નાલાસોપારામાં સંગીતમય શેત્રુંજય ભાવયાત્રા યોજાઈ : મુનિરાજ નયશેખર મહારાજે પૂનમના ધાર્મિક મહત્ત્વનું કર્યું વર્ણન
ભુજ - કચ્છ ઉદય : કારતક સુદ પૂનમના પવિત્ર અવસરથી ભારતભરમાં જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોના વિહારનો પ્રારંભ થયો છે. આ નિમિત્તે દેશભરના વિવિધ જૈન સંઘો અને તીર્થસ્થળોમાં શેત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મુંબઈના નાલાસોપારા સ્થિત પાર્શ્વચંદ્ર ગચ્છ જૈન સંઘમાં પણ સંગીતમય શેત્રુંજય ભાવયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં અર્હમનાદ ટીમે ભક્તિસંગીતની સુંદર રજૂઆત કરતાં ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાઓ ભક્તિભાવમાં લીન બન્યાં હતાં. દાદાના જયજયકાર અને ધર્મમય વાતાવરણ વચ્ચે પરંપરા મુજબ સેવ-બુંદીનું ભાતું પણ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પૂજ્ય મુનિરાજ નયશેખર મહારાજે કારતક સુદ પૂનમના ધાર્મિક મહત્ત્વ વિશે જણાવ્યું હતું કે આ દિવસ ભક્તિ, શ્રદ્ધા, તપ, ત્યાગ અને આત્મકલ્યાણની ભાવનાને ઉજાગર કરતો પવિત્ર અવસર છે. જૈન સાધુ-સાધ્વીજી ભગવંતોનો વિહાર સંયમ, અહિંસા, સહનશીલતા અને વૈરાગ્યની જીવંત પરંપરા છે. તેમના પદવિહારથી શ્રાવકોમાં ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને આત્મજાગૃતિની ભાવના વધુ દૃઢ બને છે. શેત્રુંજય ગિરિરાજની ભાવયાત્રા માત્ર ધાર્મિક યાત્રા નહીં, પરંતુ આત્મશુદ્ધિ અને આત્મકલ્યાણની સાધના હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત કારતક સુદ પૂનમના અવસરે શંખેશ્વર જહાજ મંદિરમાં શ્રી આદિનાથ દાદાની સુંદર આંગી રચવામાં આવી હતી. જેના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.