કચ્છમાં દુષ્કાળની જાહેરાત વહેલી કરવી જોઈતી હતી : રાજેશ આહીર
કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાના મુદ્દે વિપક્ષની રજૂઆત
દુષ્કાળ રાહતનો લાભ નાના-મોટા તમામ ખેડૂતો સુધી પહોંચાડવા અને નિરાધાર પશુઓ માટે ઘાસચારા-પાણીની વ્યવસ્થા કરવા માંગ
ભુજ - કચ્છઉદય : કચ્છ જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા રાજેશ આહીરે જણાવ્યું હતું કે, કચ્છમાં દુષ્કાળની જાહેરાત વહેલી કરી દેવી જોઈતી હતી. જોકે, હવે સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયનો અમલ પણ વહેલી તકે કરવામાં આવે તે અત્યંત જરૂરી છે. દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાનો નિર્ણય માત્ર જાહેરાત પૂરતો સીમિત ન રહે, પરંતુ તેનો લાભ વાસ્તવિક રીતે અસરગ્રસ્ત લોકો સુધી પહોંચે તે જરૂરી છે.
રાજેશ આહીરે વધુમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તાત્કાલિક રાહતનાં પગલાં ભરવામાં આવે અને ખેતીના નુકસાનનો સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર તથા સહાય આપવામાં આવે. ખાસ કરીને નાની ખેતી ધરાવતા ખેડૂતો તરફ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. માત્ર મોટા ખેડૂતો જ નહીં, પરંતુ નાની કે મોટી ખેતી ધરાવતા તમામ ખેડૂતોને સરકારી રાહતનો લાભ મળવો જોઈએ. કચ્છના છેવાડાનાં ગામો અને વિસ્તારોમાં રહેતા ખેડૂતો પણ સહાયથી વંચિત ન રહે તેની તકેદારી રાખવી જોઈએ. કચ્છમાં અનેક સામાજિક અને સેવાભાવી સંસ્થાઓ નિરાધાર પશુઓની સેવા કરી રહી છે. આવી સંસ્થાઓ પોતાના સ્તરે પશુઓના નિભાવ, ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરી રહી છે. દુષ્કાળની સ્થિતિમાં પશુઓ માટે ઘાસચારા અને પીવાના પાણીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે. ત્યારે સરકાર દ્વારા ગૌશાળાઓ, પાંજરાપોળો અને નિરાધાર પશુઓની સેવા કરતી સંસ્થાઓને પણ યોગ્ય સરકારી સહાય આપવામાં આવે તેવી માંગ તેમણે કરી હતી.
રાજેશ આહીરે સ્પષ્ટ જણાવ્યું હતું કે, દુષ્કાળ રાહતની યોજનામાં કોઈ ભેદભાવ ન રહે. કચ્છના તમામ પશુઓને પૂરતા પ્રમાણમાં ઘાસ મળી રહે, ખેડૂતો અને પશુપાલકોને સમયસર સહાય મળે તેમજ નાની-મોટી ખેતી કરતા તમામ ખેડૂતોને યોજનાનો લાભ મળે તે જરૂરી છે. ખાસ કરીને છેવાડાના વિસ્તારો સુધી સરકારી સહાય પહોંચે અને કોઈપણ અસરગ્રસ્ત ખેડૂત કે પશુપાલક લાભથી વંચિત ન રહે તે માટે સરકાર વ્યવહારુ અભિગમ અપનાવે તેવી તેમણે અપીલ કરી હતી. કચ્છ જેવા વિશાળ અને ખેતી તથા પશુપાલન આધારિત જિલ્લામાં દુષ્કાળની રાહત માત્ર કાગળ પર નહીં, પરંતુ ગામડાંના છેવાડાના પરિવાર સુધી પહોંચે તે સમયની માંગ છે. સરકાર તાત્કાલિક અમલીકરણ સાથે ખેડૂતો, પશુપાલકો અને પશુસેવા કરતી સંસ્થાઓને રાહત આપે તેવી લાગણી વિપક્ષી નેતા રાજેશ આહીરે વ્યક્ત કરી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળવો જોઈએ તેમજ જે ખેતરમાં લાઈટ માટે પૈસા ભરી નાખ્યા છે તેમને વીજપોલ મળતા નથી તેમને સત્વરે આપવા જોઈએ.
---------

Comments