક્સપોર્ટ હબ બનવા જઈ રહ્યું છે. અહીં કંડલા-દીનદયાલ પોર્ટ અને મુન્દ્રા પોર્ટ જેવા દેશના બે સૌથી મોટા બંદરો આવેલા છે, જ્યાંથી ભારતનો લગભગ ૪૦% જેટલો માલ એક્સપોર્ટ થાય છે. આ ઉપરાંત ભુજોડી વણાટ, અજરખ પ્રિન્ટ, બાંધણી, ચામડા અને માટીકામ જેવી વિશ્વ પ્રસિદ્ધ હેન્ડીક્રાફ્ટ, મીઠું, ખનીજ, કેમિકલ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ્સનો મોટા પાયે એક્સપોર્ટ થાય છે. આ તમામ ઉદ્યોગોને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે હેતુથી એક ખાસ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
કાર્યક્રમમાં ઇ-કોમર્સ નિકાસની તકો અને સંભાવનાઓ, ઇ-કોમર્સ નિકાસની કાર્યપદ્ધતિ, નિકાસ પ્રક્રિયામાં સંકળાયેલા, વિદેશ વેપાર નીતિના તાજેતરના ફેરફારો તેમજ ઓનલાઇન વેચાણ પ્લેટફોર્મ, લોજિસ્ટિક્સ, પેમેન્ટ અને નિકાસ સંબંધિત નિયમો અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. રસ ધરાવતા ઉદ્યોગકારો અને નિકાસકારોને ઇ-કોમર્સ નિકાસ પ્લેટફોર્મ સાથે જોડાવા તથા ઓનબોર્ડિંગની પ્રક્રિયામાં જરૂરી માર્ગદર્શન અને સહાય પણ આપવામાં આવશે. સરકારી અને અગ્રણી ખાનગી સંસ્થાઓના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહીને ઇ-કોમર્સ નિકાસ અંગે પ્રેઝન્ટેશન કરશે તેમજ કચ્છના ઉદ્યોગકારો સાથે સીધો સંવાદ કરશે. આ દરમિયાન ઉદ્યોગકારોને લોજિસ્ટિક્સ, ચુકવણી વ્યવસ્થા, નિકાસ સંબંધિત પાલન તથા અન્ય સેવાઓ સાથે સંકળાયેલા સેવા પ્રદાતાઓ સાથે સીધો સંપર્ક કરવાની તક પણ મળશે.
ગોરે આપેલી માહિતી મુજબ ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા કચ્છના ઉદ્યોગકારો, એકમો, વેપારીઓ, ઉત્પાદકો તથા હાલના અને નવા નિકાસકારોને આ કાર્યક્રમનો મહત્તમ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઇ-કોમર્સના માધ્યમથી કચ્છના સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ એક મહત્વપૂર્ણ માર્ગદર્શક મંચ સાબિત થઈ શકે છે. ૧૧મી સપ્ટેમ્બરના સાંજે ૪થી ૬ કલાક દરમિયાન હોટેલ મંગલમ, સંસ્કાર નગર, ભુજ-કચ્છ ખાતે યોજાશે. રજીસ્ટ્રેશનનો સમય સાંજે ૩ઃ૪૫ કલાકનો રહેશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોઈ ફી નથી, પરંતુ પૂર્વ-નોંધણી ફરજિયાત છે. બેઠકો મર્યાદિત હોવાથી નોંધણી ’વહેલા તે પહેલાના ધોરણે’ કરવામાં આવશે.
--------

Comments