ભુજ-કચ્છઉદય : ભુજના આરાધના ભવન જૈન સંઘમાં જૈનાચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં યોજાયેલી ચાર માસની ચાતુર્માસિક આરાધનાની પૂર્ણાહુતિ થતાં અંતિમ દેશના અને વિદાયના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પૂજ્ય ગુરુભગવંતોના સાનિધ્યમાં યોજાયેલી આ આધ્યાત્મિક યાત્રાના સમાપન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શુવિશાલ ગચ્છાધિપતિ જૈનાચાર્ય પરમ પૂજ્ય શ્રીમદ્ વિજય કલ્પતરુસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાદથી તેમજ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય આનંદવર્ધનસૂરીશ્વરજી મ.સા., આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા. અને સાધુ-સાધ્વીજી ભગવંતો આદિ ૧૮ ઠાણાની પાવન નિશ્રામાં ચાતુર્માસનું આયોજન થયું હતું.
અંતિમ દેશનામાં આચાર્ય શ્રીમદ્ વિજય આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા.એ મનુષ્યભવની દુર્લભતા અને જીવનની ક્ષણભંગુરતા સમજાવી હતી. ચાતુર્માસ દરમિયાન મેળવેલા ધાર્મિક જ્ઞાન અને સાધનાના સંસ્કારોને જીવનમાં ઉતારી સતત ધર્મમાર્ગે આગળ વધવા ભાવિકોને પ્રેરણા આપી હતી. મળેલા અમૂલ્ય માનવભવને સાર્થક કરવા સાધનામાં રેસના ઘોડાની જેમ આગળ વધવાનો ઉપદેશ આપ્યો હતો. તેમણે શ્રી સંઘની એકતા, આજ્ઞાપાલન, સુચારુ વહીવટ અને આયોજનની સરાહના કરી સંઘની એકતા જાળવી રાખવા જણાવ્યું હતું. અંતે સમગ્ર સંઘ સાથે મિચ્છામી દુક્કડમ કર્યા હતા.
સંઘના માનદ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચાએ ચાતુર્માસને યાદગાર બનાવવા બદલ પૂજ્ય ગુરુભગવંતો, સાધ્વીજી ભગવંતો, દાતાઓ, યુવાનો અને આરાધકોનો આભાર વ્યક્ત કર્યો હતો. પૂજ્યોને આગામી ચાતુર્માસ માટે વહેલી તકે ભુજ પધારવા તથા શેષકાળમાં પણ વિશેષ લાભ આપવા સંઘ વતી વિનંતી કરી હતી. સંઘ તરફથી કોઈ અવિનય, અવિવેક કે ભૂલચૂક થઈ હોય તો ક્ષમાયાચના પણ કરી હતી.
ચાતુર્માસ પૂર્ણ થયા બાદ પૂજ્યોએ માધાપર તરફ વિહાર કર્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકો કલાપૂર્ણસૂરી નગર સુધી વિદાય આપવા સાથે રહ્યા હતા. આ સમયે ભાવિકો ભાવવિભોર બન્યા હતા અને પૂજ્ય ગુરુભગવંતો ફરી વહેલી તકે ભુજ પધારે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સંઘની બહેનોએ વિદાય ગીત રજૂ કર્યું હતું. પૂજ્ય ગુરુભગવંતોએ સંઘના વડીલ દલિચંદભાઈ મહેતાના નિવાસસ્થાને પાવન પગલાં કરી માંગલિક સંભળાવ્યું હતું. વાગડ સાત ચોવીસી યુવા ગ્રુપ તથા દલિચંદભાઈ મહેતા દ્વારા પ્રભાવના કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતા, હોદ્દેદારો, ટ્રસ્ટીગણ, વડીલો, યુવાનો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. આ માહિતી માનદ મંત્રી ચંદુલાલભાઈ ગઢેચા અને મીડિયા કન્વીનર વેલજીભાઈ ગણેશભાઈ મહેતાની સંયુક્ત યાદીમાં જણાવાઈ હતી.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.