આધોઈ સોપારી કાંડમાં ડીઆરઆઈનો નવો ધડાકો : ઝોનના ૩બાબુઓને મોકલ્યું તેડું, ભ્રષ્ટ લોબીમાં ફફડાટ !
પોલીસે તો કંઈ ન ઉકાળ્યું, ડીઆઆઈ કરી રહી છે લાલઆંખ
મહેન્દ્ર-આશીષ સહિતની ત્રિપુટીને પ્રશ્નોનો દોર શરૂ થતાં મોટું પ્રકરણ બહાર આવવાની આશંકા કન્સાઈનમેન્ટમાં શું એક્ઝામિનેશન કર્યું?
ગાંધીધામઃ કચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ ટીમે આઠેક મહિના પહેલાં ભચાઉના આધોઈ પાસેથી રૂ. ૧.૫ કરોડનો દાણચોરીયુક્ત સોપારીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. શરૂઆતમાં સાતેક આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી કરાઈ હતી, પરંતુ સમય જતાં મુખ્ય સૂત્રધાર રાજેશ, મહાદેવ, આનંદ અને રાજા જેવા મુખ્ય તત્વો હજુ સુધી ફરાર જ છે. પોલીસે પાછળથી આ તપાસ ઠંડી પાડી દીધી હોય કે ‘કુલડીમાં ગોળ ભાંગ્યો’ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ, છેલ્લા એકાદ મહિનાથી આ કેસમાં ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ પૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. ડીઆરઆઈએ ઝોન સુધી લંબાયેલા આ કૌભાંડના તાર સુધી પહોંચવા જે-તે યુનિટમાં અઠવાડિયા સુધી ધામા નાખીને તપાસ હાથ ધરી હતી. ડીઆરઆઈ દ્વારા કાસેઝના બે યુનિટમાં દસ્તાવેજોનું ક્રોસ-વેરિફિકેશન કર્યા બાદ હવે કસ્ટમ્સ વિભાગના ૩ અટકાયતી અધિકારીઓ (ર્ઁં - પ્રિવેન્ટિવ ઓફિસર) મહેન્દ્ર, આશીષ સહિતની ત્રિપુટીને તપાસના દાયરામાં લીધા હોવાની ચર્ચાઓ તેજ બની છે.ડીઆરઆઈએ આ અધિકારીઓને સમન્સ પાઠવી હાજર થવા આદેશ કર્યો છે. કાસેઝમાંથી તે સમયે નીકળેલા કન્ટેનરોમાં શું આવી રહ્યું હતું કે શું જઈ રહ્યું હતું? તેમાં કયા પીઓએ શું તપાસ (એક્ઝામિનેશન) કરી હતી? તે અંગે કડક પૂછપરછનો દોર શરૂ કરવામાં આવશે. કસ્ટમ્સના આ ત્રણેય અધિકારીઓ ડીઆરઆઈની રાડારમાં આવતાં જ આખી ભ્રષ્ટ બોડી અને બાકીની મોટી ટોળકીમાં ફફડાટ વ્યાપી ગયો છે. જો આ તપાસ તટસ્થ અને કડક રીતે આગળ વધશે, તો આગામી દિવસોમાં સોપારી દાણચોરીનું અતિ મોટું પ્રકરણ બહાર આવવાની પૂર્ણ શક્યતા છે.
.....................
ડીઆઆઈ ‘સાપોલિયા’ પકડવાનું છોડે, કૌભાંડનો
પર્દાફાશ કરવો હોય તો પ્રદીપ ગેંગ ને સાણસામાં લે!
મારુત મોડેલવાળા પ્રદીપ અને તેના સાગરીતો સામે તપાસ થાય તો સોપારી કાંડમાં અનેક રહસ્યો છતા થશે
ગાંધીધામઃ આધોઈ સોપારી કાંડમાં ડીઆરઆઈ દ્વારા કાસેઝના યુનિટો અને નાના-મોટા અધિકારીઓ સામે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે, પરંતુ ચર્ચાતી વિગતો મુજબ જો આ સમગ્ર કૌભાંડનું સાચું મૂળ ખોલવું હોય તો ડીઆરઆઈએ નાના સાપોલિયાઓને પકડવાનું છોડીને મુખ્ય ખેલાડીઓ સુધી પહોંચવું પડશે.સ્થાનિક સ્તરે ચર્ચાતી વિગતો મુજબ, ‘મારુત મોડેલ’ વાળા પ્રદીપ અને તેની ગેંગ કાસેઝ સહિત જામનગર અને વડોદરા સુધી પૂરેપૂરો કંટ્રોલ ધરાવે છે. અગાઉ આઈપીએસ અધિકારી ડી.સી. પાટીલ સાહેબે મારુત મોડેલવાળા પ્રદીપ અને તેના સાગરીતોને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા અને તેમની ગેરકાયદે પ્રવૃત્તિઓ પર બ્રેક મારી હતી.સોપારી દાણચોરીના આ પ્રકરણમાં પણ જો ડીઆરઆઈ માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ કે અધિકારીઓ પૂરતી તપાસ સીમિત ન રાખતાં મારુત મોડેલવાળા પ્રદીપ અને તેની ગેંગને કાયદાના સાણસામાં લેશે, તો આ સમગ્ર સોપારી કાંડના તાર અનેક મોટા માથાઓ સુધી લંબાશે અને અનેક ચોંકાવનારા ખુલાસાઓ બહાર આવશે.

Comments