ચોબારીના બહુચર્ચિત હત્યા કેસમાં મુખ્ય આરોપી શામજી વરચંદને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
અન્ય આરોપીઓ સામે કાવતરાનો ગુનો સાબિત ન થતાં નિર્દોષ છૂટકારો ; પ્રેમસંબંધ અને અંગત મનદુઃખમાં હત્યા નિપજાવ્યાનું અદાલતમાં પૂરવાર
ભચાઉ - કચ્છઉદય : ભચાઉ તાલુકાના ચોબારી ગામના બહુચર્ચિત માવજી ભુરા વરચંદ હત્યા કેસમાં ભચાઉની એડિશનલ ડીસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આજે આખરી ચૂકાદો આપ્યો છે. સેશન્સ જજ બી.એલ. ચોઇથાણીએ આ ચર્ચાસ્પદ કેસનો ચુકાદો સંભળાવતા મુખ્ય આરોપી શામજી વશરામભાઇ ઉર્ફે વસાભાઇ વરચંદને ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૨ હેઠળ દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી છે. આ જ કેસમાં કાવતરા અને મદદગારીના આક્ષેપ હેઠળ અટકાયત કરવામાં આવેલા અન્ય આરોપીઓ સામે ગુનાહિત કાવતરાનો આક્ષેપ નિઃશંકપણે પુરવાર ન થઈ શકતા અદાલતે તેમને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવાનો આદેશ કર્યો છે.ઘટનાની વિગતો મુજબ, ૧૮ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ બપોરના આશરે સાડા અગિયારથી બાર વાગ્યાના સુમારે આ બનાવ બન્યો હતો. મોગલધામ દર્શને જવા નીકળેલા માવજી ભુરા વરચંદ અને તેમના મિત્ર ભરતભાઇ વેલાભાઇ વરચંદ મોટરસાઇકલ પર ખારોઇ નજીક નર્મદા કેનાલ બ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે આરોપી શામજી વશરામ વરચંદે પોતાના બાઇક પર આવી તેમનો રસ્તો આંતર્યો હતો અને પોતાની પાસે રહેલી પિસ્તોલમાંથી માવજી વરચંદ પર છાતીના ભાગે સીધું ફાયરિંગ કર્યું હતું. ઈજાગ્રસ્ત માવજી પોતાના બચાવ માટે ભચાઉ તરફ દોડ્યા પરંતુ થોડે દૂર જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ શામજી વરચંદે નજીક જઈ તેમના પર વધુ બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
ગંભીર રીતે ઘવાયેલા માવજી વરચંદને તાત્કાલિક ધોરણે વાગડ વેલફેર હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીધામ થઈ રાજકોટ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના મિત્ર અને નજરે જોનાર સાક્ષી ભરતભાઇ વરચંદની ફરિયાદના આધારે ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન માવજી અને શામજી વરચંદ વચ્ચે અગાઉ પ્રેમસંબંધ અને કૌટુંબિક મનદુઃખને કારણે વૈમનસ્ય હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં પિસ્તોલ, કારતૂસ અને એફએસએલ અહેવાલ સહિતના મહત્વના પુરાવાઓ એકત્ર કર્યા હતા.
કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ડી. એસ. જાડેજા અને મૂળ ફરિયાદીના વિદ્વત વકીલ વી. જી. મકવાણાએ રજૂઆત કરી હતી કે નજરે જોનાર ફરિયાદીનો પુરાવો, મરણોન્મુખ નિવેદન, ડોક્ટરોની જુબાની તેમજ એફએસએલનો અહેવાલ એકબીજાને પૂર્ણ સમર્થન આપે છે. મૃતકના શરીરમાંથી મળી આવેલી ગોળીઓ આરોપી પાસેથી રિકવર કરાયેલી પિસ્તોલમાંથી જ છૂટી હોવાનું એફએસએલ તપાસમાં પૂરવાર થયું હતું. તમામ દલીલો અને પુરાવા ધ્યાને લઈ અદાલતે મુખ્ય આરોપી શામજી વરચંદને કસૂરવાર ઠેરવી સજા ફટકારી છે, જ્યારે ગુનાહિત કાવતરા અંગે યોગ્ય પુરાવાના અભાવે અન્ય આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે.
--------------

Comments