રાષ્ટ્રીય અવકાશ દિવસ ૨૦૨૬ની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ‘સ્પેસ ક્વિઝ’નું આયોજન
વિજેતાઓને મળશે સાયન્સ સિટી, અમદાવાદની નિઃશુલ્ક મુલાકાત માટેના વાઉચર્સ
ભુજ - કચ્છઉદય : ભારતના ઐતિહાસિક ચંદ્રયાન-૩ મિશનની ભવ્ય સફળતા અને વિક્રમ લેન્ડરના ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગની યાદમાં દર વર્ષે ૨૩ ઓગસ્ટના રોજ સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ’ ઉજવવામાં આવે છે. આ અવસરે વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને અવકાશ ક્ષેત્રે રસ અને જિજ્ઞાસા વધે તે માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ રીજનલ સાયન્સ સેન્ટર ભુજ અને ધી ઇન્ડિયન પ્લેનેટરી સોસાયટી મુંબઈ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભુજ દ્વારા વિશેષ ‘સ્પેસ ક્વિઝ’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધા ૨૩ ઓગસ્ટને રવિવારના રોજ રિજયોનલ સાયન્સ સેન્ટર ભુજ ખાતે સવારે ૯ વાગ્યા દરમ્યાન યોજવામાં આવશે. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિદ્યાર્થીઓને ગુણવત્તા પ્રમાણપત્ર તેમજ તેમના પરિવાર સહિત (વધુમાં વધુ ૫ સભ્યો) ગુજરાત સાયન્સ સિટી, અમદાવાદની નિઃશુલ્ક મુલાકાત (એન્ટ્રી તેમજ તમામ ગેલેરીઓની ફ્રી વિઝિટ) માટેના વિશેષ વાઉચર્સ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ધોરણ ૬ થી ૧૨ ના કોઈ પણ શાળાના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. ભાગ લેવા માટે તારીખ ૨૧ ઓગસ્ટ સુધી પોતાનું નામ, શાળાનું નામ, ધોરણ વગેરે માહિતી ૭૯૮૪૪ ૮૪૫૬૧ પર મેસેજ કરી રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. રજીસ્ટ્રેશન નિઃશુલ્ક રહેશે. વધુ માહિતી માટે જિલ્લા કો-ઓર્ડિનેટર, પ્રવીણ મહેશ્વરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
-------------

Comments