ફાયર ટીમની ત્રણ કલાકની જહેમત બાદ સંપૂર્ણ કાબૂ : સદભાગ્યે જાનહાનિ ટળી
ભચાઉ - કચ્છઉદય : તાલુકાના મોટી ચીરઈ પાસે ગત રાત્રે એક ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને ટ્રક બ્રિજના ડિવાઈડર પર ચડી જતાં તેમાં આગ ભભૂકી ઊઠી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, તારીખ ૨૪/૧૧ના રોજ રાત્રે આશરે ૧૧ઃ૩૦ વાગ્યાના સુમારે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને ૧૧૨ હેલ્પલાઈન મારફતે જાણ થઈ હતી કે ભચાઉ તાલુકાના મોટી ચીરઈ નજીક એક ટ્રકમાં આગ લાગી છે. જાણ થતાં જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે ટ્રકચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો અને આખી ટ્રક બ્રિજના ડિવાઈડર પર આશરે ૫૦ મીટર જેટલી ચડી ગઈ હતી. ટ્રકમાં મોટા પ્રમાણમાં લિગ્નાઈટ કોલસો ભરેલો હતો.
ફાયર ટીમે ટ્રકના ટાયર અને કેબિનમા લાગેલી આગ પર સતત પાણીનો મારો ચલાવ્યો હતો. ટ્રકમાં ભરેલા લિગ્નાઈટ કોલસા સુધી આગ પ્રસરે તે પહેલાં જ ફાયર જવાનોએ સતત ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. આ સમગ્ર બચાવ અને આગ બુઝાવવાની કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના પ્રવીણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ અને જયરાજસિંહ જોડાયા હતા. આ ઉપરાંત ઘટનાસ્થળે ૧૧૨ની ટીમ પણ હાજર રહી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હોવાથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
........

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.