Trending News
સ્થાનિક સમાચાર

કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ

08 September


જળસંચય અને ભૂગર્ભ જળ વધારવા લાંબાગાળાના નક્કર આયોજન કરવા અનિલ રાણાવસિયાની તાકીદ

ભુજ - કચ્છઉદય : કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટર દ્વારા પાણી પુરવઠા અને સ્વચ્છતાના કામોની સમીક્ષા કરવામાં આવી હતી.
બેઠકમાં  વિલંબીત ચોમાસાના કારણે કચ્છ જિલ્લામાં પાણીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરતા આગામી આયોજન, વૈકલ્પિક વ્યવસ્થા, ડેમોમાં પાણીનો સ્ટોક અને તેની મર્યાદા, માઇક્રો પ્લાનીંગની વિગતો, ટપ્પર ડેમથી વધારાનું પાણી પંપ કરવાની કામગીરીની વિગતો, નવીન શારકામ હેઠળ બોર બનાવવાની કામગીરી, કચ્છ બ્રાંચ કેનાલ આધારીત માંડવી તાલુકા માટે યોજના, ખાનગી ટેન્કર મારફતે પીવાના પાણી વિતરણના ટેન્ડરની વિગતો સહિતની બાબતોની કલેક્ટરશ્રીએ સમીક્ષા કરીને જરૂરી સૂચન સાથે માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે પશુઓના પીવાના પાણીની સ્થિતિ, ભવિષ્યની જરૂરીયાતો અંગે સમીક્ષા કરી હતી.કલેક્ટરે બેઠકમાં પાણીની વર્તમાન સ્થિતિને જોતા ડેમમાંથી સિંચાઇ માટે પાણીની ચોરી અટકાવવા અને કડક પગલા ભરવા અધિકારીઓને તાકીદ કરી હતી. આ સાથે કચ્છમાં પાણીના સ્થાનિક સોર્સ વધારવા, ભૂગર્ભ જળ ઉંચુ લાવવા તેમજ જળસંચયના કામો સાથે પીવાના પાણી માટે લાંબાગાળાના આયોજન કરવા સંલગ્ન વિભાગોને ખાસ સૂચના આપી હતી. જેમાં ખાસ કરીને શહેર તથા ગ્રામ્ય સ્તરે નવા બાંધકામમાં વોટર હાર્વેસ્ટીંગ સ્ટ્રકચરને ફરજિયાત કરવા સંદર્ભે ઠરાવ કરીને આ દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું. બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા રીજુવીનેશન કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલી યોજનાઓને સૈદ્ધાંતિક બહાલી આપવામાં આવી હતી. આ સાથે ટોલ ફ્રી નંબર ૧૯૧૬ હેઠળ આવતી ફરિયાદોની સમીક્ષા, જલસેવા આંકલનની કામગીરી, પાણી વિતરણ વ્યવસ્થા સહિતની કામગીરી બાબતે કલેક્ટર દ્વારા ચર્ચા કરી સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે વિવિધ યોજનાઓના સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડી  આ સાથે તાલુકાદીઠ પાણી વિતરણ અને પાણીના જથ્થાની સમીક્ષા કરીને વિવિધ વિભાગોના સંકલનથી નક્કર આયોજન કરવા સૂચના આપવામાં આવી હતી.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડીયા, અધિક કલેક્ટર પ્રણવ વિઠાણી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી માધુરીબેન પટેલ, ડીવાયએસપી એમ.જે. ક્રિશ્ચિયન, પાણી પુરવઠા બોર્ડ અને વાસ્મો સહિત સંલગ્ન વિભાગોના અધિકારીઓ તથા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે અન્ય પ્રાંત અધિકારીઓ તથા તાલુકા કક્ષાના અધિકારીઓ વર્ચ્યુઅલી જોડાયા હતા.
-----

Comments

COMMENT / REPLY FROM