લેવા પટેલ હોસ્પિટલમાં હવે મળશે સ્કીનની અદ્યતન સારવાર
માધાપરના દાતા પરિવાર દ્વારા ક્યુ-સ્વિચ એનડી લેસર મશીનની ભેટ
ભુજ - કચ્છઉદય : કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ સંચાલિત માતુશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ એન્ડ રિસર્ચ, ભુજ ખાતે દર્દીઓ માટે વધુ આધુનિક અને ગુણવત્તાયુક્ત સારવાર સુવિધા ઉપલબ્ધ બને તે હેતુથી ક્યુ-સ્વિચ એનડી લેસરનું દાન કરવામાં આવ્યું હતું.
માધાપરના દાતા પરિવાર દ્વારા હોસ્પિટલને આ અત્યાધુનિક લેસર મશીન અર્પણ કરવામાં આવ્યું છે. પિતા ચંચલગર કેશવગર ગુંસાઈ અને માતૃશ્રી જયશ્રીબેન ચંચલગર ગુંસાઈ હસ્તે મહેન્દ્ર ચંચલગર ગુંસાઈ, ધર્મપત્ની કિમ્પલ મહેન્દ્ર ગુંસાઈ તથા પુત્રો હાર્દિક મહેન્દ્ર ગુંસાઈ અને કૌશલ મહેન્દ્ર ગુંસાઈ દ્વારા આ સેવાભાવી અનુદાન આપવામાં આવ્યું છે. દાતા પરિવાર દ્વારા હોસ્પિટલને ૧૦ લાખનું અનુદાન આપી ક્યુ-સ્વિચ એનડી લેસર અર્પણ કરવામાં આવ્યું છે. આ મશીનથી ત્વચા સંબંધિત વિવિધ સારવારમાં આધુનિક લેસર ટેક્નોલોજીનો ઉપયોગ કરી દર્દીઓને વધુ સુવિધાજનક સારવાર ઉપલબ્ધ બની શકશે.
ડૉ. ભક્તિ ઠક્કર દ્વારા આ મશીનના ઉપયોગ અને ફાયદાઓ અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે, તે હળવાથી લઈને ઘેરા કાળા રંગ સુધીના મેલાસ્મા, ફ્રેકલ્સ, કાળા કે લાલ તલ અને બર્થમાર્ક (જન્મજાત ડાઘ) જેવી પિગમેન્ટેશનની સમસ્યાઓ દૂર કરવા માટે ખૂબ અસરકારક છે.અદ્યતન લેસર મશીનથી ત્વચાના સફેદ ડાઘ (વીટીલીગો- કોઢ), અકસ્માતથી થતા ઘાના ડાઘની સારવાર ( સ્કાર, કેલોઈડ), દાઝી જવાથી થતા ડાઘ, ખીલના ઊંડા ડાઘ, ત્વચા પરના મસા, સોરીયાસીસ ઉપરાંત આ ટેકનોલોજી ખીલના ડાઘ અને કરચલીઓ ઘટાડી ત્વચામાં કોલેજન વધારવા તથા કુદરતી ચમક લાવવા સ્કિન રિજુવેનેશનમાં મદદ કરે છે. હોર્મોનલ અસંતુલન કે અન્ય બિમારીઓના કારણે ચહેરા પર થતા અનિચ્છનીય વાળની રાહત દરે સારવાર મળશે. વધુમાં હવેથી લેવા પટેલ હોસ્પિટલમાંથી લઇ અન્ય કોઈ પણ સમસ્યા માટે ફૂલ ટાઇમ સારવાર મળી રહેશે
આ પ્રસંગે હોસ્પિટલ ટ્રસ્ટ વતી કચ્છી લેવા પટેલ સમાજના પ્રમુખ વેલજીભાઈ પિંડોરિયા, કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસિયા, ટ્રસ્ટી અરજણભાઈ પિંડોરિયા અને ટ્રસ્ટના મંત્રી મનજીભાઈ પિંડોરિયાએ દાતાની કામગીરીને બિરદાવતાં સન્માન કર્યું હતું.
------

Comments